અહંકારને હાંકી કાઢો…દૂર દૂર

અહંકાર માનવજીવન અને નેતૃત્વ બંને માટે વિનાશનું બીજ છે, અને મહાભારતના દ્રૌણપર્વમાં અશ્વત્થામાનું ઉદાહરણ એ વાતને ચેતવણીરૂપે  પ્રગટ કરે છે; અશ્વત્થામા મહાન યોદ્ધા હતા, પણ ગુરુપુત્ર હોવાનો અહંકાર, પોતાના પરાક્રમનો ગર્વ અને બદલો લેવાની અંધ લાલસા તેને વિનાશના માર્ગે દોરી ગઈ, અહંકારના કારણે જ તેણે પાંડવોના શિબિરમાં નિર્દોષ સૂતાં પાંડવ એટલે કે દ્રૌપદીના સંતાનોનો સંહાર કર્યો અને અંતે શાપગ્રસ્ત બનીને અનંત દુઃખ ભોગવ્યું. આ પ્રસંગ દર્શાવે છે કે અહંકાર ક્ષણિક વિજય આપતો હોય છે પણ અંતે શાશ્વત હાર અપાવે છે.

નેતૃત્વના સંદર્ભમાં જોવામાં આવે તો અહંકાર નેતાને અંધ બનાવે છે. તેના નિર્ણયો ખોટા પડે છે અને સંગઠન કે સમાજને મોટું નુકસાન થાય છે. ઇતિહાસમાં અનેક ઉદાહરણો છે જ્યાં અહંકાર વિનાશનું કારણ બન્યો. રાવણ પાસે અસીમિત શક્તિ, જ્ઞાન અને સમૃદ્ધિ હતી, પરંતુ પોતાના બળ તેમજ સામર્થ્યનો અહંકાર તેને લંકાના વિનાશ તરફ દોરી ગયો. તાજેતરના ઇતિહાસમાં જોઈએ તો જર્મનીના હિટલરનો અહંકાર વિશ્વયુદ્ધનું કારણ બન્યો, લાખો નિર્દોષોના મૃત્યુનું કારણ બન્યો અને અંતે પોતે પણ વિનાશ પામ્યો.

આધુનિક વ્યવસાય જગતમાં પણ આવા ઉદાહરણો જોવા મળે છે – એક સમયે વિશ્વની સૌથી મોટી મોબાઇલ કંપની નોકિયાએ બજારમાં પોતાની મજબૂત પકડને લીધે અહંકાર કર્યો, બદલાતા સમયમાં નવું શીખવાનું, નવી ટેક્નોલોજી સ્વીકારવાનું ટાળ્યું, અને પરિણામે બજારમાંથી લગભગ ગાયબ થઈ ગઈ; જ્યારે એપલ અને સેમસંગ જેવી કંપનીઓ નમ્રતા સાથે બજારની માંગણીઓ સમજતી રહી અને નવીનતા અપનાવીને સફળ રહી.

રાજકારણમાં પણ અહંકાર નેતાઓને પતન તરફ દોરી જાય છે. ક્રિકેટના મેદાન પર પણ સચિન તેંડુલકરનું જીવન નમ્રતાનું ઉદાહરણ છે; વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હોવા છતાં તેઓ ક્યારેય અહંકારમાં ન રહ્યા, તેથી જ તેમનાં લાંબા કારકિર્દીમાં સતત સફળતા મળી. અહંકાર વ્યક્તિને પોતાની ક્ષમતાથી વધુ મોટો દેખાડવાનો ભ્રમ પેદા કરે છે, પરંતુ નમ્રતા વ્યક્તિને પોતાની મર્યાદા સમજાવી તેને સતત વિકાસશીલ રાખે છે. તેથી સંગઠન હોય કે સમાજ, નેતૃત્વમાં અહંકાર ટાળવો જરૂરી છે, કારણ કે તે સંબંધો તોડે છે, નિર્ણયોમાં ભૂલો કરાવે છે અને આખરે વિનાશ તરફ દોરી જાય છે; જ્યારે નમ્રતા, શિખવાની ભાવના અને સહકારનો સ્વભાવ વ્યક્તિ અને સંસ્થા બંનેને લાંબા ગાળે સફળતા અપાવે છે.

અશ્વત્થામાના અહંકારમાંથી આપણે એ પાઠ શીખવો જોઈએ કે ક્ષણિક અહંકાર માટે લીધેલા નિર્ણયો જીવનભરના પસ્તાવાનું કારણ બની શકે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)