ગીરમાંથી ૬૦ વર્ષ પહેલાં વિલુપ્ત થયેલા ‘ચિલોત્રો’ પક્ષીએ ફરી કલરવ કર્યો

ગાંધીનગર: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. વિલુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પક્ષીના (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સફળ સંવર્ધન બાદ, હવે ગીરના જંગલોમાંથી છ દાયકા (૬૦ વર્ષ) પહેલાં નાબૂદ થઈ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો) પક્ષીને ફરીથી વસાવવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસો રંગ લાવ્યા છે. વર્ષ ૨૦૨૧માં શરૂ કરાયેલો ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન’ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સફળ રહ્યો છે અને આ પક્ષીઓ હવે ગીરમાં માત્ર સ્થાયી જ નથી થયા, પરંતુ માળાઓ બનાવીને પ્રજનન પણ કરવા લાગ્યા છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ જર્નલ ‘બર્ડ્સ’માં પ્રકાશિત થયેલા એક સંશોધન પત્રમાં આ પ્રોજેક્ટના હકારાત્મક પરિણામોની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવામાં આવી છે.

અરવલ્લીથી ગીર સુધીની સફર: બે તબક્કામાં ૪૦ પક્ષીઓ છોડાયા
૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં ગીરના જંગલોમાંથી ચિલોત્રા પક્ષીઓ ગાયબ થઈ ગયા હતા. જો કે, ૧૯૬૫માં ગીર વન્યજીવ અભયારણ્ય અને ૧૯૭૫માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના બાદ જંગલની સ્થિતિ સુધરતા વન વિભાગને આ પ્રજાતિને પાછી લાવવા માટે અનુકૂળ વાતાવરણ દેખાયું હતું.

આ પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન ગુજરાતના અરવલ્લીના જંગલોમાંથી તબક્કાવાર કુલ ૪૦ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ લાવીને ગીરમાં મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ તબક્કે ૨૮ અને બીજા તબક્કે ૧૨ પક્ષીઓ છોડાયા હતા. આ પક્ષીઓની હિલચાલ પર નજર રાખવા માટે ૧૧ નર પક્ષીઓ પર સ્પેશિયલ સેટેલાઇટ ટ્રાન્સમીટર ફિટ કરવામાં આવ્યા હતા.

સેટેલાઇટ ટ્રેકિંગના ચોંકાવનારા અને સુખદ પરિણામો
જૂનાગઢ વન વર્તુળના વન સંરક્ષક મોહન રામના જણાવ્યા અનુસાર, સેટેલાઇટ ટ્રેકિંગથી જાણવા મળ્યું છે કે શરૂઆતમાં આ પક્ષીઓ નવા વાતાવરણમાં સરેરાશ ૬૧ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ભટકતા હતા અને રોજનું ૪.૩ કિમી અંતર કાપતા હતા. પરંતુ, હવે ગીરની ઇકોસિસ્ટમ સાથે અનુકૂલન સાધી લીધા બાદ તેમનો દાયરો ઘટીને માત્ર ૫.૭ ચોરસ કિલોમીટર અને દૈનિક હિલચાલ માત્ર ૧.૪ કિમી થઈ ગઈ છે, જે દર્શાવે છે કે તેઓ હવે ગીરને પોતાનું પાકું ઘર માની ચૂક્યા છે.જંગલના કુદરતી પુનર્જીવનમાં ચિલોત્રાનું મહત્વ

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, “ચિલોત્રો પક્ષી ઇકોલોજી (પર્યાવરણ)ની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. તે ફળો ખાઈને તેના બીજને જંગલમાં લાંબા અંતર સુધી ફેલાવે છે, જેથી જંગલોનું કુદરતી રીતે પુનર્જીવન થાય છે અને નવા વૃક્ષો ઉગે છે. ગીરમાં આવ્યાના પ્રથમ વર્ષે જ એક જોડીએ અને બીજા વર્ષે અન્ય ત્રણ જોડીઓએ સફળતાપૂર્વક પ્રજનન કર્યું છે.”

ગુજરાતનું વન્યજીવ સંરક્ષણ મોડેલ દેશ માટે ગૌરવ સમાન: મંત્રી
આ સીમાચિહ્નરૂપ ઘટના અંગે ખુશી વ્યક્ત કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “૧૯૫૦-૬૦ના દાયકામાં ગીરમાંથી અદૃશ્ય થયેલા ચિલોત્રા પાંચ વર્ષમાં જ અહીં સંપૂર્ણપણે ગોઠવાઈ ગયા છે, જે વન વિભાગની મોટી સફળતા છે.” જ્યારે રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ઉમેર્યું કે, “ગુજરાતના વન્યજીવ સંરક્ષણના આ મોડેલ પર આજે સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે.”