ફિલ્મ જોવા જઇએ ત્યારે શરૂઆતમાં તમાકુ, બીડી, સિગારેટ સંબધિત એડ જોવા મળે છે, જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે કે તમાકુના કારણે શરીરને કેટલું નુકશાન થાય છે.
આ વ્યસન જીવલેણ છે એ પણ સ્પષ્ટ હોવા છતાં તમાકુનું સેવન ઓછું થતું નથી.
તમાકુના વ્યસન અને એનાથી થતા નુકસાન પરત્વે જાગૃતિ અને નિયંત્રણ લાવવાના હેતુસર દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ઉજવાય છે. આ દિવસની શરૂઆત કરવાનો મુખ્ય હેતુ, લોકોમાં તમાકુની નકારાત્મક અસરો અંગે જાગૃતિ ફેલાવવી અને લોકોને તમાકુ છોડવા માટે પ્રોત્સાહન આપવાનો છે.
વિશ્વ તમાકુ નિષેધ દિવસનો ઇતિહાસ
તમાકુથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા એ વાતને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ 31 મે, 1988ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને ત્યાર પછી દર વર્ષે આ દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
થીમ આધારીત ઉજવાય છે આ દિવસ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે વૈશ્વિક સ્તરે કોઈ ખાસ થીમ પર ઉજવવામાં આવે છે. 2025 માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા જાહેર કરાયેલી થીમ છે, ‘Unmasking the Appeal: Exposing Industry Tactics on Tobacco and Nicotine Products’ એટલે કે આકર્ષણનો નકાબ ઉતારવો, તમાકુ અને નિકોટિન ઉત્પાદનો માટે ઉદ્યોગ દ્વારા અપનાવવામાં આવતી રણનીતિઓને ઉજાગર કરવી. આ વર્ષની થીમનો મુખ્ય હેતુ છે ખાસ કરીને યુવા પેઢીને ટાર્ગેટ કરતી ઔદ્યોગિક પદ્ધતિઓને લોકો સમક્ષ લાવવાનો છે, જેમાં ફ્લેવર્ડ ઇ-સિગારેટ્સ, આકર્ષક પેકેજિંગ, સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર્સ દ્વારા કરવામાં આવતો પ્રચાર અને નવા પ્રકારના નિકોટિન ઉત્પાદનોનો સમાવેશ થાય છે. બાળકો અને યુવાઓને આકર્ષવા માટે તમાકુ ઉદ્યોગ દ્વારા નવી-નવી રીતો અપનાવવામાં આવે છે, જેને કારણે નવી પેઢી આ લત તરફ આકર્ષાય છે.
તમાકુના સેવનથી થતી મુખ્ય બિમારીઓ ફેફસાનું કેન્સર: તમાકુમાં રહેલા ઝેરી રસાયણો ફેફસાના કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મોઢા અને ગળાના કેન્સરઃ ગુટખા, પાનમસાલા અને તમાકુ ચાવવાથી મોઢાના અંદરના ભાગોમાં કેન્સરની શક્યતા સૌથી વધુ હોય છે. હૃદયરોગ (હાર્ટ એટેક, સ્ટ્રોક): તમાકુ ધમનિઓને સંકોચિત કરે છે, બ્લડપ્રેશર વધે છે અને હાર્ટ અટેક તેમજ સ્ટ્રોકનો ખતરો વધે છે. દાંત અને મોંની સમસ્યાઓ: દાંત પીળા પડવા, ગમ (મસૂડા)માં રોગ, મોઢામાં દુર્ગંધ, મોઢાની અંદર ઘાવ થઈ જવો વગેરે સમસ્યાઓ સામાન્ય છે. શ્વાસની બીમારીઓ (COPD, દમ): તમાકુના ધૂમાડાથી શ્વાસની નળી અને ફેફસામાં સોજો આવે છે અને ડેમેજ થઈ શકે છે. પ્રજનન શક્તિમાં ઘટાડો: પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા ઘટે છે અને સ્ત્રીઓમાં ગર્ભધારણમાં અડચણ આવે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં જોખમઃ તમાકુ સેવનથી બાળકમાં ખોડખાપણ, ઓછું વજન અને અન્ય સમસ્યાઓ ઊભી થાય છે. ચામડી અને વય સાથે જોડાયેલી સમસ્યાઓ: ત્વચા ઝડપથી વૃદ્ધ થાય છે, હોઠ કાળા પડી જાય છે, આંખોના પોપચા નમી જાય છે, શરીર પણ બેડોળ થવા લાગે છે. |
દર વર્ષે લાખો લોકોનું થાય છે મૃત્યુ
વૈશ્વિક આંકડાઓ અનુસાર દર 6 સેકન્ડે 1 વ્યક્તિનું તમાકુના કારણે મૃત્યુ થાય છે. વર્તમાન સમયમાં તમાકુ બનાવતી કંપનીઓ બાળકો અને યુવાઓને ટાર્ગેટ કરે છે. તમાકુ એક ધીમું ઝેર છે જે શરીરમાં જઈને પહેલા તો મજા આપે છે પરંતુ લાંબા ગાળે એને કારણે શરીર અંદરીથી ખોખલુમ બની જાય છે. આ એક એવું ઝેર છે જે શરીરના બધા જ અવયવો પર અસર કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ વિશ્વમાં દર વર્ષે લગભગ 80 લાખ લોકો તમાકુથી થતા રોગોના કારણે મૃત્યુ પામે છે.
સમગ્ર વિશ્વમાં દરરોજ 90,000 કિશોરો તમાકુનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે જેમાં 10 વર્ષના બાળકોનો પણ સમાવેશ થાય છે. અડધાથી વધુ પુખ્ત ધુમ્રપાન કરનારાઓ ધૂમ્રપાન સંબંધિત રોગોને કારણે પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે ભારતમાં દર વર્ષે આશરે 13 લાખ લોકો તમાકુના ઉપયોગના કારણે મૃત્યુ પામે છે, જે દેશના કુલ મૃત્યુનો લગભગ 9% છે .
આ આંકડાઓ દર્શાવે છે કે તમાકુના વ્યસનથી થતા નુકસાનને અટકાવવા માટે સજાગતા, શિક્ષણ અને કડક નીતિઓની જરૂર છે. તમાકુના ઉપયોગને ઘટાડવા માટે સરકાર અને સમાજ બંનેએ મળીને પ્રયાસ કરવા જરૂરી છે. તમાકુનું સેવન હેલ્થ ની સાથે સાથે વ્યક્તિને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડે છે. તમાકુનું સેવન હેલ્થ ની સાથે સાથે વ્યક્તિને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડે છે.
હેતલ રાવ
