મન મૈલા તન ઉજરા, બગુલા કપટી અંગ, તાસો તૌ કૌવા ભલા, તન મન એક હી અંગ. |
કબીરજી પરંપરાભંજક છે, અદ્વૈતના આરાધક છે અને સત્યના આગ્રહી છે. દંભને વખોડવામાં તેમના શબ્દો ધારદાર હોય છે. બગલા અને કાગડાની સરખામણી દ્વારા દંભીઓનો મુખવટો દૂર કરે છે.
બગલો સફેદ છે, જળમાં તપસ્વી જેમ એક પગે ઊભો રહે છે. એકાગ્ર થઈ ધ્યાનાવસ્થાનો આભાસ રચે છે પણ તેનું ધ્યાન તો માછલીમાં જ છે. બાહ્ય દેખાવ અને આંતરિક ઇચ્છા વચ્ચે મેળ નથી. છળકપટ દ્વારા સ્વાર્થ સાધવાના પ્રયાસોને કબીરજી બગલાની વૃત્તિ-પ્રવૃત્તિ મારફત વર્ણવે છે. કાગડો કાળો છે. ગંદકી આરોગવાની તેની ટેવ છે. જેવો રંગ છે તેવો મનથી છે. આમ છતાં, તે દંભરહિત પ્રવૃત્તિ કરે છે.
કબીરજી કાળાં કર્મો કરવાની ભલામણ નથી કરતા પણ દંભ વિના ખરા દિલથી સત્કર્મ કરવા સૂચવે છે. વિચાર, વાણી અને વર્તનની એકતા માણસને આગવી ઊંચાઈ બક્ષે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)