વર્લ્ડ પોપ્યુલેશન ડેઃ ભારત સૌથી મોખરે

દર વર્ષે 11મી જુલાઈના રોજ ‘વિશ્વ વસ્તી દિવસ’ એટલે કે ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીની સમસ્યા અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વભરમાં વધતી વસ્તીના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી વધી રહી છે. જો કે બીજી બાજુ ભારત જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ માટે વધારે વસતી, ખાસ કરીને યુવા વસ્તી, ડેમોગ્રાફીક ડિવિડન્ડ પણ બની શકે છે.

વસ્તી વધારામાં ભારત ચીન કરતાં ય આગળ

હમણાં સુધી ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો, જ્યારે ભારત બીજા સ્થાને હતું, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છેલ્લે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારત 1.4286થી વધારે અબજ લોકો સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જ્યારે ચીનની વસ્તી 1 અબજ 42.57 કરોડ છે. એશિયા વિશ્વની કુલ વસ્તીના 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

વસ્તીના આંકડા કેટલી ઝડપથી વધી રહ્યા છે, એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વની વસ્તી 1 અબજ સુધી પહોંચતા લાખો વર્ષ લાગ્યા પરંતુ 1થી 8 અબજ સુધી પહોંચવામાં માત્ર 200 વર્ષ લાગ્યા. જયારે એને 7 અબજથી 8 અબજ થવામાં માત્ર 12 વર્ષ લાગ્યા. વર્ષ 2011માં વિશ્વની વસ્તી 7 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ છે. દુનિયાની વસ્તી વૃદ્ધિ દર 1965 અને 1970 ની વચ્ચે ટોચ પર હતો, જ્યારે વસ્તી દર વર્ષે સરેરાશ 2.1 ટકાના દરે વધી હતી.

વસ્તી વધારા માટે ભારતની ચિંતા શું છે?

ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વસ્તીને લઈને ભારતની ચિંતા પણ ઓછી નથી. આપણા દેશનો વિસ્તાર દુનિયાના માત્ર 2.4 ટકા છે, જ્યારે વિશ્વની 18 ટકા વસ્તી આપણા દેશમાં વસે છે. આંકડા મુજબ 2001થી 2011ની વસ્તી ગણતરી વચ્ચે દેશમાં લગભગ 18 ટકા વસ્તી વધી છે. સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ મુજબ, જો ભારતની વસ્તી આ જ દરે વધતી રહેશે, તો ભારતની સમસ્યા વધશે.

દેશ ડેમોગ્રાફી ડિઝાસ્ટર પર આવીને ઉભો છે

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં અમદાવાદસ્થિત જાણીતા આર્થિક સમિક્ષક હેમંતકુમાર શાહ કહે છે કે, “ભારતમાં લગભગ 65 ટકા વસ્તી યુવાનોની છે એટલે કે 90 કરોડ લોકો કામ કરનારો વર્ગ છે. દેશની વસ્તી વધારે છે એમાં યુથ પણ વધારે છે પરંતુ એનો ફાયદો લેવા માટે બે બાબતો જરૂરી છે. એક આ વર્ગને શિક્ષણ મળવું જોઈએ અને બીજુ આ વર્ગની સ્કીલ ડેવલપ થવી જોઈએ, એટલે કે કૌશલ્ય ઉભું થવું જોઈએ. આ બે વાત થાય તો એ પોતાના અને દેશના વિકાસમાં ફાળો આપે. અને ન થાય તો એ અનેક પ્રકારની સામાજિક આર્થિક દુર્ઘટના ઉભી કરે. સવાલ એ છે કે શિક્ષણનો અભાવ છે. આખા ભારતમાં 100 વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ તો થાય છે પરંતુ એમાંથી માંડ 26 વિદ્યાર્થીઓ જ કોલેજ સુધી પહોંચે છે. માટે આ અશિક્ષિત વર્ગ ભારે મોટી સમસ્યાઓ ઉભી કરે.”

એ ઉમેરે છે કે “ આરોગ્યની સગવડો પણ વધુ સારી કરવી પડે એમાં સુધારો થાય તો પણ વસ્તી વૃદ્ધિદર નીચે આવે. જે અત્યારે લગભગ 1.6 કે 7 ટકા જેટલો છે. ટુંકમાં શિક્ષણની વ્યવસ્થા વ્યાપક અને સારી બને અને કૌશલ્યનો વિકાસ થાય તો બેનિફીટ મળે. અર્થશાસ્ત્રમાં એને ડેમોગ્રાફી ડિવિડન્ડ કહેવાય એટલે જો યુવાનોની વસ્તી વધારે હોય તો ડેમોગ્રાફી ડિવિડન્ડ ઉભુ થાય પણ શર્ત એટલી જ કે શિક્ષણની વ્યવસ્થા અને કૌશલ્ય વિકાસની વ્યવસ્થા વધારે સારી હોય. નહીંતર ડેમોગ્રાફી ડિઝાસ્ટર ઉભુ થાય. વર્તમાન સમયની વાત કરીએ તો આપણે ડેમોગ્રાફી ડિઝાસ્ટર પર આવીને ઉભા છીએ, બેકારી વધારે છે, કામ આપી શકતા નથી. ટેકનોલોજી બદલાતી જાય છે. માટે વસ્તી વધારાનો લાભ પણ લઈ શકતા નથી.”

વસ્તી વધારા માટે જવાબદાર પરિબળો

જન્મદરમાં વધારો: વસ્તીની આ ઝડપી ગતિ પાછળનું પ્રથમ કારણ જન્મદરમાં વધારો છે. આજથી 250 વર્ષ પહેલા એક મહિલાએ સરેરાશ છ બાળકને જન્મ આપ્યો હતો. આ સ્થિતિ દોઢસો વર્ષ સુધી ચાલી હતી. 1950થી જન્મદરમાં સતત ઘટાડો થયો છે. છતા પણ આજે દુનિયાની એક સરેરાશ મહિલા 2.5 બાળકને જન્મ આપી રહી છે.

વધતું જતું આયુષ્ય: વિશ્વમાં લોકોની સરેરાશ ઉંમર 72 વર્ષ છે. 30 દેશો એવા છે જ્યાં લોકોની સરેરાશ ઉંમર 80થી વધુ છે અને 100 દેશોમાં સરેરાશ ઉંમર 70 વર્ષ છે. ભારતમાં આ આંકડો 69.7 વર્ષનો છે.

મૃત્યુદરમાં સતત ઘટાડો: વિશ્વની વસ્તીમાં વિસ્ફોટક તેજીનું એક મુખ્ય કારણ જન્મ દરની તુલનામાં મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો છે. વર્ષ 1950માં 1000 લોકોમાંથી 20 લોકોના મોત થયા હતા, 2020માં ઘટીને 8 પર આવી ગયો છે. જો કે, જન્મ દર હજી પણ મૃત્યુ દર કરતા ઘણો વધારે છે.

શિશુ મૃત્યુ દરમાં ઘટાડો : વિશ્વની 8 અબજની વસ્તીનું  સૌથી મોટું કારણ શિશુ મૃત્યુદરમાં ઝડપી ઘટાડો છે. 2020માં 1000માંથી માત્ર 37 બાળકોના મોત થયા હતા. જો કે, શિશુ મૃત્યુદરમાં વધારો અથવા ઘટાડા માટે બાળકનો જન્મ ક્યાં થાય છે એના પર ઘણો આધાર રાખે છે. સબ-સહારા આફ્રિકામાં આજે પણ 1000માંથી 79 બાળકો મૃત્યુ પામે છે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકામાં સ્થિતિ એટલી ખરાબ નથી. ભારતમાં 1000માંથી માત્ર 6 બાળકો જ મૃત્યુ પામે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સંખ્યા 4 છે.

સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક બાબતોના વિભાગની આગાહી મુજબ, 1950ના દાયકા પછી વિશ્વની વસ્તી સૌથી ધીમી ગતિએ વધી રહી છે. આગાહી મુજબ 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.5 અબજ થઈ જશે. એ જ રીતે 2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તી 9.7 અબજ અને 2080ના દાયકા સુધીમાં તે લગભગ 10.4 અબજ સુધી પહોંચી જશે. રિપોર્ટ મુજબ આ પછી દુનિયાની વસ્તી 2100 એડી સુધી આ સ્તર પર રહેશે.

આ દેશોની વસ્તી ઝડપથી વધશે

રિપોર્ટમાં પ્રમાણે ઘણા વિકાસશીલ દેશોમાં જન્મદરમાં ઘટાડો થયો છે. જો કે કેટલાક દેશોમાં આ દર વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 50 ટકાથી વધુ જનસંખ્યા માત્ર 8 દેશના વિકાસમાં યોગદાન આપશે.  સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ આગામી વર્ષોમાં જે આઠ દેશોની વસ્તી ઝડપથી વધશે તેમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે.

ભારત યુવાઓનો દેશ

ભારત એ યુવાઓનો દેશ છે. દેશની અડધી વસતી 25થી 64 વર્ષ હોવા છતાં ભારતીયોની સરેરાશ ઉંમર માત્ર 28 વર્ષ છે. અમેરિકા અને ચીન સાથે એની સરખામણી કરીએ તો એમની સરેરાશ ઉંમર 38 અને 39 વર્ષ છે. ભારતની વૃદ્ધ વસ્તી એટલે કે 65 વર્ષથી વધુ હોય એવા અત્યંત ઓછી છે, જે સમગ્ર વસ્તીના માત્ર સાત ટકા છે. અમેરિકા, ચીન કે જાપાનની જેમ ભારતમાં વધારે પડતા વૃદ્ધ લોકો નથી. ચીનમાં દર 10માંથી 1.4 વ્યક્તિ 65 વર્ષ કે તેથી વધારે છે.

જ્યારે અમેરિકામાં આ આંકડો 1.8 છે. ભારતમાં માત્ર સાત ટકા વસતી 65 વર્ષ કે તેથી વધુ છે અને વર્ષ 2100 સુધીમાં તે વધીને 23 ટકા સુધી પહોંચી શકે છે. હાલમાં ભારતની 40 ટકા વસતી 25 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે અને યુએનના પ્રક્ષેપણ મુજબ વર્ષ 2078 સુધીમાં તે ઘટીને 23. 9 ટકા થઈ જશે. જોકે એ વાતને હજુ 50 વર્ષની વાર છે. છતા એમ કહી શકાય કે 2063 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 20 ટકાથી નીચે રહેશે અને ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ યુવા દેશ રહેશે.

(હેતલ રાવ)