સંચાલક તરીકે કરુણા એ આજના યુગના આધુનિક સંચાલનનું માનવસંવેદનશીલતાનું કેન્દ્ર છે, જે વ્યક્તિને માત્ર
નેતૃત્વના પદ પર નથી મૂકતું, પરંતુ તેને સહયોગી અને સહાનુભૂતિશીલ વ્યક્તિસ્વરૃપે ઉભો કરે છે. ભગવદ્ ગીતાના અધ્યાય 12 ના શ્લોક 13-14 માં શ્રીકૃષ્ણ ભક્તના લક્ષણો વર્ણવે છે – જે સર્વભૂતમૈત્રી છે, દ્વેષરહિત છે, અનુકંપાશીલ છે તથા શાંતમન છે. આ ગુણો માત્ર આધ્યાત્મિક જીવનમાં જ નહીં પરંતુ કારોબારી અને પ્રબંધક જીવનમાં પણ આત્માને અને ટીમને શક્તિ આપે છે.
સંવેદનશીલ નેતૃત્વ એ કહેવાય જે કર્મચારી કે સહયોગીની માત્ર કાર્યશક્તિ નહિ, પણ એક ભાવનાશીલ વ્યક્તિ તરીકે સ્વીકારે છે સમજવું નેતાનું મુખ્ય કર્તવ્ય છે. કરુણાશીલ સંચાલક તે છે જે સફળતામાં સહકારીઓને સાથે રાખે અને મુશ્કેલ સમયમાં તેમનો હાથ પકડી મદદ કરે છે. ઉદાહરણ તરીકે, નારાયણ મૂર્તિએ ઈનફોસિસની સ્થાપના દરમિયાન પોતાના કર્મચારીઓના કલ્યાણને પ્રથમ સ્થાન આપ્યું; તેમણે કહ્યું હતું કે “વ્યવસાય માનવો માટે છે, ન કે માનવો વ્યવસાય માટે.” આ માનવીય દૃષ્ટિકોણે ઈનફોસિસને વૈશ્વિક પ્રતિષ્ઠા આપી. કોર્પોરેટ જગતમાં સત્ય નડેલા પણ એક કરુણાસભર નેતા તરીકે જાણીતા છે; માઈક્રોસોફ્ટના સીઇઓ બન્યા બાદ તેમણે કંપનીની સસ્કૃતિલ દિશા “કમ્પિટિશન”માંથી “એમ્પેથી” તરફ ફેરવી, જેનાથી નવીનતા અને ટીમ સ્પિરિટ વધ્યુ.

ભારતીય સંદર્ભમાં, માતા અમૃતાનંદમયીની કાર્યપદ્ધતિ પણ કરુણાપૂર્ણ સંચાલનનું ઉત્તમ ઉદાહરણ છે; તેમણે પોતાના આશ્રમ અને સેવાકાર્યોના માધ્યમથી લાખો લોકોને આશ્રય, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ પૂરી પાડીને દર્શાવ્યું કે નેતૃત્વ વિનમ્રતા અને કરુણાથી વધુ અસરકારક બને છે. એક સંચાલક જો માત્ર તર્કથી નિર્ણય લેતો હોય તો તે ડેટા સુધી સીમિત રહી જાય છે, પરંતુ જો તે કરુણાથી વિચારે, તો દરેક નિર્ણય માનવીય મૂલ્યો સાથે સંકલિત બને છે.
કરુણાપૂર્વકનું સંચાલન મનુષ્યના હૃદયને સ્પર્શી પ્રેરણા આપે છે, જે કિંમતી વિશ્વાસ અને સમર્પણની ભાવનાનું નિર્માણ કરે છે. મહાત્મા ગાંધીજી પણ પોતાના આશ્રમના સંચાલનમાં દયા, સમાનતા અને સહઅસ્તિત્વના સિદ્ધાંતો અનુસરતા; તેઓ માનતા કે સત્ય અને અહિંસા વિના નેતૃત્વ ખાલી માળખું છે.

આજના સંસ્થાનિક સંદર્ભમાં, જ્યાં સ્પર્ધા અને નફાખોરી કેન્દ્રસ્થાને છે, ત્યાં કરુણા ભળે તો એ માનવી તણાવ ઘટાડવાની, ટીમ એકતા વધારવાની અને પ્રતિભા જાળવી રાખવાની શક્તિ બની રહી છે. કરુણાશીલ નેતા પોતાના સાથીઓની શક્તિઓ ઓળખી તેમની ભૂલો થાય ત્યારે સંવેદનાશીલતાથી એને જોઈને ધીરજ રાખે છે, કારણ કે તેણે સમજ્યું છે કે માનવી ભૂલો કરે છે પરંતુ સહાનુભૂતિ તેને સુધરવાની પ્રેરણા આપે છે.
ગીતાના શ્લોક મુજબ જે વ્યક્તિ અનુકંપાશીલ, દ્વેષરહિત અને સદૈવ ક્ષમાશીલ છે તે જીવનમાં અખંડ શાંતિ અનુભવે છે; તેમ જ, જે સંચાલક આ ગુણો ધારણ કરે છે તેનું સંગઠનને માત્ર પ્રગતિ તરફ જ નહીં પરંતુ સંતુલિત સુખ અને વિશ્વાસ તરફ દોરી જાય છે. અંતે કહી શકાય કે કરુણા નેતૃત્વ જ આધ્યાત્મિકતા અને વ્યવસ્થાપનના સંકલનનું ઉદાહરણ છે – જ્યાં હૃદય અને બુદ્ધિનું સંયોજન સાચા અર્થમાં નેતાને “મનુષ્યમાંથી મહાન” બનાવે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)




