ગીતા મેનેજરને દરેક પરિબળ તેમજ પોતાના સાથીઓ અને સામેવાળાઓને સમજીને એક સુયોજિત વ્યૂહરચના નક્કી કરવાની શીખ આપે છે.
મહાભારતના યુદ્ધનું અવલોકન કરીએ તો એમાં દરેક મહત્ત્વના યોદ્ધાનું પાત્ર, એની ખાસિયતો, એના ક્ષતિઓ અથવા નબળાઈઓ અને એથી પણ આગળ એન્ટીસિપેટ એટલે કે એ કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તશે તેનું સચોટ આકલન એ કોઈ પણ કસોટી પાર કરવા માટેનો પાયો છે. ભગવદ્ ગીતા શીખવે છે કે, પોતાનો અહંકાર અને પોતાના કામને કારણે મળનાર ફળ વગેરેથી પર ન થાવ ત્યાં સુધી અંતિમ વિજય મેળવી શકાતો નથી.
કંપનીના તમે ભાગ છો અને જનરલ મેનેજર હો કે જુનિયર એક્ઝિક્યુટિવ, તમે તમારો રોલ બરાબર ભજવો તે અગત્યનું છે. ઘણી વાર જુનિયર અથવા નાના માણસ પાસે એવો અનુભવ હોય છે કે જે તમને જીતાડી દે પણ એ માટે તમારે તમારા અહંકારને બાજુ પર મૂકવો પડે.
આપણે એક મોટરકારની કલ્પના કરીએ. મેનેજિંગ ડાયરેક્ટર ભલે એનું ચાલકબળ એટલે કે ઍન્જિન હોય પણ યોગ્ય સમયે જો બ્રેક ન મારવામાં આવે તો જીવલેણ અકસ્માત થાય છે. નાના પણ અનુભવી કર્મચારીનું જ્ઞાન આવી બ્રેક ક્યાં મારવી તે સૂચવતી લાલબત્તી ધરીને તમારો જીવલેણ અકસ્માત બચાવી લે છે. તમે વ્યક્તિગત રીતે કોઈ કંપનીની ટીમનો ભાગ છો એટલે ટીમ જીતે એ માટે બધું જ કરવાનું છે એ ભાવના સાથે મેદાનમાં ઉતરવાનું છે. શિખંડીનું જીવનકાર્ય ભીષ્મ પિતામહનો વધ કરવાનું હતું. ધ્યેયસિદ્ધિ માટે ક્યાંક તોપની જરૂર પડે તો ક્યાંક તલવારની, તો ક્યાંક બીજા કશાની… સૌએ પોતપોતાનો રોલ, મેનેજિંગ ડિરેક્ટર જેટલો જ અગત્યનો છે, તેમ સમજીને ભજવવાનો, એમાં ઉપરવાળાએ ક્યારેક નીચે ઉતરવું પડશે કે નીચેવાળાએ હનુમાન કૂદકો મારવો પડશે.
સમજાય છે?
મેનેજર કે કર્મચારી માટે પોતાનો અહંકાર કે પૂર્વગ્રહ અગાઉ પણ ઉલ્લેખ કર્યો તેમ અગત્યનો નથી. એણે વ્યક્તિગત રીતે ફળપ્રાપ્તિની અપેક્ષા રાખ્યા વગર યુદ્ધ જીતવા માટે કાર્યરત કરવાનું છે. ગીતાજ્ઞાન વ્યક્તિને અનિશ્ચિતતા અથવા બદલાવાની પ્રક્રિયાને સાહજિક રીતે અનુકૂળ થવાનું શીખવાડે છે, આજની ગળાકાપ હરીફાઈ જેમાં મોટાભાગના ધંધાઓ ‘માર્કેટ ડ્રીવન’ એટલે બજાર આધારિત થતા ચાલ્યા છે ત્યારે આ પ્રકારની અનિશ્ચિતતાઓ અથવા બદલાવની પ્રક્રિયાથી ગભરાવાને બદલે એને સાહજિકતાથી અનુકૂળ થવાની વાત છે.
પીચ અને હવામાન તેમજ બોલ૨નું ફોર્મ બેટ્સમાનના હાથમાં નથી. એણે કોઈ પણ પરિસ્થિતિ સામે પોતાની જાતને અનુકૂળ કરીને રમવાનું છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)