કબીરના મતે દેખાદેખીની ભક્તિ એટલે….

 

દેખા દેખી ભક્તિ કા, કબહુ ન ચઢી રંગ,

વિપત્તિ પડે યો છોડસી, કેચુલિ તજત ભૂજંગ.

 

ભક્તિના વિચારને કબીરજી હીરાની જેમ તરાસે છે. પહેલ પાડી આપી છે. ઈર્ષા, અસૂયા અને અસહિષ્ણુતાના કારણે ભક્તિમાં વિઘ્ન આવે છે. એક સાધુએ આધુનિક મંદિરનું કે આશ્રમનું નિર્માણ કર્યું તો બીજો સાધુ તેથી વિશાળ નિર્માણકાર્ય કરવા તલપાપડ થાય તેવી સ્પર્ધાને ભક્તિમાં સ્થાન નથી.

આવી ચિત્તવૃત્તિ માટે કબીરજી કહે છે કે, દેખાડો કરવો છે તેને ભક્તિનો રંગ ચઢતો નથી. કાપડ ઉપર પૂરતી કાળજી વગર કરેલ રંગ ધોતાની સાથે ઊતરી જાય છે.

કબીરજી સર-ઉપમા સાથે કહે છે કે, ભક્તિ વિપત્તિના સમયમાં એ રીતે છૂટી જાય છે જેમ કાંચળી સાપથ છૂટી પડે છે. ધનના મદ જેટલો જ ધર્મનો અહંકાર હોય છે. ધર્મમાં ઝનૂન પ્રવેશે ત્યારે ધર્માંધતા-જન્મ થાય છે. ધર્મના મતભેદોના કારણે માનવજાતિએ જે ખુવારી વેઠી છે તેનો અંદાજ કરી તો એટલું તો જરૂર સમજાય કે, ધર્મ આપણા અસ્તિત્વને જોખમાવે તેવી સ્થિતિ છે. તેથી તુલસીદાસે કહ્યું છે કે, દયા ધરમ કા મૂલ હૈ, પાપ ભૂલ અભિમાન.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)