ખૂબ પ્રચલિત વાક્ય છે કે coming events cast their shadow. અર્થાત ભવિષ્યમાં કંઈક બનવાનું હોય તો તેનો અણસાર પહેલાથી જ આવી જાય છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રને આગળ શું થવાનું છે તેનો અણસાર આવી ગયો હતો. તેઓ જાણતા હતા કે પોતાના પુત્રો ઈર્ષ્યા અને ક્રોધથી ભરેલા છે અને અંતે એ વિનાશ જ કરશે. પરંતુ આ બધું જાણતા હોવા છતાં તેઓ ચૂપ હતા, કેમ? કારણ કે તેઓ વૃદ્ધ, અંધ અને અશક્ત એમ અનેક રીતે મર્યાદિત શારીરિક શક્તિઓવાળા હતા. તેથી તેમના મતનું વાસ્તવિક રીતે કોઈ મૂલ્ય જ નહોતું. (આદીપર્વ શ્લોક ૯૮) હા! પદ અને વયને કારણે એમની આમન્યા બધા જાળવતા.
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ઘરડાં ગાડાં વાળે’. પણ ઘણીવાર અત્યારના સમયમાં ઘણી જગ્યાએ આ કહેવત કોઈ અનુસરતું જ નથી. કેટલીક વાર ઓર્ગેનાઇઝેશન કે કંપનીમાં પણ જેમની પાસે સત્તા નથી પણ અનુભવ અને વિઝન છે તેમની સલાહને અવગણવામાં આવે છે. અને સરવાળે નુકસાન તો કંપનીને જ જાય છે. આ બાબતનું ઉત્તમ ઉદાહરણ નોકિયા અને કોડાક કંપની છે. નોકીયા એક સમયે મોબાઈલ ઇન્ડસ્ટ્રી ટોચનું નામ હતી. પરંતુ તે સ્માર્ટફોન રિવોલ્યુશનને એડોપ્ટ કરવામાં નિષ્ફળ ગઈ.
ઘણા અનુભવીઓએ જુની ઓપરેટિંગ સિસ્ટમ છોડી નવી સિસ્ટમને સ્વીકારવા તેમને જણાવ્યું હતું પણ નોકિયાએ આ સલાહને અવગણી અને અંતે ટોચ પરથી નીચે પછડાઇ. કોડાક કંપનીના કિસ્સામાં પણ આવું જ થયું. ડિજિટલ કેમેરા મૂળ તો તેમણે શોધ્યા હતા. પરંતુ તેમનો મુખ્ય ધંધો કેમેરા ફિલ્મનો હતો એટલે ડિજિટલ કેમેરા તેમના બિઝનેસને નુકસાન પહોંચાડશે તે વિચારી ડિજિટલ કેમેરાને નજરઅંદાજ કર્યા અને અવગણ્યા. અંતે કંપનીને જ તાળાં વાગી ગયા.
નાની અમથી સલાહ પણ મોટી લાભ પહોંચાડી શકે છે. સલાહ આપનાર વ્યક્તિ ભલે નાનો હોય પણ એની સલાહ મોટી હોય શકે છે. સત્તાધારી સશક્ત વ્યક્તિ પાસેથી એ નથી આવી એમ વિચારી એને અવગણવામાં આવે તો કંપનીનો પણ મહાભારતના સામ્રાજ્યની જેમ વિનાશ થઈ શકે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
