કેવડિયાઃ વર્ષ 2024માં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. 2018મં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થયા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાએ પૂરા થયેલા વર્ષમાં 58.25 લાખ લોકોને આકર્ષ્યા હતા.
31 ઓક્ટોબર 2018એ એના ઉદઘાટન પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રારંભમાં 4.53 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જે સંખ્યા 2019માં વધીને 27.45 લાખ થઈ હતી.વર્ષ 2020માં કોરોના રોગચાળાને લીધે સરદારની પ્રતિમાની મુલાકાત લેનારા પ્રવાસીઓ ઓછા રહ્યા તેમ છતાં એ વર્ષ 12.81 લાખ પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ 2021માં 34.29 લાખ અને 2022માં 41.32 લાખ મુલાકાતીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે વર્ષ 2023માં એ સંખ્યા વધીને 51.20 લાખે પહોંચી હતી.
2024ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2.21 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. આમ સરેરાશ વર્ષના છેલ્લા દિવસોમાં એક જ દિવસમાં 70,000 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જેને લઈ સરકારી એસટી બસો પણ મૂકવામાં આવી હતી.દેશભરમાંથી હજારો પ્રવાસીઓએ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.