કબીરવાણી: ધનનો અભિમાન અને દેહની નાશવંતતા

 

 

કબીર ગર્વ ન કીજિયે, ચામ લપટે હાડ,

હયબર ઉપર છત્ર તટ, તો ભી દેવે ગાડ.

 

કબીરજી આ સાખીમાં ધનથી થતા અભિમાનનો ઉલ્લેખ કરે છે. શરીર નાશવંત છે. વૈરાગ્યમાં મન સ્થિર કરવા માટે જે રીતે શંકરાચાર્યજીએ શરીરનો મોહ ભાંગવા તે નાશવંત માંસ-રુધિરનું બનેલું છે તેમ કહ્યું હતું. કબીરજી તે જ રીતે શરીરને ચામડીથી લપેટાયેલા હાડકાં તરીકે વર્ણવે છે.

સુખી-સંપન્ન માણસો પોતાના ઐશ્વર્યના પ્રદર્શન માટે ઘોડાઓને શણગારી તેની સવારી કરતા હતા. હાથી-ઘોડા-પાલખી એ ધનિકોની ઓળખનાં પ્રતીકો હતાં. શિર ઉપર છત્ર ધારણ કરી અને ચમર વિંઝતા સેવકોથી આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન કરતા ધનવાનોનું કબીરજી ધ્યાન દોરે છે કે, આમાંનું કશું શાશ્વત નથી.

મૃત્યુ બાદ કશું સાથે આવવાનું નથી. આ ધનવાનને પણ મૃત્યુ બાદ દફન થઈ જવાનું છે. પંચમહાભૂતોમાં વિલીન થઈ જવાનું છે. શરીરની શક્તિ માંદગી અને વૃદ્ધાવસ્થા દરમ્યાન ક્ષીણ થાય છે પરંતુ દેહભાન ભુલાતું નથી. શરીર ધર્મસાધન છે. તેનો દુરુપયોગ ન થાય. તેને વ્યસન, ભોગ કે પરપીડાનું સાધન ન બનાવી શકાય. યોગ્ય સમયે શરીર દ્વારા પરોપકાર કરવાની તક ન ચૂકી જવાય તેનો વિચાર તે સાચો ધર્મ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)