નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. ખાદ્ય મંત્રાલયે નવો આદેશ જારી કરતાં જણાવ્યું હતું કે ઇથેનોલના ઉત્પાદનમાં શેરડીનો રસ અને બી-હેવી ગોળનો ઉપયોગ ચાલુ જ રહેશે. આના કારણે 2023-24માં ગ્રીન ફ્યુઅલ ઇથેનોલના ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. એ સાથે સપ્લાયમાં પણ અડચણ નહીં આવે. આ પહેલાં સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સ્થાનિક બજારમાં સુગરની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સાત ડિસેમ્બરે સરકારે ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસ અને સુગરના સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે નવા નિયમ મુજબ કંપનીએ તેમના નિર્ણય અંગે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરેક દારૂના કારખાના માટે ઉત્પાદન લક્ષ્યાંકો પણ ફરીથી જાહેર કરશે. તેમજ કંપનીઓએ તેમના નિર્ણય વિશે ખાદ્ય મંત્રાલયને પણ જાણ કરવી પડશે. આ ઉપરાંત સુગર મિલો અને દારૂના કારખાનાએ પણ ઉત્પાદનની માહિતી આપવી પડશે. તેમજ શેરડીનો રસ અને ભારે ગોળનો ઉપયોગ સ્પિરિટ અને દારૂના ઉત્પાદનમાં થઈ શકશે નહીં. આ ઉપરાંત તમામ ગોળ આધારિત દારૂના કારખાના ઇથેનોલ બનાવવા માટે C-હેવી ગોળનો ઉપયોગ કરશે.