રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં આશરે 55 વર્ષ જૂના સંગ્રહાલયને સમયની સાથે તાલ મિલાવવા ડિજિટલ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતનું આ પ્રાચીન સંગ્રહાલય ડિજિટલ બનશે તેનો લાભ સંશોધકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન લઈ શકશે.ઝુઓલોજીના આ મ્યુઝિયમમાં 12 પ્રકારના સાપ, 100 પ્રકારની માછલી, 300થી વધુ વનસ્પતિના સ્પેસિમેન રાખવામાં આવ્યા છે. જુદી-જુદી પ્રજાતિના અંગોની પેપર શીટ અહીં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરે છે. માનવી, પશુઓની ખોપડી પણ અહીં સંશોધન માટે રખાઈ છે. વાંદરા, ઉંદરો, સસલા, ગીધ, મગર, ડોલ્ફિન પર સંશોધન કરતા માસ્ટર ડિગ્રી અને પી.એચ.ડી. સુધીનો અભ્યાસમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે.
આ બાયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની પ્રજાતિઓના સ્પેસીમેન્સ એટ્લે કે નમૂનાઓ સંગ્રહિત કરવામા આવ્યા છે. જેમાં ગીધ, મગર, વાંદરા, ઉંદરો, સસલાઓ, ચામાચીડિયાં, દેડકા, પોપટ, બતક, ચકલીઓ, સાપ, માછલીઓ તેમજ ડોલ્ફિના અસ્થી ઉપરાંત માનવ, ગધેડા, હરણ અને શિયાળની ખોપડી પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ શેવાળની 60થી વધુ પ્રજાતિઓ સહિત 300થી વધુ વનસ્પતિના અંગોની પેપરશીટ તૈયાર કરવામાં આવેલી છે.
મ્યુઝિયમ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની ઓળખ રહી છે. વર્ષ 1969માં સાયન્સ ભવનના સ્થાપક હેડ એ. સી. પાંડે દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થઈ હતી. અહીં અલગ-અલગ પ્રકારના સ્પેસીમેનનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમૂક ડ્રાય એટ્લે કે સૂકાઈ ગયા બાદ રાખવામાં આવેલા છે. જ્યારે લિકવિડ એટલે કે પૂરા પ્રાણીનું સ્પેસીમેન પણ છે. જ્યારે બોટનીકલમાં ઘણી હરબેરિયમ શીટ છે. જેનાથી વિદ્યાર્થીઓ વનસ્પતિના પાંદડા, ફૂલોને ઓળખી શકે છે. મ્યુઝિયમને ડિજિટલ બનાવવા અંગે યુનિ.ના સતાધીશોએ જણાવ્યું હતુ કે, કોરોના કાળમાં અનુભવ્યું કે તેમાં મ્યુઝિયમની જાળવણી કરી શકતા નથી. વિદ્યાર્થીઓ રૂબરૂ અભ્યાસ કરવા ન આવી શકે અને તેને અભ્યાસ ન ગુમાવવો પડે તે હેતુથી અહીં રહેલા સ્પેસીમેનને ફોટોગ્રાફ સાથે ડિજીટલી મૂકવામાં આવે તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. દર વર્ષે માસ્ટર ડિગ્રીના 25 તો Phd ના 5 વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત રિસર્ચ કરતા હોય છે. એક વિદ્યાર્થી ઈરાનમાં હાલ સ્ટાર ફિશ પર રિસર્ચ કરી રહ્યા છે. ગુજરાતમાં વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટી પછી વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાયોસાયન્સ ભવનમાં આવેલું આપણું આ મ્યુઝીયમ પણ વિવિધ નમૂનાઓની જાળવણીના લીધે જાણીતું છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)