નવી દિલ્હીઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં હમાસ આતંકવાદી જૂથને છેલ્લી ચેતવણી આપી હતી કે તે 20 જાન્યુઆરીએ તેમના શપથગ્રહણથી પહેલાં બધા બંધકોને છોડી મૂકે. અન્યથા બધું ખતમ થઈ જશે. જો હમાસ બંધકોને તેમના શપથ ગ્રહણ સુધીમાં છોડી નહીં મૂકે તો પશ્ચિમ એશિયા પર કાળો કેર વર્તાશે. તેમણે કહ્યું હતું કે જો 20 જાન્યુઆરી પહેલાં ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલા બંધકોને છોડવામાં નહીં આવે તો તે હમાસ માટે સારું નહીં હોય. સાચુ કહું તો તે કોઈના માટે સારું નહીં હોય. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિપદના શપથ લેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે બંધકોને ઘણા સમય પહેલાં મુક્ત કરી દેવા જોઈતા હતા. 7 ઓક્ટોબરનો હુમલો થવો જોઈતો નહોતો. લોકો તેને ભૂલી જાય છે, પરંતુ તે થયો અને અનેક લોકોનાં મોત થયાં. મને ઇઝરાયલ અને અન્ય જગ્યાએ બંધકોના પરિવારો તરફથી ફોન આવી રહ્યા છે.
લોકો મને તેમના પ્રિયજનોને હમાસની કેદમાંથી મુક્ત કરાવવા માટે અપીલ કરી રહ્યા છે. હમાસે કેટલાક અમેરિકનોને પણ કેદ કર્યા છે. લોકો રડતાં-રડતાં મારી પાસે આવે છે અને કહે છે, શું હું તેમના બાળકોના મૃતદેહ પરત લાવી શકું? તેમણે એક 19-20 વર્ષની છોકરીને કારમાંથી એવી રીતે ફેંકી કે જાણે તે બટાકાની બોરી હોય.
બીજી બાજુ, કતારમાં ગયા શુક્રવારથી હમાસ અને ઇઝરાયલ વચ્ચે બંધકોને મુક્ત કરવાને લઈને વાતચીત ચાલી રહી છે. રવિવારે હમાસે કહ્યું હતું કે તે એક્સચેન્જ ડીલના ફર્સ્ટ ફેઝમાં 34 બંધકોને મુક્ત કરશે. જેમાં તમામ મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર કેદીઓનો સામેલ છે. ભલે તેઓ જીવિત હોય કે મૃત હોય.