લક્ષ્મીને લઇને કેમ અબોલાં થયા એમની વચ્ચે?

પ્રતીક અને પૂજા. એક સુંદર જોડું. હમણાં જ લગ્ન થયેલાં. સ્વભાવે બન્ને ખૂબ જ ચંચળ. વાતેવાતે ચડભડ અને એકબીજાને ચીડવવાનું ચાલ્યા કરતું. બન્નેની ઉંમર પણ કેટલી હજુ તો? માંડ 23 વર્ષ! ભણવાનું હજું તો માંડ પુરું થયું ત્યાં તો એ લગ્નની ગાંઠે બંધાઇ ચૂક્યા હતા.

પૂજા અને એના સાસુ એટલે કે પ્રતીકના મમ્મી બીનાબહેન વચ્ચે ખૂબ જ મેળ હતો. પ્રતીકના પિતા તો ઘણા સમય પહેલાં અવસાન પામ્યા હતા અને પ્રતીક એકનો એક દીકરો એટલે બીનાબહેન માટે તો પૂજા જ વહુ અને દીકરી બન્ને એક જ. તે પૂજાને કોઇ વાતે ઓછુ ન આવવા દેતા. દીકરા-વહુ વચ્ચે ઝઘડો થાય તો ય બીનાબેન પૂજાનો જ પક્ષ લે કાયમ. પ્રતીક થોડીકવાર ધુંઆપુંઆ થાય, પણ પછી બધું થાળે પડી જાય. વાતેવાતે થતી બોલચાલ નવા પરણેલાં કપલના મીઠા ઝઘડામાં ખપી જતી.

પણ આજે વાત જરાક જૂદી હતી. કોઇક વાતે પ્રતીક સાથે દલીલ થઇ અને ગુસ્સે થયેલી પૂજા જેમતેમ બોલતી ઘરમાંથી બહાર નીકળી ગઇ. વાત આમ તો નાની જ હતી. રસોઇની મેટરમાં પ્રતીકે એને ચીડવી હશે એમાં તેને ખોટું લાગ્યું અને રડવા લાગી. વાત આગળ વધીને ઝઘડામાં પરિણમી અને ગુસ્સામાં તે રિસાઇને ચાલી ગઇ!

સ્તબ્ધ બની ગયેલા બીનાબહેન આદત પ્રમાણે પહેલાં ગુસ્સે થઇને પ્રતીકને જ બોલવા લાગ્યા. આ વખતે પ્રતીક કે પૂજા બેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નહોતું. ધીમે ધીમે વાત લંબાતી ગઇ. અબોલા યે લાંબા ચાલ્યા. સુલેહ કરવાની ય કોઇએ પહેલ જ ના કરી.

એમ કરતાં કરતાં છ મહિના વીતી ગયા. પ્રતીક અને પૂજા એવા જીદે ચડેલાં કે એકબીજા સાથે વાત પણ નહોતા કરતા. બીનાબહેને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ ન થયા. પછી તો કોણ જાણે શું થયું કે બીનાબહેને પોતે પણ આ મુદ્દે પ્રતીક સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પ્રતીકને મમ્મીની આ હરકત થોડીક ભેદી તો લાગી પણ પોતે જીદ ઉપર ઉતરેલો હોવાથી તેણે પણ મમ્મીને વધારે કંઈ ન પૂછ્યું. બીનાબહેન છાનામાના કંઈક તૈયારી કરતા હોય એવું તેને લાગ્યું પણ બીનાબહેન જાણે કંઈ બોલવા જ માગતા ન હોય એવું એમનું વર્તન થઈ ગયું.

એવામાં એક દિવસ બીનાબહેન પ્રતીકને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા. ઘણો સમય થવા છતાં મમ્મી ઘરે ન આવી એટલે ચિંતાતુર પ્રતીકે એમને ફોન લગાડ્યો. એકાદ-બે વાર તો બીનાબહેને ફોન ન ઉપાડ્યો, પણ છેવટે ત્રીજી વખતે રીંગ વાગી ત્યારે એમણે ફોન ઉપાડ્યો.

ફોન પર લાંબી વાત કરવાના બદલે બીનાબહેને પ્રતીકને એક હોસ્પિટલમાં બોલાવ્યો. શું થયું હશે એવું વિચારતા પ્રતીક બધાં કામ પડતાં મૂકીને દોડ્યો. હાંફતા હાંફતા એ હોસ્પિટલ પહોંચ્યો તા સામે બીનાબહેન હસતાં હસતાં એની રાહ જોઇ રહ્યા હતા. કાંઇ બોલવાના બદલે એ પ્રતીકને હાથ પકડીને સ્પેશ્યલ વોર્ડમાં લઇ ગયા.

અરે ! આ તે શું જુએ છે?

પ્રતીકે જોયું તો બેડ ઉપર પૂજા અને તેની બાજુમાં નાની સુંદર દીકરી સૂતેલી હતી! પહેલાં તો પ્રતીકને શું કરવું તે જ ના સૂઝ્યું, પણ છેવટે જાણે છ મહિનાના અબોલાં તોડતી હોય એમ પૂજા બોલી, ” સોરી ડાર્લિંગ, મેં તારાથી આ ગુડ ન્યૂઝ છુપાવ્યા હતા મસ્તીમાં.”

“અરે! પણ આવું સાવ??”

પ્રતીક કંઇ વધારે બોલે તે પહેલાં બીનાબહેન બોલી ઉઠ્યાં, “પ્રતીક, તું કંઇ જ નહીં બોલે. હવે તો આપણાં ઘરમાં એક નહીં બે બે લક્ષ્મી છે બેટા! જા, સ્વાગતની તૈયારી કર!”

અવાક બની ગયેલો પ્રતીક પણ એટલું જ બોલ્યો, “જી મમ્મી! આ મારી ત્રીજી લક્ષ્મી!”

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)