આ કઇ નદીનું ઉદગમ સ્થાન છે એ જાણો છો?

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની નજીક કોટેશ્વર મહાદેવનું એક પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં એક કુંડ છે, જેમાં વર્ષો પહેલાં તૈયાર કરેલા ગૌમુખમાંથી પાણીનો પ્રવાહ અસ્ખલિત રીતે કુંડમાં આવે છે. બનાસકાંઠાના દાંતા તાલુકાનું આ પવિત્ર યાત્રાધામ ગૌમુખ સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ માનવામાં આવે છે.

ચારે તરફ ટેકરીઓ અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું કોટેશ્વર મહાદેવનું આ મંદિર દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું છે. આ પંથકમાં પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે. નજીકના વૈષ્ણવ મંદિરમાં વિષ્ણુ તથા સપ્ત માતૃકાઓની મૂર્તિઓ જળવાઈ રહી છે. મંદિરની દીવાલમાં લકુલીશની મૂર્તિ છે, જે પાશુપત સંપ્રદાયનું આ મૂળ સ્થાનક હશે એવી માન્યતા છે. અંબાજી યાત્રાધામના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ગૌમુખના આ કુદરતી  જળ પ્રવાહને નિહાળવા જરૂર આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)