સીધું ઝાડ સૌથી પહેલું કપાય

કોઈ પણ જંગલ એમાંથી ફર્નિચર કે ઇમારતી લાકડું મેળવવા માટે કપાતું હોય ત્યારે સીધાં ઝાડ પહેલાં કપાય છે. વધારે પડતાં સીધાં હોવું અથવા સિદ્ધાંતનિષ્ઠ હોવું એ પણ દુર્ગણ છે. કહેવાય છે કે ‘ટુ બી જેન્ટલમેન ઇઝ અ ડિસ્કોવીફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેશન’ અર્થ થાયઃ ‘વધારે પડતા સીધા હોવું એ કોઈ પણ દક્ષ વહીવટકાર માટે ગેરલાયકી છે.’ ક્યારેક કોઈ ટીમમાં વધુ પડતો સીધો કર્મચારી હોય ત્યારે મેનેજર એવા અધિકારી માટે હળવાશમાં કહે છે કે, ‘આ ભાઈને આમાં ના નાખીશ, હી ઇઝ અ જેન્ટલમેન.’ એટલે તમારા ઘરમાં પણ તમને ભગવાનના માણસ કહેવામાં આવે ત્યારે એનો અર્થ શું કરવો એ તમારા પર છોડું છું.

યુધિષ્ઠિર એક વખત જૂગટું હાર્યા તે ધૃતરાષ્ટ્રે પરત અપાવ્યું હતું પછી પાછા શકુનિએ એમને ઉશ્કેર્યા અને બીજી વખત રમવા બેઠા એમાં દ્રૌપદીનાં વસ્ત્રાહરણ સુધી મામલો પહોંચ્યો. આ યુધિષ્ઠિરનું સીધાપણું નહીં, શકુનિચાલમાં ફસાવાની મૂર્ખતા હતી. તમે એટલા પણ સીધા ન બનો કે તમારો પ્રતિસ્પર્ધી તમને વાંચી શકે. સચિન, સહેવાગ, કોહલી, રોહિત શર્મા, ધોની એક વાર કોઈ બોલરને વાંચી લે તો એના ભુક્કા બોલી લેવા સમજી લેવું. શેન વૉર્ન કે એરાપલ્લી પ્રસન્ના કે અનિલ કુંબલેને વાંચવા સરળ નહોતા. કપિલદેવ કે બુમરાહ પણ આ કેટેગરીમાં આવી શકે.

આમ, હંમેશાં યાદ રાખો. સીધું ઝાડ અને કોઈ પણ પ્રકારની ગાંઠ કે વિકાર વગરનું ઝાડ પહેલું કપાય છે. મેનેજર તરીકે યુધિષ્ઠિર ન બનશો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)