अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च |
निर्ममो निरहङ्कार: समदु:खसुख: क्षमी || ૧૩||
सन्तुष्ट: सततं योगी यतात्मा दृढनिश्चय: |
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय: ||૧૪||
ભગવદ્ ગીતા અધ્યાય ૧૨ના શ્લોક ૧૩–૧૪માં શ્રીકૃષ્ણ જે ભક્તની વાત કરે છે તે ક્રોધહીન, ક્ષમાશીલ, અહંકારરહિત અને
સર્વપ્રતિ દયાળુ છે. આ વર્ણન માત્ર આધ્યાત્મિક આદર્શ નથી, પરંતુ આજના સંચાલન માટેનું વ્યવહારુ નેતૃત્વ મોડેલ છે, કારણ કે જ્યાં સહાનુભૂતિ, ક્ષમા અને કાળજી સંસ્થાની સંસ્કૃતિ બને છે ત્યાં પરિણામો માત્ર ત્રિમાસિક આંકડાઓમાં નહીં, પરંતુ લોકોના વિશ્વાસ અને જોડાણમાં દેખાય છે. આધુનિક કાર્યસ્થળમાં દબાણ, સ્પર્ધા અને ટાર્ગેટની દોડ વચ્ચે માનવતાને ઘણીવાર ‘soft skill’ ગણી અવગણવામાં આવે છે, પરંતુ હકીકતમાં એ જ લાંબા ગાળાની કાર્યક્ષમતાનો આધાર છે.
જાપાનની ટોયોટામાં તાઇઇચી ઓહનોએ વિકસાવેલી ‘Respect For People’ ફિલસૂફી હેઠળ કામદારોને ભૂલ બદલ સજા નહીં, પરંતુ શીખવાની તક આપવામાં આવી, જેના કારણે સતત સુધારો સંભવ બન્યો. અમેરિકામાં સાઉથવેસ્ટ એરલાઈન્સના હર્બ કેલેહરે કર્મચારીઓને પહેલું સ્થાન આપ્યું, ખરાબ સમયમાં પણ છટણી ટાળી અને કહ્યું કે જો કર્મચારી સુરક્ષિત હશે તો ગ્રાહક આપોઆપ ખુશ રહેશે. આ માનવતાવાદી અભિગમે કંપનીને વર્ષો સુધી નફાકારક રાખી.

ભારતીય સંદર્ભમાં જોઈએ તો અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ IAS અધિકારી આર્મસ્ટ્રોંગ પામે જાહેર સેવાઓમાં માનવીય અભિગમ ઉમેર્યો. શાળા અને હોસ્પિટલ સુધી પગપાળા જઈ સમસ્યાઓ સાંભળી અને બતાવ્યું કે અધિકાર નહીં, પરંતુ કાળજી દ્વારા જ ખરો પ્રભાવ ઊભો થાય છે. આ ઉદાહરણો સ્પષ્ટ કરે છે કે ક્ષમા નબળાઈ નથી, પરંતુ સંઘર્ષને શીખમાં ફેરવવાની શક્તિ છે, અને સહાનુભૂતિ માત્ર લાગણી નહીં પરંતુ વ્યૂહરચના છે.

આજના સમયમાં તાત્કાલિક પરિણામોની ભૂખ નેતાઓને કઠોર બનાવે છે. ગીતા યાદ અપાવે છે કે સંબંધ આધારિત નેતૃત્વ, જ્યાં માણસને સાધન નહીં પરંતુ મૂલ્ય માનવામાં આવે, એ જ ટકાઉ સફળતાનો માર્ગ છે. કોઈપણ સંસ્થા અંતે ઇમારતો કે નીતિઓથી નહીં, પરંતુ માનવ હૃદયોથી ચાલે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)




