મોનાલી દરિયાકિનારે સ્તબ્ધ જેવી ઊભી હતી. દૂરથી ખૂબ અવાજ સાથે ઉછળીને આવતાં મોજાં ડરામણા લાગતાં હતાં. ખૂબ બિહામણાં. જાણે મોનાલીના જીવનમાં ધસમસતી આવતી મુશ્કેલીઓ!
મોજાં ઉછળી રહ્યા હતા અને તેની આંખ સામે એક પછી એક દ્રશ્યો તાજા થતા ગયા. પ્રેમી પતિ રોનકનું મિલન અને પછી લગ્ન. લગ્નના એક વર્ષમાં જ એક્સિડન્ટમાં મૃત્યુ. નબળી આર્થિક સ્થિતિ અને માતાપિતાની રોજબરોજની નાદુરસ્ત થતી જતી તબિયત. આટલું ઓછું હોય એમ ઉપરથી લોકોના સમયે કસમયે લાગતા મહેણાંટોણાં! આહ! મોનાલી એકલી અને તકલીફો હજાર! જેમ આ તોફાની દરિયો એવો તોફાની ઝંઝાવાત એના જીવનમાં…
તે દૂર ક્ષિતિજે જોઇને જીંદગીના આ ભૂતકાળને તટસ્થ બનીને જાણે જોઇ રહી હતી…
“મોનાલી!”
તે સફાળી વિચારોમાંથી બહાર આવી. આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય એવું એને પળવાર લાગ્યું.
“અરે કિશન તું?”
આ તો એ જ કિશન, જેણે બે વર્ષ પહેલાં તેને સિલેક્ટ કરી હતી પણ રોનકના કારણે પોતે તેને ના પાડી હતી. કિશન તેને જોવા આવ્યો ત્યારે પોતે એને પ્રેમથી સમજાવેલો. પોતે રોનકના પ્રેમમાં છે એવું કહીને કિશનને સમજાવીને પાછો મોકલેલો. એ સમયે કિશનના ચહેરા પર છવાયેલી નાખુશી જોઇને તેને સારું તો નહોતું લાગ્યું, પણ શું કરે? આજે કદાચ કિશન પણ એની જેમ એકલતા દૂર કરવા દરિયા કિનારે આવ્યો હતો કે શું? મોનાલીના મનમાં વિચાર આવી ગયો.
એ કિશનને કંઇ કહેવા હોઠ ખોલે એ પહેલાં જ કિશન જાણે એના વિશે બધું જ જાણતો હોય એમ બિન્દાસ્ત રીતે મોનાલીનો હાથ પકડીને એની નજીક આવી ગયો અને આંખોમાં આંખો નાખીને બોલ્યોઃ “એવરીથીંગ વીલ બી ફાઇન નાઉ..!”
થોડીવાર બંને એકબીજા સામે કાંઇ બોલ્યા વિના એકમેકની આંખોમાં જોઇ રહ્યા. ધીમે ધીમે શરૂ થતી સંધ્યાની સાથે દરિયાના મોજાં પણ શમીને અંદર જવા લાગ્યા હતા. ભરતી પછી ઓટ પણ આવે જ છે એ ન્ચાયે અહીં મોનાલીના જીવનમાં પણ ઓટ પછીની ભરતીનો ક્રમ શરૂ થતો હોવાનું તેણે અનુભવ્યું….
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)