અમદાવાદઃ વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં લાલચોળ તેજી થઈ હતી. સેન્સેક્સ, નિફ્ટી 50માં એક ટકાથી વધુની તેજી સાથે બંધ આવ્યા હતા. સેન્સેક્સ 79,900ને પાર થયો હતો, જ્યારે નિફ્ટી 24,150ને પાર થયો હતો. બજારમાં ફાઇનાન્શિયલ, ઓટો અને IT શેરોની આગેવાનીએ શેરોમાં ભારે તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.5 લાખ કરોડનો વધારો થયો હતો.
ડિસેમ્બરના GST કલેક્શન ગયા વર્ષની તુલનામાં 7.3 ટકા વધીને રૂ. 1.77 લાખ કરોડનું રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે આ વધારો આર્થિક કામગીરીમાં સુધારાનો સંકેત છે. વળી, ડિસેમ્બરમાં ઓટો કંપનીઓના વેચાણના ડેટા મજબૂત આવતાં ઓટો સેક્ટરના શેરોમાં જોરદાર લેવાલી થઈ હતી. આ ઉપરાંત માર્કેટમાં આગામી સપ્તાહથી કંપનીઓનાં ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોની જાહેરાત શરૂ થશે. જેથી શેરોમાં તેજી થઈ હતી.
આ સાથે નિફ્ટી 200 દિવસોની મુવિંગ એવરેજથી ઉપર ચાલી રહ્યો છે. જેથી બજારની તેજીને સપોર્ટ મળ્યો હતો. વળી, IT ક્ષેત્રે સ્થિર માગ અને રૂપિયામાં ઘટાડાને પગલે કંપનીઓનાં પરિણામો નોંધપાત્ર રહેવાની શકયતા છે. જેથી સેન્સેક્સ 1436 પોઇન્ટ ઊછળીને 79,944ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 446 પોઇન્ટ ઊછળી 24,189ના સ્તરે બંધ થયો હતો. આ સાથે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 657 પોઇન્ટની તેજી સાથે 58,108ના સ્તરે બંધ થયો હતો અને નિફ્ટી બેન્ક 545 પિન્ટ ઊછળી 51,606ના સ્તરે બંધ રહ્યો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 4086 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2399 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1571 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 116 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 327 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 226 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.