ગુજરાતમાં બ્લાઈન્ડ ફૂટબોલને લોકપ્રિય બનાવનાર વિષ્ણુ વાઘેલા
જીવનમાં સફળતા મેળવવા માટે જ્યારે સામાન્ય વ્યક્તિ પરિસ્થતિ કે નસીબના બહાના કરતી હોય છે, ત્યારે 26 વર્ષીય વિષ્ણુ વાઘેલાએ સાબિત કરી બતાવ્યું છે કે ઈરાદા મજબૂત હોય તો મહેનતથી ચોક્કસપણે સપના પૂરા કરી શકાય છે. વિષ્ણુભાઈ 100 ટકા દ્રષ્ટિહીન છે અને તેમણે ગત 18 થી 20 ડિસેમ્બર દરમિયાન મોસ્કોમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય BRICS બ્લાઇન્ડ ફૂટબોલ ટુર્નામેન્ટ’માં શ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર તરીકે ટ્રોફી જીતી છે. વિષ્ણુભાઈએ આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. જેના પરિણામે તેમને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા. ચિત્રલેખા.કોમએ દીવાદાંડી વિભાગમાં વિષ્ણુ વાઘેલા સાથે તેમની આ પ્રેરણાદાયક સફર વિશે વાત કરી.
વિષ્ણુભાઈ બનાસકાંઠ જિલ્લાના વડા ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. નાનપણમાં તેઓ ગામની શાળામાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવા માટે જતા હતા. પરંતુ ગામની શાળાના શિક્ષકના માર્ગદર્શન બાદ તેમને પાલનપુર બ્લાઈન્ડ શાળામાં અભ્યાસાર્થે મૂકવામાં આવ્યા. સામાન્ય રીતે બધી જ બ્લાઈન્ડ શાળાઓમાં શિક્ષકો ભણાવવાની સાથે બાળકોમાં રહેલી અન્ય ક્ષમતાઓને બહાર લાવવા માટે ખૂબ જ પ્રયત્નશીલ હોય છે. પછી તે સંગીત હોય કે રમત-ગમત. વિષ્ણુભાઈને પણ નાનપણથી જ રમત-ગમતમાં ખૂબ જ રસ હતો. છઠ્ઠા ધોરણથી તઓ ક્રિકેટ રમતા હતા. ક્રિકેટમાં વિષ્ણુભાઈનું નામ એક સારા બેટ્સમેન તરીકે જાણીતું થયું. અંડર-18માં વિષ્ણુભાઈ ડિસ્ટ્રિક્ટ લેવલ સુધીની ટીમમાં રમ્યા. 12મા ધોરણ સુધીનો અભ્યાસ પાલનપુરમાં કર્યા બાદ 2016માં તેઓ વધુ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા. ક્રિકેટમાં તેઓ B1 કેટેગરીમાં રમતા હતા. જો કે વિષ્ણુભાઈને એક વાતનો ખેદ હતો કે, તેઓ 100 ટકા દ્રષ્ટિહીન હોવાના કારણે ક્રિકેટમાં જ્યારે રન લેવાના હોય ત્યારે તેઓ સાઈડમાં ઉભા રહેતા હતા અને તેમના બદલે આંશિક દ્રષ્ટિહીન ખેલાડી દોડતો હતો.
જો કે વર્ષ 2017માં વિષ્ણુભાઈનું જીવન બદલાયું. તે સમયે ગુજરાતમાં બ્લાઈન્ડ ખેલાડીઓની ફૂટબોલ ટીમ ન હતી. આથી જ્યારે નેશનલ લેવલે ખેલાડીઓને મોકલવા પડે તેમ હતા તો ક્રિકેટમાં જે સારું રમતા હતા તેવાં ખેલાડીઓને મોકલી દેવામાં આવ્યા. આ વિશે વિષ્ણભાઈ જણાવે છે કે, “પ્રથમ વખત બેંગલુરૂ જઈને બ્લાઈન્ડ ફૂટબોલ વિશેના નિયમો વિશે મેં જાણ્યું. પ્રથમ વખત જ ગુજરાતની ટીમ ફૂટબોલ રમવા ઉતરી, ત્યારે બોલ પર કંટ્રોલ તો રહેતો ન હતો. પરંતુ ગમે તેમ કરીને બોલને ગોલ પોસ્ટ સુધી તો લઈ જ જતા હતા. સાથે જ સામેવાળી ટીમના ખેલાડીઓને પણ ગમે તેમ કરીને રોકતા હતા. તો એ એનર્જીના લીધે ટીમ ક્વોટર ફાઈનલ સુધી તો પહોંચી જ ગઈ હતી. ત્યારે જે રેફરી હતા તેમણે મારી રમતની નોંધ લીધી.
તેમને ખબર પડી કે હું પ્રથમ વખત જ ફૂટબોલ રમવા મેદાનમાં ઉતર્યો છું. મારી પાસે તો ફૂટબોલના બૂટ પણ ન હતા. ક્રિકેટના બૂટ પહેરીને ફૂટબોલ રમવા માટે ગયો હતો. ત્યારે જ તેમણે કહી દીધું હતું કે હું ખૂબ જ ટૂંક સમયમાં ફૂટબોલમાં ઈન્ટરનેશનલ મેચમાં રમી શકીશ. આ વાત મેં સાંભળી લીધી. હવે મારામાં ફૂટબોલ રમવાનું ઝૂનુન આવી ગયું. સાથે એવું પણ લાગ્યું કે આ રમતમાં હું મારું 100 ટકા પ્રદર્શન બતાવી શકું છું. એ જ સમયે મેં ગ્રાઉન્ડ પરથી એક ફૂટબોલ ઉઠાવીને બેગમાં મૂકી દીધો. કારણ કે મને એવું લાગ્યું કે હું અહીંથી પાછો ગુજરાત જઈશ અને મને ફૂટબોલ નહીં મળે તો? કારણ કે તે સમયે લગભગ પાંચક હજાર રૂપિયાનો બ્લાઈન્ડ લોકોનો ફૂટબોલ આવતો હતો. કારણ કે બ્લાઈન્ડ લોકોના ફૂટબોલ સાઉન્ડવાળા હોય છે. આથી ખૂબ જ ઓછી કંપનીઓ તેને બનાવે છે. એ સમયે તો એ વાત પણ ન હતી ખબર કે ફૂટબોલ ક્યાંથી મળશે? એટલે તમે કહી શકો છો કે મેં ફૂટબોલની ચોરી જ કરી હતી.”
આગળ વાત વધારતા વિષ્ણુભાઈ કહે છે, “ફૂટબોલ લઈને હું પાછો આવ્યો ત્યારે મારું વેકેશન ચાલતું હતું. એટલે મેં ઘરે જ તેની પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દીધી. જેના કારણે ઘરમાં ખૂબ જ નુક્સાન થતું હતું. માતા મને બોલતા કે આ કેવી રમત છે આમાં તો નુક્સાન પણ થાય અને તને કંઈક વાગવાનો ડર પણ રહે. પરંતુ પિતાજી તેજુભાઈએ હિંમત આપી અને કહ્યું કે ભલે તને વાગે પણ તું હિંમત હાર્યા વગર જો તને ગમતું હોય તો આ જ રમત રમ.” પછી તો ધીમે-ધીમે વિષ્ણુભાઈએ જ ફૂટબોલની રમત ગુજરાતના બ્લાઈન્ડ ખેલાડીઓમાં લોકપ્રિય બનાવી. પોતે તો સખત મહેનત કરી જ સાથે જ લોકોને રસ પડ્યો તેમને પણ ફૂટબોલમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું. આજે વિષ્ણુભાઈની સાથે ગુજરાતમાંથી ત્રણથી ચાર પુરૂષ ખેલાડી એવાં છે કે જેઓ નેશનલ લેવલે રમી રહ્યાં છે. જ્યારે ગુજરાતની બે દીકરીઓએ 2023માં રમાયેલા ફૂટબોલ વિશ્વકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ફૂટબોલની રમત વિશે વિષ્ણુભાઈએ કહ્યું કે,‘સંપૂર્ણ દ્રષ્ટિહીન લોકો જ ફૂટબોલ રમી શકે છે. પરંતુ, ખેલાડીઓની આંખ પર એક પટ્ટી (હેડ ગાર્ડ) બાંધવામા આવે છે. ખેલાડી મેદાનમાં એકબીજાને બોલ પાસ કરતા સમયે દર ચાર સેકન્ડે ‘Y’ બોલે છે. બ્લાઈન્ડ ફૂટબોલમાં મેદાનની સાઈઝ 20×40 મીટર હોય છે. ટીમમાં 4 ખેલાડી અને 1 ગોલકીપર રહે છે. સ્કવૉડમાં 4 એક્સ્ટ્રા ખેલાડી રહી શકે છે. ગોલપોસ્ટ પાછળ ટીમના ગોલ ગાઈડ રહે છે, જે ખેલાડીઓને જણાવે છે કે- બોલ ક્યાંથી આવી રહ્યો છે અને કઈ દિશામાં છે, જેના કારણે ખેલાડીઓને ગોલ કરવામા મદદ મળે છે.’
અત્યારે વિષ્ણુભાઈ પોતે પણ શીખે છે અને શીખીને ગુજરાતના ખેલાડીઓને કોચિંગ પણ આપે છે. જો કે ગુજરાતમાં બ્લાઈન્ડ ફૂટબોલ ખેલાડીઓ પાસે તેમનું કહી શકાય તેવું અલાયદું મેદાન નથી. છતાં સુવિધાઓના અભાવ સાથે પણ આ ખેલાડીઓએ પોતાની રમત ચાલુ રાખી છે. વિષ્ણુભાઈએ નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. વર્ષ 2019માં જાપાન સામે, 2021માં ઓમાન સામે અને 2022માં ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ ગ્રાન્ડ પ્રિ-ટુર્નામેન્ટ, એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો છે. 2023માં એશિયન પેસિફિક વર્લ્ડ ઈન્ટર કોન્ટિનેન્ટલ પેરા એશિયન ગેમ્સમાં ભાગ લીધો છે. જ્યારે 2024માં એશિયન પેસિફિક ગેમ્સમાં ભાગ લીધો છે. આગળ પણ વિષ્ણુભાઈનું સપનું છે કે પેરાઓલિમ્પિકમાં તેઓ ભારતને મેડલ અપાવે. સાથે-સાથે વર્લ્ડ કપમાં પણ ભારતનું નામ રોશન કરે.