તેજીલા તોખારોનો એક શાહસોદાગર ખૂબ પાણીદાર ઘોડો લઈને મેસેપોટેનિયાના રાજા પાસે આવ્યો. આ અશ્વની પરીક્ષા કરવા માટે એને ખુલ્લા મેદાનમાં લઈ જવાયો. ઘોડો ખરેખર તેજ હતો. રાજ્યના ચુનંદા સરદારો એક પછી એક ઘોડેસવારી કરવા જાય અને ઘોડો એમને પીઠ પરથી ફેંકી દે. કોઈ સફળ ના થયું. હજુ મૂછનો દોરો માંડ ફૂટ્યો છે એવા રાજકુમારે રાજાને પૂછ્યું, ‘હું પ્રયત્ન કરું?’
રાજાએ એના સામે આશ્ચર્યચકિત નજરે જોયું અને પૂછ્યું, ‘તું???’ રાજાએ પેલા રાજકુમારને મંજૂરી આપી.
રાજકુમારે લગામ પોતાના હાથમાં લીધી. ઘોડાને થોડો આમતેમ ચકાસ્યો અને પછી એનું મોઢું ઉલટી દિશામાં ફેરવી છલાંગ મારી. હવે એ સફળતાપૂર્વક ઘોડેસવારી કરી રહ્યો હતો. દોડાવી દોડાવીને એણે પેલા ઘોડાના મોમાં ફીણ લાવી દીધું. છલાંગ મારી એ નીચે ઉતર્યો. પ્રશ્ન એ થાય છે કે એ સફળ કેમ થયો?
જવાબ છેઃ ‘ઘોડાને બધા ખોટી દિશામાં ઊભો રાખતા હતા એટલે એ પોતાનો પડછાયો જોઈને ભડકતો હતો. રાજકુમારે દિશા ફેરવી નાખી. ઘોડો ના ભડક્યો અને બાકીની વાત આપણે કહી ગયા.’
રાજાએ પેલા કુંવરની પીઠ થપથપાવી કહ્યું, બેટા, તારા માટે મોસેપોટેનિયાનું રાજ્ય નાનું પડશે. વિશ્વવિજયી બનજે.’ એ છોકરડો આગળ જતા મહાન સિકંદર તરીકે જાણીતો થયો.
ગીતાજી આ જ તો કહે છેઃ
હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગ જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્
તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચય: (અધ્યાય ૨, શ્લોક ૩૭)
અર્થાત્ જો તું માર્યો જઈશ, તો વીરોચિત સ્વર્ગ પામીશ અથવા જીતીશ તો પૃથ્વી ભોગવીશ. તેથી હે કૌન્તેય! યુદ્ધ માટે નિશ્ચય કરીને તું ઊભો થા.
સિકંદરે પડકાર ઉપાડ્યો. આ જ શીખવાનું છે. પરિસ્થિતિનો તાગ લો. જરૂર લાગે તો ઘોડાની દિશા ફેરવો, પડકાર ઉઠાવો.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
