મૂળ આ આખીયે લેખમાળા મહાભારત તેમજ ગીતામાં ઉપસ્થિત થયેલ પ્રસંગો પરથી લખાઈ રહી છે. ગીતા ભગવાનનો ઉપદેશ એટલે કે ફિલોસોફી અથવા થિયરી જ્યારે એના ઉદાહરણો એટલે કે, પ્રેક્ટિકલ દાખલાઓ મહાભારતમાંથી મળે છે, જે કુરુક્ષેત્રના યુદ્ધ સુધી દોરી જાય છે. અગાઉ આ કહ્યું છે, છતાં ફરી એક વાર અહીંયા એનો ઉલ્લેખ કરવો ઉચિત જણાય છે જેથી કોઈ દ્વિધા ઊભી થાય નહીં.
આજે વાત કરવી છે, કૌરવોની દ્યૂતસભાની. પાંડવોને જૂગટુંમાં હરાવીને એમનું વારણાવતનું રાજ્ય છિનવી લેવાની યોજના મામા શકુનિ અને ભાણેજ દુર્યોધનના શેતાની ભેજામાં આકાર લે છે. એ મુજબ પાંડવોને નિમંત્રણ આપી હસ્તિનાપુર ચોપાટ રમવા બોલાવે છે. શકુનિ પાસાં ફેકવામાં નિષ્ણાત છે. બહુ ઝડપથી ધર્મરાજ યુધિષ્ઠિર શકુનિ સામે બધું હારી બેસે છે પણ ત્યારે ધૃતરાષ્ટ્ર આ માત્ર રમત જ છે, એમ કહી પાંડવોને બધું પાછું અપાવી દે છે.
યુધિષ્ઠિરની અપરિપક્વતા અથવા ભોળપણ (મૂર્ખતા) પરિવારને બરબાદીના રસ્તે લઈ જાય છે. વધારામાં આ વખતે યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ પર મૂકે છે અને હારી જાય છે. એકવસ્ત્રા, રજસ્વલા દ્રૌપદીને વાળ પકડી ખેંચીને દુઃશાસન સભા વચ્ચે લાવે છે અને એનું વસ્ત્રાહરણ કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીની લાજ રાખે છે.
વાત આટલેથી પતી જવી જોઈતી હતી. સાવ ખોટનો સોદો સરભર થઈ ગયો હતો. એમાંથી શીખીને બાજી સમેટી લેવાની હતી. ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી પણ નુકસાન ભરપાઈ થઈ જતું હોય તો નીકળી જવું એ જ ‘સ્માર્ટ મેનેજર’નું લક્ષણ છે. પણ શકુનિએ મહેણાં-ટોણાં મારી યુધિષ્ઠિરને ફરી જુગાર રમવા ઉશ્કેર્યા. એ જાણવા છતાં પણ કે સામે પાસાં નાખવામાં પોતાનો હરીફ શકુનિ ખૂબ હોંશિયાર છે, તોય ફરી રમવા બેઠાં અને ‘હાર્યો જુગારી બમણું રમે’ કહેવત યુધિષ્ઠિરે સાચી પુરવાર કરી. ધંધામાં રોજ નફો થતો નથી. ક્યારેક નુકસાન થવાનું હોય તેમાંથી બહાર નીકળી જવાય તે પણ નફો જ છે. મૂળ વાત એ છે. એ સમયે આ સભામાં ઇન્દ્રને પણ હરાવનાર મહાપ્રતાપી ભીષ્મપિતામહ હાજર હતા. ભારતના સર્વશ્રેષ્ઠ શસ્ત્રગુરુ દ્રોણાચાર્ય હાજ૨ હતા. કૌરવો તેમજ પાંડવોના શિક્ષાગુરુ કૃપાચાર્ય હાજર હતા. ધૃતરાષ્ટ્ર હાજર હતા. મહાપ્રતાપી કર્ણ અને અશ્વત્થામા હાજર હતા. આમાંથી એકે પણ હિંમત દાખવીને ‘રુક જાઓ’નો હુંકાર કર્યો હોત તો આ કલંકકથા ન સર્જાઈ હોત. પણ બધા જાણે કે મોંમાં મગ ભરીને બેઠા હતા. સજ્જનોની સજ્જનતા (મૌન) દુર્જનની દુર્જનતા કરતાં વધારે ખતરનાક હોય છે.
સમર્થ અને સજ્જન લોકો અન્યાય સામે જ્યારે ચૂપકિદી ધારણ કરી લે છે ત્યારે નઠારા તત્ત્વો એ સમાજની ઇજ્જતને વસ્ત્રાહરણ કરી પીંખી નાખે છે. કોઈ પણ રાજ્યના મેનેજમેન્ટ માટે આ કલંક છે. આજે છાશવારે છાપામાં સ્ત્રીઓ ઉપર અત્યાચારના સમાચારો ચમકે છે. એનો અર્થ જ એ થાય કે સક્ષમ અને સજ્જનો ચૂપ છે અને ગીધડાંઓનો નગ્નનાચ ચાલુ છે. કોઈ પણ રાજ્યવ્યવસ્થાના વહીવટની આથી મોટી દુર્દશા સંભવી શકે નહીં. આ નહીં સમજનાર અને પોતાના હરીફની ચાલમાં ફસાઈ ઉશ્કેરાટમાં નિર્ણય લેનાર યુધિષ્ઠિર એ મેનેજર તરીકે અથવા નેતૃત્વ પૂરું પાડનાર તરીકે પાછા પડે છે. એના પરિણામો આપણે આગળ જોઈશું.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)