કબીરવાણી: સત્સંગનો દરેકને સમાન લાભ કેમ નથી થતો?

હરિયા જાનૈ રુખડા, ઉસ પાની કા નેહ,

સુખા કાઠ ન જાનિ હૈ, કિતહૂં બૂડા મેહ.

 

કબીરજી આ સાખી દ્વારા એ સમજાવે છે કે, સત્સંગ સૌ કરે છે પણ દરેકને તેનો સમાન લાભ નથી થતો. રુખડાનું વૃક્ષ જમીનમાં હોય અને મૂળ મજબૂત હોય ત્યારે એક જ વરસાદ તેને નવપલ્લવિત કરી દે છે. જે લાકડું સુકાઈ ગયું છે. મૂળમાં જ ખામી છે, તેવા લાકડા પર ગમે તેટલો વરસાદ કેમ ન વરસે પણ તેમાં અંકુરો કે પર્ણો ઊગતાં નથી.

આપણી વૃત્તિઓ નકારાત્મક હોય, પ્રકૃતિ સ્વાર્થી હોય અને પ્રવૃત્તિઓ તામસી હોય તો સત્સંગની અસર થતી નથી. જોકે ગુરુ નાનકના ઉપદેશથી કુલીચંદને મૃત્યુ બાદ સોય પણ સાથે નથી લઈ જવાની તેવું જ્ઞાન થાય છે. નારદમુનિના ઉપદેશથી વાલિયો લૂંટારો વાલ્મીકિ બને છે. ગાંધીજીને મળીને સરદાર પટેલ વકીલાત અને વૈભવી જીવનને તિલાંજલિ આપે છે.

સાચા ગુરુનો પ્રભાવ તેના ઉપર જ પડે છે જેની મૂળભૂત વિચારણામાં વિકાસ પામી પાંગરવાની તાલાવેલી હોય છે. બાકી તો આપણે કહીએ છીએ ને – “ભેંસ આગળ ભાગવત .”

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)