કબીરવાણી: માયામાં ભૂલાયેલી ગર્ભપ્રાર્થના

 

કબીર વો દિન યાદ કર પગ ઉપર તલ સીસ,

મૃતમંડલમેં આયકે, બિસરિ ગયા જગદીશ.

માતાના ઉદરમાં જ્યારે ગર્ભ ધારણ થાય છે ત્યારે બાળકના પગ ઉપર અને માથું નીચે હોય છે. આપણામાં એવી માન્યતા છે કે જીવન ગર્ભમાં પ્રભુની પ્રાર્થના તપસ્યારૂપે ઊંધે માથે લટકીને કરે છે. તે કહે છે કે, “હે પ્રભુ, મને આ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જજો. મારા વિકાસ માટે મોકળાશ આપો. હું તમારો આભારી રહીશ અને તમને ભૂલીશ નહીં.”

પરંતુ જન્મ પછી માણસને માયા ઘેરી લે છે. ગર્ભાવસ્થાની પ્રાર્થના વિસરાઈ જાય છે. ઈન્દ્રિયોના ભોગ અને લાલનપાલન સુખના પર્યાય બની જાય છે.

કબીરજી માર્મિક ટકોર કરતાં કહે છે કે, “હે માનવ, તું અવળી સ્થિતિમાંથી સવળી સ્થિતિમાં તો આવ્યો, પરંતુ આ જગત નાશવંત છે. નામ છે તેનો નાશ છે.” ઈશ્વરનું સતત સ્મરણ જ સદ્ગતિનો માર્ગ છે.

સ્મરણના લંગર વિનાનું મન ઇચ્છાઓનાં મોજાં સાથે આમતેમ ફંગોળાતું રહે છે. કબીરજી વારંવાર જીવનની ક્ષણભંગુર પ્રકૃતિ તરફ ધ્યાન દોરે છે. સદ્ગુરુ તરીકે સત્યનું દર્શન કરાવવા તેઓ દાખલા અને દલીલો રજૂ કરે છે. કબીરજીના શબ્દોનો અભ્યાસ કરીએ તો જીવનનું સત્ય સમજાય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)