ધીરસ્ય તત્ર ન મુહ્યતિ : મેનેજમેન્ટમાં સ્થિરતા અને સફળતાનો મંત્ર

‘ધીરસ્ય તત્ર ન મુહ્યતિ’નો આ સંદેશ મહાભારતમાં ઊંડો અર્થ ધરાવે છે, જે Resilience તરીકે ઓળખાય છે, એટલે કે પડકારો, નિષ્ફળતાઓ કે Setbacks પછી ફરી ઊભા થવાની ક્ષમતા. વ્યવસાયિક જગતમાં સફળતા ક્યારેય સીધી રેખામાં મળતી નથી, તેમાં ચઢાવ-ઉતાર, નિષ્ફળતા અને અણધાર્યા પડકારો સામેલ હોય છે. પરંતુ જે વ્યક્તિ કે સંસ્થા ધીરજ રાખીને ધૈર્યપૂર્વક ફરી ઊભી થાય છે એ જ લાંબા ગાળે ટકી રહે છે.

ઉદાહરણ તરીકે સ્ટીવ જોબ્સને જોતાં આપણે શીખી શકીએ કે પોતાની જ સ્થાપિત કંપની એપલમાંથી બહાર કાઢવામાં આવ્યા પછી પણ તેમણે ધીરજ ગુમાવી નહીં, નેક્સ્ટ અને પિક્સાર જેવી કંપની ઉભી કરી અને પાછા એપલમાં આવી iPhone, iPod, iPad જેવી પ્રોડક્ટ્સથી દુનિયામાં સંચારક્રાંતિ કરી. આ Resilienceનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ભારતમાં ધીરુભાઈ અંબાણીએ એક સામાન્ય માણસ તરીકે શરૂઆત કરીને અનેક અવરોધો, વિરોધ અને નિષ્ફળતાઓ છતાં ધીરજ ગુમાવી નહીં અને રિલાયન્સને એક વૈશ્વિક સામ્રાજ્ય બનાવી દીધું. ક્રિકેટ જગતમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ ધીરજ અને સ્થિરતાનું પ્રતિક છે, કારણ કે ઘણી વાર ક્રિકેટમાં અણધાર્યા સંજોગો ઊભા થયા છતાં તેઓ શાંત મિજાજથી ધીરજપૂર્વક નિર્ણય લેતા અને ટીમને વિજય અપાવતા.

આજના સમયમાં Resilience એ લીડરશિપ માટે સૌથી જરૂરી ગુણ ગણાય છે, કેમ કે બજારમાં સ્પર્ધા, ટેક્નોલોજીના ફેરફાર, આર્થિક મંદી કે કુદરતી આફતો – આવી પરિસ્થિતિઓ વારંવાર આવે છે. પરંતુ જે સંસ્થા ધીરજપૂર્વક ટકી રહે છે, શીખે છે અને નવીનતા અપનાવે છે તે જ આગળ વધી શકે છે.

2008ની વૈશ્વિક આર્થિક મંદીમાં અનેક કંપનીઓ તૂટી પડી પરંતુ જે કંપનીઓએ ધીરજ રાખી, ખર્ચ કાપ્યો, કર્મચારીઓનો વિશ્વાસ જાળવ્યો અને નવી વ્યૂહરચના ઘડી તે જ ફરી ઊભી થઈ શકી. મહાભારતમાં પણ પાંડવોએ અગણિત કષ્ટો – જંગલવાસ, અન્યાય અને અપમાન સહન કર્યા છતાં ધીરજ ગુમાવી નહીં અને અંતે ધર્મયુદ્ધમાં વિજયી થયા. એ જ રીતે આજના મેનેજમેન્ટમાં પણ જ્યારે Setbacks આવે ત્યારે તાત્કાલિક મૂંઝાઈ જવું કે હિંમત ગુમાવવી એ સંસ્થાની નબળાઈ છે, પરંતુ ધીરજ રાખીને સ્થિરતાથી ફરી આગળ વધવું એ જ સફળતાનો સાચો માર્ગ છે. તેથી ‘ધીરસ તત્ર ન મુહ્યતિ’નો ગીતાજીનો (અધ્યાય 2, શ્લોક-13) આ સિદ્ધાંત માત્ર આધ્યાત્મિક જીવનમાં નહીં પરંતુ વ્યવસાયિક અને વ્યવસ્થાપન જગતમાં પણ સદાય પ્રેરણા આપતો રહે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)