આ છે ભારતના અનોખા રેલવે સ્ટેશન!

વિશ્વમાં સંભવતઃ સૌથી મોટું માળખું અને નેટવર્ક ધરાવતી ભારતીય રેલવે ફક્ત એક પરિવહન સર્વિસ નથી. એ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિની એક જીવતં સાક્ષી પણ છે. એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વિરાસતની ઝાંખી કરાવતા કેટલાક અનોખા રેલવે સ્ટેશનો. આ સ્ટેશનો કદાચ મુસાફરોની અવરજવર કે ટ્રેનોના છૂક છૂક અવાજથી ગાજતા નથી, મોટાં સ્ટેશનોની સરખામણીએ એ પ્રમાણમાં શાંત છે, પરંતુ એમનું એક અનોખું મહત્વ છે.

આ સ્ટેશનોનું આર્કિટેક્ચર, એની પાછળનો ઇતિહાસ અને એની ઓળખ એમને અન્ય સ્ટેશનો કરતાં જૂદા પાડે છે. એક અર્થમાં કહીએ તો આ રેલવે સ્ટેશનો માત્ર યાત્રાનો એક મુકામ જ નથી, અહીં ઇતિહાસ અને વિવિધ સંસ્કૃતિઓનો પણ એક પડાવ છે.

આવો, ભારતીય રેલવેના અનોખા વારસાની ઓળખ કરાવતા કેટલાક સ્ટેશનો વિશે જાણીએ…

નવાપુર રેલવે સ્ટેશન

તાપી જીલ્લાનું નવાપુરા રેલવે સ્ટેશન બે રાજ્યની સરહદ પર વિવિધતાનું એક જીવંત ઉદાહરણ છે. ભારતના સૌથી અનોખા અને વિશિષ્ટ સ્ટેશનોમાં એનો સમાવેશ થાય છે. આ સ્ટેશનની વિશેષતા એ છે કે તે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે વિભાજિત છે. સ્ટેશનનો એક ભાગ મહારાષ્ટ્રમાં છે, જ્યારે બીજો ભાગ ગુજરાતમાં છે. આ કારણે અહીંની દરેક વસ્તુ, જેમ કે પ્લેટફોર્મ, બોર્ડ અને બેંચ પર મહારાષ્ટ્ર અને ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે. એટલું જ નહીં, અહીં તમામ પ્રકારની એનાઉન્સમેન્ટ્સ પણ ચાર ભાષામાં એટલે કે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં થાય છે. નવાપુર રેલ્વે સ્ટેશન ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું અનોખું પ્રતિબિંબ કરાવે  છે.

નામ વગરનું રેલવે સ્ટેશન

શું તમે ક્યારેય એવું રેલવે સ્ટેશન વિશે સાંભળ્યું છે જે કોઈ નામ વગર કાર્યરત હોય? પશ્ચિમ બંગાળના બર્ધમાનથી 35 કિમી દૂર બાંકુરા-મસગ્રામ રેલવે લાઇન પર એક એવું જ અનોખું રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન 2008માં બનાવવામાં આવ્યું હતું.  શરૂઆતમાં આ સ્ટેશનને ‘રાયનગર’ નામ આપવામાં આવ્યું હતું. જોકે, રૈના ગામના લોકો આ નામથી ખુશ નહોતા. ગામવાસીઓએ રેલવે બોર્ડ સામે ફરિયાદ નોંધાવી અને સ્ટેશનનું નામ બદલવાની માગ કરી. આ વિવાદના પરિણામે સ્ટેશનના બોર્ડ પરથી રાયનગર નામ હટાવી દેવામાં આવ્યું, પરંતુ કોઈ નવું નામ નક્કી થયું નહીં. ત્યારથી આ સ્ટેશન નામ વગરનું જ છે. આ રેલવે સ્ટેશન એની આ અનોખી ઓળખ માટે પ્રવાસીઓ અને રેલવે રસિયાઓમાં લોકપ્રિય બન્યું છે. આ વાત હકીકતમાં રેલવેના ઇતિહાસમાં એક વિચિત્ર ઘટના છે, જે નામથી વધુ લોકોના ભાવનાત્મક જોડાણને પ્રાધાન્ય આપે છે.

ઝારખંડનું અનામી રેલવે સ્ટેશન

ઝારખંડમાં રાંચીથી તોરી તરફ જતી ટ્રેન એક અનોખા અનામી રેલ્વે સ્ટેશન પરથી પસાર થાય છે, જ્યાં કોઈપણ પ્રકારનું સાઈન બોર્ડ જોવા મળતું નથી. 2011માં જ્યારે આ સ્ટેશન પરથી પહેલી ટ્રેનનું સંચાલન શરૂ થયું, ત્યારે રેલવેએ એને ‘બડકીચાંપી’ નામ આપવાનું વિચાર્યું હતું. જોકે, કમલે ગામના લોકો આ નામથી નારાજ હતા. એમના મતે, આ સ્ટેશન બનાવવા માટે ગામની જમીન અને મજૂરોનો ઉપયોગ થયો હતો. માટે આ સ્ટેશનનું નામ ‘કમલે સ્ટેશન’ હોવું જોઈએ. ગામવાસીઓના આક્રોશ અને માંગ છતાં, આ સ્ટેશનનું નામ નક્કી કરી શકાયું નહીં. આજે આ સ્ટેશનનું કોઈ સત્તાવાર નામ નથી માટે એ અનામી જ છે.

અટારી રેલવે સ્ટેશન

ભારત અને પાકિસ્તાનની સરહદ પર સ્થિત, અમૃતસર નજીક આવેલું અટારી રેલવે સ્ટેશન ખાસ કરીને એની કડક સુરક્ષા વ્યવસ્થાઓ માટે જાણીતું છે. આ સ્ટેશનથી ટ્રેન પકડવી હોય અથવા અહીં ઊતરવું હોય તો યાત્રીઓ માટે વિઝા અનિવાર્ય છે. વિઝા વિના આ સ્ટેશન સુધી પહોંચવું  શક્ય નથી. અહીં 24 કલાક સુરક્ષા દળોનું મોનિટરિંગ અને ચુસ્ત નિયમો છે. જે આ સીમા સ્ટેશનને વિશિષ્ટ બનાવે છે. અટારી રેલવે સ્ટેશન ‘સામજિક ક્રોસિંગ પોઇન્ટ’ તરીકે પણ જાણીતું છે, કારણ કે S ભારત અને પાકિસ્તાન વચ્ચે ’સમજૌતા એક્સપ્રેસ’ જેવી ટ્રેનો માટે પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. જો કોઈ વ્યક્તિ વિઝા વગર આ સ્ટેશનના પરિસરમાં પકડાય છે, તો એના પર 14 ફોરેન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે છે, જે અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. એને સજા પણ થઈ શકે છે. આ સ્ટેશન માત્ર એક પરિવહનનો માર્ગ જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કડકાઈ અને સુરક્ષા પ્રોટોકોલ્સ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે.

ભવાની મંડી રેલવે સ્ટેશન 

દિલ્હી-મુંબઈ રેલવે લાઈન પર સ્થિત ભવાની મંડી રેલવે સ્ટેશન એની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ માટે જાણીતું છે. આ સ્ટેશનની વિશેષતાથી ભરેલી હકીકત એ છે કે એ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સરહદ પર વિભાજિત છે. અહીં થોભતી દરેક ટ્રેનનું એન્જિન રાજસ્થાનમાં હોય છે, જ્યારે એના કોચ મધ્યપ્રદેશની જમીનમાં પાર્ક થાય છે. સ્ટેશનના એક છેડે ‘રાજસ્થાન’ લખેલું બોર્ડ જોવા મળે છે, જ્યારે બીજા છેડે ‘મધ્ય પ્રદેશ’નો ઉલ્લેખ કરતું બોર્ડ દેખાય છે. આ ભૌગોલિક વિભાજન એ સ્ટેશનને ભારતના સૌથી અનોખા રેલવે સ્ટેશનોમાં સ્થાન આપે છે. ઝાલાવાડ જિલ્લાનું આ સ્ટેશન કોટા વિભાગ હેઠળ આવે છે અને રાજ્યોની ભૌગોલિક સરહદને પ્રતિબિંબિત કરતું ઉત્તમ ઉદાહરણ છે. ભવાની મંડી રેલવે સ્ટેશન માત્ર એક પરિવહનનું કેન્દ્ર નથી, પણ બંને રાજ્યોના સંસ્કૃતિ અને પરંપરાનું મિલનસ્થળ પણ છે. આ અનોખી ગોઠવણ, મુસાફરો અને રેલવે રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જે ઈતિહાસ અને ત્રિવિધતાનું જીવંત ચિત્ર રજૂ કરે છે.

હેતલ રાવ