નવી દિલ્હીઃ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં એક પોલીસ ચોકી પરના હુમલાના આરોપી ત્રણ ખાલિસ્તાની આતંકવાદી ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. તેમની પાસેથી બે એકે 47 મળી આવી છે. તેમના નામ ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ છે અને તેમનો સંબંધ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ નામના પ્રતિબંધિત સંગઠનથી હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પંજાબ અને UP પોલીસે એક સંયુક્ત ઓપરેશન હેઠળ આ કાર્યવાહી કરી છે. એન્કાઉન્ટર જિલ્લાના પુરનપુર વિસ્તારમાં થયું છે. આ આતંકવાદીઓએ પોલીસના વાહન પર પણ ફાયરિંગ કર્યું હતું. વાહન પર બુલેટના નિશાન દેખાય છે. તે જ સમયે, સ્થળ પરથી એક બાઇક પણ મળી આવી છે.
UPના DGP પ્રશાંતકુમારે જણાવ્યું હતું કે આ ત્રણે આતંકવાદીઓ જિલ્લામાં છુપાયા હોવાની સૂચના મળી હતી. ત્રણે આતંકવાદીઓ પર ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં સંડોવણીના આરોપ હતા.
એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ પાસેથી બે એકે 47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતૂસ મળી આવ્યા હતા. પંજાબ અને UP પોલીસના સમન્વયથી ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આ મોટી સફળતા મળી છે.