કેન્દ્રીય મંત્રીથી માગવામાં આવી રૂ. 50 લાખની ખંડણી

નવી દિલ્હીઃ PM મોદીના મંત્રીને ધમકી મળી છે. કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠે આ માહિતી આપી હતી. તેમણે એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે અજાણી ગેન્ગે રૂ. 50 લાખની ખંડણી માગી છે. ગેન્ગે કહ્યું હતું કે પૈસા આપો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો. મોબાઇલ ફોન પર રૂ. 50 લાખની ખંડણી માગવાનો ધમકીભર્યો મેસેજ આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અજાણ્યા શખસો તરફથી ધમકી મળી છે. એક અજાણી ટોળકીએ કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી પાસેથી રૂ. 50 લાખની ખંડણીની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમણે શુક્રવારે સાંજે જ દિલ્હીના DCPને આ અંગે જાણ કરી હતી. DCP તેમને મળ્યા હતા. જે બાદ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જે મોબાઇલથી મેસેજ મોકલવામાં આવ્યો હતો, તે રાંચીના કાંકેનો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે બપોરે લગભગ ચાર વાગ્યે સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠને તેમના મોબાઈલ પર આ ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ મેસેજમાં તેમની પાસેથી રૂ. 50 લાખની ખંડણી માગવામાં આવી છે.

આ મામલે ઝારખંડના DGP અનુરાગ ગુપ્તાને પણ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ સંપૂર્ણ સહકાર આપી રહી છે, એમ તેમણે કહ્યું હતું. સંજય સેઠ રાંચીથી ભાજપના લોકસભા સાંસદ છે. લોકસભા ચૂંટણીમાં ઝારખંડની રાજધાની રાંચીથી ભાજપના સંજય સેઠે કોંગ્રેસના યશશ્વિની સહાયને 1.20 લાખ મતોથી હરાવીને સીટ જાળવી હતી.