WPL 2025: ટૂર્નામેન્ટની મેચો રમાશે આ મેદાનો પર, ફાઈનલ મેચ વડોદરામાં રમાશે?

વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટની ત્રીજી સીઝન 6 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી શરૂ થઈ શકે છે. દરમિયાન ટુર્નામેન્ટના સ્થળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, મહિલા પ્રીમિયર લીગ 2025ની મેચો લખનૌ અને વડોદરામાં રમાશે. વડોદરાને ફાઇનલ મેચની યજમાની મળી શકે છે. જો કે, હજુ સુધી તારીખ અને મેદાનને લઈને કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં અંતિમ મંજૂરી આપવામાં આવશે.

આ મેદાનો પર રમાશે મેચો…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIના અધિકારીઓએ બરોડા ક્રિકેટ એસોસિએશન અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સાથે વાતચીત કરી છે. આ વાતચીત બાદ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત શક્ય છે. વાસ્તવમાં, બરોડાના કૌટંબી સ્ટેડિયમે એની સુવિધાઓ વર્લ્ડ ક્લાસ બનાવી છે. તાજેતરમાં આ મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો સામસામે આવી હતી. આ ઉપરાંત આ મેદાન પર વિજય હજારે ટ્રોફીની મેચો રમાઈ રહી છે.

હરમનપ્રીત કૌર રમશે..?

આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ સારા સમાચાર નથી. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર ઈજા બાદ મેદાનમાં પરત ફરી નથી. તાજેતરમાં હરમનપ્રીત કૌર ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં રમી ન હતી. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, જ્યાં તે પોતાની ફિટનેસ પર કામ કરી રહી છે. જો કે, એવું માનવામાં આવે છે કે હરમનપ્રીત કૌર વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત પહેલા એની ઈજામાંથી સ્વસ્થ થઈ જશે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.