કબીરવાણી: કુમતિનું પ્રમાણ શું?

 

તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગયી ગુરુજ્ઞાન,

સુમતિ ગયી અતિ લોભતે, ભક્તિ ગયી અભિમાન.

 

કબીરના શબ્દોમાં જે ગુઢાર્થ છે તેવું જ તેનું માપુર્ય છે. કવિવર રવીન્દ્રનાથે તેથી જ કબીરજીના ભજનો – સાખીઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. કારણ અને અસર વચ્ચેનો સંબંધ સમજવો તે વૈજ્ઞાનિક પદ્ધતિ ગણી શકાય.

સૂર્યોદય સાથે જ અંધકારનો લોપ થાય છે. તે જ રીતે ગુરુજ્ઞાન થતાં જ કુમતિનો નાશ થાય છે. કુમતિ એટલે વિકલ્પોનો વિચાર કરીને ખોટી પસંદગી કરવી. આથી ઘણા લોકો દલીલ કરે છે કે, મેં સમજી વિચારીને ખોટું કર્યું છે. આ કુમતિનું પ્રમાણ છે.

માણસને અતિ લોભ થાય તો સુમતિ એટલે સમજી વિચારીને નિર્ણય લેવાની શક્તિ હણાઈ જાય છે. લોભ સાથે ‘અતિ’ વિશેષણ વાંચીને આપણને કહેવત યાદ આવે છે કે ‘લોભને નહીં થોભ”. તેની મર્યાદા બાંધી શકાતી નથી. વિશ્વના ધનાઢ્યોની યાદીમાં નામ આવે તેનાથી ક્યાંય સંતોષ થાય છે? તેમાં પણ પ્રથમ હોવું અને રહેવું તેવી ઈચ્છા પૂર્ણ થતી જ નથી.

ભક્તિ એટલે વિનમ્રતા. ભકતે તો રજકણથી પણ હળવા થવાનું છે ત્યારે અભિમાનના સહેજ પણ ભારથી ભક્તિ ભીના હાથમાંથી સાબૂની જેમ સરી જાય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)