ઇસ્લામાબાદઃ તાલિબાનનના કબજા હેઠળની અસર અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં પણ દેખાઈ રહી છે. ઇમરાન સરકારે પણ શિક્ષણ ક્ષેત્રે શિક્ષકો માટે તાલિબાની ફરમાન જારી કર્યું છે. એ ફરમાન મુજબ ફેડરલ ડિરેક્ટોરેટ એજ્યુકેશન (FDE) હેઠળની કોઈ પણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીના શિક્ષકો હવેથી જીન્સ, ટીશર્ટ્સ કે ટાઇટ્સ નહીં પહેરી શકે. થોડા દિવસ પહેલાં બહાવલપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને આ પ્રકારનાં કપડાંથી રોકવામાં આવ્યાં હતાં. જોકે મશહૂર શિક્ષણવિદ પરવેઝ હુદભાય સહિત અનેક લોકોએ સરકારના આ આદેશનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે દરેક મામલે પહેલેથી જ આપણે બહુ પાછળ છીએ. હવે સરકાર ક્વોલિટી એજ્યુકેશનને બદલે તાલિબાનના નિઝામ અપનાવી રહી છે.
ઇમરાન સરકારે એ નોટિફિક્શન FDEના માધ્યમથી સાત સપ્ટેમ્બરે જારી કર્યું હતું. FDE રિસર્ચ દરમ્યાન એ માલૂમ પડ્યું હતું કે પહેરવેશની અસર વિદ્યાર્થીઓ પર થાય છે, જેથી અમે નક્કી કર્યું છે કે મહિલા શિક્ષક હવે જીન્સ અથવા ટાઇટ્સ નહીં પહેરી શકે. પુરષ શિક્ષકોમાં જીન્સ અને ટીશર્ટ પહેરવા પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેમણે ક્લાસ અને લેબ્સમાં ટીચિંગ ગાઉન્સ અથવા કોટ્સ પહેરવો જરૂરી છે.