આપણે હજુ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વ્યવસ્થાપનના અનુસંધાન વિશે જ ચર્ચા કરી રહ્યા છે. બે મુદ્દા આ ચર્ચામાં સ્પષ્ટ ઉપસે છે. પહેલો, કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થવું, (Adaptability) અને સ્થિતિ સ્થાપકતા (Flexibility).
ગીતા જ્ઞાનમાંથી ઉપજતા બે મહત્ત્વના મુદ્દાઓ છે. ભગવદ્ ગીતા કશું જ કાયમી નથી, બધું જ કાળને આધિન છે તેમ કહે છે અને એ થકી મેનેજર્સને એવું શીખવવાનો પ્રયત્ન છે કે એણે પોતાના પૂર્વગ્રહો અને વિચારસરણીની જડતાઓને બદલે સ્થિતિસ્થાપકતા અને કોઈ પણ મુદ્દે ખુલ્લા દિલે (ખુલ્લા મગજથી) નવા વિચારોને અથવા પદ્ધતિઓને આવકારવા જોઈએ, જેને કારણે એની કંપની અથવા સંસ્થા પોતાના સ્પર્ધકો ઉપર સરસાઈ જાળવી રાખે.
મેનેજમેન્ટની નિર્ણય પ્રક્રિયામાં પોતાના પૂર્વગ્રહો અથવા માન્યતાઓને જડતાથી વળગી ન રહેતા એમાં જે ક્ષતિ જણાય તે સુધારવાની એટલે કે હંમેશના ધોરણે વિદ્યાર્થી બની રહેવાની વાત છે. આ જ વાત એલ્વીન ટૉફલરના શબ્દોમાં કહીએ તો હવેના સમયમાં ‘નોલેજ વીલ બી ધ પાવર એન્ડ હુ હેઝ અર્લીઍઝ એક્સેસ ટુ ધી નૉલેજ, સેલ બી ધ મોસ્ટ પાવરફૂલ’
ઝડપથી બદલાતા જતા જ્ઞાનના આ વિશ્વમાં નવા આવિષ્કારો સ્વીકારવાની અને જ્યાં જરૂર જણાય ત્યાં પોતાના પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને નિર્ણય લેવાની પ્રક્રિયા એનું બીજું નામ કર્મયોગ કહી શકાય?
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)