અમદાવાદ: ટોરેન્ટ ગ્રૂપના યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા ‘અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ’ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિ હાલ શહેરમાં યોજાઈ રહી છે. જેમાં બુધવારે અનોખી અને મનમોહક પ્રસ્તૃતિઓએ દર્શકોની કલાત્મક સંવેદનશીલતાને પ્રજ્વલિત કરી હતી. આ ૧૫ દિવસીય કલા પ્રદર્શન માં તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક છે.બુધવારની સાંજનો પ્રારંભ મૃત્યુ પર વ્યંગાત્મક અંદાજમાં ડાર્ક હ્યુમર પ્રસ્તૃતિ સાથે થયો. નાટકના ચતુર રમૂજ અને વિચાર-પ્રેરક વિષયે દર્શકોને પ્રભાવિત કર્યા હતા. સાથે જ ખુલ્લા મને હસાવ્યા તો વળી વિચાર કરતા પણ કર્યા. આ પ્રસ્તૃતિએ ભારતીય-સમકાલીન સંગીત પ્રદર્શનને એક નવો અનુભવ અને દ્રષ્ટિકોણ આપ્યો. સમકાલીન શૈલીઓ સાથે પરંપરાગત ભારતીય સંગીતના સમન્વયે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતો અનુભવ કરાવ્યો. સંધ્યાનું સમાપન શાસ્ત્રીય ફ્યુઝન સંગીતની પ્રસ્તૃતિ સાથે થયું, જેમાં દર્શકોને આધુનિક તત્વો સાથે કલાતીત શાસ્ત્રીય સંગીતનો આસ્વાદ માણવા મળ્યો.ઉજ્જૈનથી આવેલ રંગમંચના કલાકાર ઇવાન ખાને પોતાનું હાસ્ય અને એબ્સર્ડ નાટક ‘ધ કાર્નિવલ ઓફ ડેથ’ પ્રસ્તૃત કર્યુ. અસ્તિત્વવાદના વિચાર અને તેની આસપાસની કટોકટીને વ્યંગાત્મક રીતે વર્ણવતા આ નાટકમાં કોવિડ-૧૯ પછી લોકોએ ભોગવવી પડેલી હાલાકી, યુદ્ધ, જંગલોનો વિનાશ અને દિવસેને દિવસે વિકરાળ બની રહેલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અંગે વાત કરી હતી.
વધુ એક સંગીતમય પ્રસ્તૃતિ રુચા અંજારિયાએ રજૂ કરી હતી. જેમાં તેમણે ‘અનુભૂતિ’ના ખ્યાલને રજૂ કર્યો. જે આંતરિક અનુભૂતિઓમાંથી ઉદ્ભવતા અનુભવ માટે વપરાતો સંસ્કૃત શબ્દ છે. પોતાની ભાવપૂર્ણ પ્રસ્તૃતિના માધ્યમથી રુચા અંજારિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંગીત એ લાગણીઓને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે અને તે આંતરિક અનુભૂતિઓમાંથી ઉદ્ભવતા અનુભવની વિભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે. સાંગદેવ સંગીતને ગાયન (ગાવુ), વાદન (વગાડવું) અને નૃત્ય (નૃત્ય કરવુ)ના સંયોજન તરીકે વ્યાખ્યાયિત કરે છે. આ અનુભૂતિ પંચભૂત (પાંચ તત્વો) સાથે જોડાયેલી છે જે ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રો સાથે બ્રહ્માંડની રચના કરે છે.
સાઈ જગદીશ ગુટ્ટુલાએ એક માર્મિક કલાકૃતિ ‘ટાઇડ્સ ઑફ ટરમોઇલ’ રજૂ કરી, જેણે દર્શકોને ખલાસીઓની અશાંત દુનિયામાં ડોકીયુ કરાવ્યું. આ કલાકૃતિમાં ઘરેલુ વ્યવસ્થાના પ્રતિક તરીકે એક વોશિંગ મશીનને દર્શાવવામાં આવ્યુ છે, જે પથ્થર સાથે ટકરાય છે અને તેમાંથી પાણી તથા ફુલોની એક લહેર નીકળે છે. આ અણધાર્યુ પરિવર્તન સમુદ્રમાં જીવનની અણધારી પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. કલાકારનું માનવુ છે કે આ કલા ખલાસીઓના જટીલ ભાવાત્મક પરિદ્રશ્યને દર્શાવે છે. જે તેમની યાત્રાને પરિભાષિત કરનાર પડકારો, અનિશ્ચિતતાઓ અને સુંદરતાની ક્ષણોને ઉજાગર કરે છે.
બેંગલુરુના કલાકાર દુષ્યંથા એચ. પી. દર્શકોને તેમની કલા ‘ડિસ્પ્લેસમેન્ટ’ના માધ્યમથી એક માર્મિક યાત્રા ઉપર લઈ જાય છે. ડુબી ગયેલા ઘરોના તેમના સવિસ્તાર ચિત્રો, કે જે એક સમયે તેમના પરિવારનું ઘર હતું, ખોવાયેલી યાદો અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટેના તેમના સમર્પણનું પ્રમાણ છે. ઝીણવટપૂર્વક સંશોધન અને વાર્તાના માધ્યમથી તે ઘરોનું પુનઃનિર્માણ કરીને કલાપ્રેમી દર્શકોમાં વિસ્થાપિત સમુદાયોના સંઘર્ષો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન કરે છે.