ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 15 ફેબ્રઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. આ રાત્રિ કરફ્યુ રાત્રે 11 કલાકથી છ કલાક સુધી અમલમાં રહેશે. સરકારે આ સાથે લગ્ન પ્રસંગમાં પણ 100નો બદલે 200 વ્યક્તિઓને હાજર રહેવા માટે છૂટ આપવામાં આવી છે. જોકે કેન્દ્ર સરકારના કોરોનાને નિયંત્રણમાં લેવાના દિશા-નિર્દેશોનું 28 ફેબ્રુઆરી સુધી સખતાઈથી પાલન કરવામાં આવશે, એમ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.
રાજ્યનાં અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ ચાર મહાનગરોમાં તા ૧૫મી ફેબ્રુઆરી સુધી રાત્રિના ૧૧ કલાકથી સવારે છ કલાક સુધી કરફ્યુ અમલમાં રહેશે. આમ કરફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. આ સાથે હોલ,–હોટેલ, બેંકવેટ હોલ સહિત સામાજિક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહમાં સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે. વળી, એમાં એસઓપીના નિયમોનો ભંગ કરનારાને સજા થશે.
સરકાર આ માટે જાહેરનામું બહાર પાડશે, એમ ગૃહના અધિક મુખ્ય સચિવે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ સુધી લઇ જવામાં સફળતા મળી છે.