સ્વીટી આજે ઉદાસ હતી. બધું જ સાવ ખાલીખમ લાગતું હતું. કોઇ જ નહોતું આસપાસ કે જેને કંઇ કહી શકાય. કરે તો યે શું એકલી એકલી આ મકાનમાં? દીવાલો સાથે વાતો કરે? શું આજના એના આ ખાસ દિવસે આ દીવાલો કહેશે એને આજે ‘હેપી બર્થ ડે સ્વીટી?’
હા, આજે તેનો જન્મદિવસ અને અહીં આ જગ્યાએ તે સાવ એકલતા ફીલ કરી રહી હતી. જોબથી રૂમ પર આવી અને બેસી પડી. આમ ફોન પર આજે ઘણાબધાએ વીશ કર્યું પણ રૂબરૂ પણ પોતાનું કોઇ નહોતું અહીં તેને વીશ કરવા.!!! સ્વીટી ખૂબ ઉદાસીમાં સરી પડી. અરે ભગવાન! જન્મદિવસ જેવા ખાસ દિવસે પણ હું આમ એકલી?
સ્વીટી પોતાની જાતને સંભળાવી રહી: ‘મારા બધા રૂમમેટ્સ પણ આજે જ પિકનિક જવાના બોલો! એકલતા બહુ ખરાબ હોય છે. નવો પાંચ હજારનો ડ્રેસ મમ્મીએ આજે ગીફ્ટ કર્યો ઓનલાઇન, પણ એ પહેરીને કરવાનું શું?
હશે. જેવા જેના નસીબ! સ્વીટીને થયું કે પોતે પણ ક્યાં કદી કોઇના માટે કર્યું છે? એકલીરામ જ રહેતી ને એકલીરામ જ ફરતી! પોતાનો સ્વભાવ જ આવો છે તો પછી બીજા ક્યાંથી આપણને યાદ રાખે? આમ જ વિચારતી વિચારતી સ્વીટી ઉદાસ ચહેરે હોલમાં સોફા પર જ સૂઇ ગઇ!
એની આંખો હજુ માંડ મીંચાઈ હશે ત્યાં જ અંદરના રૂમમાંથી અવાજો આવવા લાગ્યા… “કોઇ છે બહાર? આ ઘરમાં કોઇ છે જે સાવ એકલું છે? કોઇને આજે કંઇ ખાસ દિવસ છે?”
સ્વીટી પહેલાં તો ચોંકી ગઈ. રૂમમાં કોણ આવી ગયું? પછી તરત દોડીને અંદર રૂમ ખોલીને જુએ છે તો આ શું?તેના રૂમમેટ્સ અને તેની નેબર પૂજા આખા રૂમને ડેકોરેટ કરી કેક સામે બેઠેલા હતાં.
તેની આંખો પહોળી થઇ ગઇ.
સ્વીટી આશ્ચર્યથી બોલી, “અરે! તમે બધા તો મને સવારથી એમ કહેતાં હતાં કે પિકનિક જવાના છો… તો આ બધુ શું છે?” તરત તેની નેબર પૂજા બોલી, “યસ ડિયર! ઇટ વોઝ અ પ્રાન્ક..અ ફેક પ્લાન..ઓકે? ભલે તું અમને પોતાના ન માને અને એકલી અટૂલી ફર્યા કરે રૂમમાં, પણ અમે તો એવા ડિયર! જે મજા અને ખુશી વહેંચવામાં આનંદ મળે છે તે પ્રાઇસલેસ છે….સમજી?”
આ સાંભળતા જ સ્વીટી દોડીને પૂજાને વળગી પડી. પૂજા અને તેના ફ્રેન્ડ્સ સ્વીટીની સામે તેનો પ્રતિભાવ શું મળે છે તે જોવા લાગ્યા, પણ લાગણીવશ થઈ ચૂકેલી સ્વીટી કંઇ જ બોલી શકી નહીં.
તે ફક્ત આભારવશ જોઇ રહી અને નવો ડ્રેસ પહેરવા અંદર દોડી. શરીર પરથી જુનો ડ્રેસ ઉતારવાની સાથે તે પોતાના સ્વભાવનું મૂજીપણું અને અતડાપણું પણ ઊતારી ચૂકી હતી!
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)