મહિલાઓમાં જોવા મળતી સમસ્યા ‘PCOD’ શું છે?

નેહા છેલ્લા બે મહિનાથી તણાવમાં રહેતી હતી. ઓફિસથી આવીને પોતાના રૂમમાં જ ભરાઇ જાય. ડીનર પણ પોતાના રૂમમાં જ કરતી. પહેલાં તો એની માતા જ્યોતિબહેનને લાગ્યું કે વર્કલોડના કારણે એનો સ્વભાવ આમ ચીડચીડીયો થઈ ગયો હશે…

પરંતુ વધારે સમય થતા એમણે નેહાને પુછ્યું કે, તને શું થયું છે? કેમ આમ આખો દિવસ મૂડલેસ રહે છે? ઓફિસમાં વર્કલોડ વધારે છે કે પછી બીજી કોઈ સમસ્યા છે?

મમ્મીના એક પણ સવાલનો જવાબ આપ્યા વગર નેહા આંસુ સારવા લાગી. હવે જ્યોતિબહેનને વધારે ચિંતા થઈ. એમણે દીકરીનો હાથ પોતાના હાથમા લેતા કહ્યું, તુ મને બધુ જ કહી શકે છે. તું જાણે છે આપણે મિત્રો છીએ…

નેહાએ રડતાં-રડતાં માતાને કહ્યું, મને બે મહિનાથી પિરીયડ નથી આવ્યા. વાળ પણ ખૂબ ઉતરે છે અને છેલ્લા કેટલાક સમયથી મારા શરીરમાં ભાર લાગે છે. વજન પણ વધી રહ્યું છે. ડોક્ટર પાસે ચેક કરાવ્યું તો એમણે કહ્યું કે પિરીયડ નથી આવ્યા માટે આ સમસ્યા થઈ રહી છે. મને માસિક આવવાની દવા આપી. પણ મને બીજુ કંઈક લાગે છે. હું ખુબ ચિંતામાં છુ, માંડ મહેનત કરી કંપનીમાં એચઆર હેડના હોદ્દા સુધી પહોંચી છું, પણ હવે લાગે છે, હું બધુ ગુમાવી બેસીશ. એટલુ બોલી નેહા માતાના ખોળામાં માથુ નાખીને ધ્રુસેક-ધ્રુસકે રડવા લાગી.

બીજે દિવસે નેહા અને જ્યોતિબહેન ડોક્ટર પાસે ગયા, એમણે તપાસ કરી તો નેહાને પીસીઓડી એટલે કે પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝની સમસ્યા હોય એમ લાગ્યું. જો કે એ સમયસર ડોક્ટર પાસે પહોંચી ગઈ હતી માટે એની સારવાર શરૂ થઈ ગઈ. હવે તો એ પહેલાના જેમ જ નોર્મલ જીવન જીવી રહી છે.

શું છે આ પીસીઓડી, કેવા છે એના લક્ષણો, અને કેમ થાય એની સારવાર?

પીસીઓડી શું છે?

વર્તમાન સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને વ્યસ્ત જીવનના કારણે મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે. મહિલાઓને પણ નાની-મોટી સમસ્યા જોવા મળે છે, એમાંથી એક છે પીસીઓડી એટલે કે પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. મહિલાઓ અને 14 વર્ષથી મોટી છોકરીઓમાં પીસીઓડીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ રિસર્ચ અનુસાર, ભારતમાં લગભગ 10 ટકા મહિલાઓ પીસીઓડીની સમસ્યાથી પીડાય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એપોલો હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટના હેડ ડો. ઉષા બોહરા કહે છે કે, “ટીનએજ અને યુવા મહિલાઓમાં પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસઓર્ડર એક સામાન્ય અને ગંભીર હોર્મોનલ સમસ્યા બની ગઈ છે. શરીરમાં હોર્મોનલ અસંતુલનના કારણે માસિક ધર્મ અનિયમિત થવા લાગે છે. આ સમસ્યા માત્ર એક આરોગ્ય સમસ્યા ન રહી, પણ લાંબા ગાળે વિવિધ જટિલતાઓ પેદા કરે છે. પીસીઓડીની અસર ટીનેજ છોકરીઓ પર સ્પષ્ટ રૂપે જોવા મળે છે. માસિક ધર્મ અનિયમિત થવા ઉપરાંત, ચહેરા પર ખીલ, અપર લિપ્સ અને ચીન પર અનિચ્છનીય વાળ ઉગવા લાગે છે. હોર્મોનલ ફેરફારને કારણે છોકરીઓ  ડિપ્રેશનમાં જવા લાગે છે, આ સિવાય, લગ્ન પછી ગર્ભધારણમાં પણ મુશ્કેલી સર્જાય છે, કારણ કે પીસીઓડીમાં ઓવ્યુલેશન નિયમિત રીતે થતું નથી, એટલે કે જે ઋતુચક્ર દરમિયાન એગ રિલીઝ થવું જોઈએ એ નથી થતા. આગળ જતા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, અને મેનોપોઝ પછી ગર્ભાશયના કેન્સરનું જોખમ પણ વધી જાય છે. પરંતુ સમયસર એની સારવાર કરાવવામાં આવે તો આ પ્રોબ્લમ દૂર થઈ શકે છે.”

વધુમાં એ ઉમેરે છે કે, “એક સ્ટડી પ્રમાણે વિટામિન ડી ની ઉણપ પણ પીસીઓડીનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. માટે ટીનેજ છોકરીઓ માટે સ્વસ્થ આહાર, સૂર્યપ્રકાશનો યોગ્ય સંપર્ક, જંક ફૂડ ઓછુ લેવું અને  સમયસર કાઉન્સેલિંગ કરાવવું ખુબજ જરૂરી છે.”

હોર્મોન્સના અસંતુલનને કારણે થાય છે સમસ્યા

પીસીઓડી એટલે પોલી સિસ્ટીક ઓવેરિયન ડિસીઝ. એ મહિલાઓમાં થતો એક હોર્મોનલ ડિસઓર્ડર છે, જ્યાં હોર્મોન્સના અસંતુલનને કારણે ઓવરી (અંડાશય)માં નાની-નાની સિસ્ટનું નિર્માણ થાય છે, જે ગાંઠની જેમ દેખાય છે. પીસીઓડીના કારણે મહિલાઓમાં વંધ્યત્વ, અનિયમિત પીરિયડ્સ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમસ્યા 14 થી 45 વર્ષની વયની છોકરીઓ અને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આવા કેસમાં, દર્દીના ચહેરા અને અન્ય ભાગો પર વાળ ઉગવા લાગે છે.

પોતાની સાથે થયેલી આ ગંભીર સમસ્યાનું સમાધાન કરીને આજે સારી રીતે જીવન જીવી રહેલા કોર્પોરેટ જગતમાં કામ કરતા પૂર્વી વ્યાસ ચિત્રલેખા.કોમને કહે છે કે, સતત ભાગ દોડ વાળી જીવન શૈલી અને તાણવની અસર મારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર રીતે થઈ, લગ્ન બાદ હું જ્યારે માતૃત્વ ધારણ કરવાનું વિચારી રહી હતી. ત્યારે મેં ગાયનેક તબીબનો સંપર્ક કર્યો. તપાસ દરમિયાન નિદાન થયું કે મને પીસીઓડી છે. હવે પીસીઓડી સાથે માતૃત્વ ધારણ કરવું થોડું મુશ્કેલ હોય છે, મને કુદરતી માતૃત્વ ધારણ તો થયું પરંતુ પીસીઓડીના કારણે ગર્ભમાં શિશુનો વિકાસ ન થયો અને મારુ મિસકેરેજ થઈ ગયું. ત્યાર બાદ  અનેક દવાઓ કરવા છતાં માતૃત્વ ધારણ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી હતી. માટે મારા ગાયનેક તબીબે મને ગર્ભાશયમાંથી પીસીઓડી ડ્રિલ કરવા માટે એન્ડોસ્કોપીની સલાહ આપી. દૂરબિનની મદદથી મારા  ગર્ભાશયમાંથી પીસીઓડીને ડ્રિલ કરવામાં આવ્યા. આ પ્રક્રિયા બાદ મને કુદરતી માતૃત્વ ધારણ થયું અને મે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.

પીસીઓડીના મુખ્ય લક્ષણો

પીસીઓડીના લક્ષણો વ્યક્તિગત અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય લક્ષણો લગભગ સરખા જ હો છે.

  • અનિયમિત માસિકઃ લાંબા ગાળા સુધી માસિક ધર્મ ન થવો, ખુબ ઓછા અથવા વધારે રક્તસ્ત્રાવ થવો.
  • વધારે વજનઃ ખાસ કરીને પેટ અને કમરના ભાગમાં ચરબી જમા થવી.
  • ચામડી અને વાળ સંબંધિત સમસ્યાઓઃ ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં વધુ વાળ ઉગવા. માથાના વાળ પાતળા થવા, ઓઈલી સ્કીન થવી કે ચહેરા પર ખીલ થવા.

આ ઉપરાંત ઇન્સુલિન પ્રતિકાર, જે ડાયાબિટીસનું જોખમ વધારે છે. ગર્ભધારણમાં મુશ્કેલી થાય, ડિપ્રેશન અને ચિંડીયાપણું પણ પીડીઓસીના મહત્વના લક્ષણોમાં એક છે.

આ રીતે દૂર કરી શકાય પીસીઓડી

પીસીઓડીના દર્દી એની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને આ બીમારીથી છુટકારો મેળવી શકે છે. એને દવાઓ દ્વારા પણ કંટ્રોલ કરી શકાય છે, પરંતુ શારીરિક વર્કઆઉટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિનચર્યામાં યોગ અને એક્સરસાઈઝનો સમાવેશ કરવો જરૂરી છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. નફીસા ગુગરમાન કહે છે કે, મારા ત્યાં નિયમિત અનેક મહિલાઓ આવે છે. જે પીસીઓડીને લગતી સમસ્યાઓ કહે છે. ખાસ કરીને જો માસિક ધર્મ અનિયમિત હોય, વજન ઝડપથી વધી રહ્યું હોય, ચહેરા પર વધારે વાળ આવી રહ્યા હોય, અથવા ગર્ભધારણમાં મુશ્કેલી આવી રહી હોય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આવી માહિતીને ધ્યાનમાં રાખીને પીસીઓડીને યોગ્ય રીતે નિયંત્રણ કરી શકાય છે. ટૂંકમાં જો પીસીઓડીના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જઈને તપાસ કરાવો. ડોક્ટર અલગ-અલગ ટેસ્ટ કરીને એનું નિવારણ લાવવામાં મદદ કરે છે. છે.

પીસીઓડીથી પીડિત ટીનેજ અને મહિલાઓએ લીલા પાંદડાવાળા શાકભાજી, પ્રોટીનયુક્ત આહાર, થોડું-થોડું ભોજન, યોગ અને ધ્યાન, નિયમિત કસરત, ફળ-શાકભાજીનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને વજન નિયંત્રણમાં રહે એ પણ જરૂરી છે. જેની માટે  હેલ્ધી સ્નેક્સ લેવા, સોફ્ટ ડ્રિંક ટાળો, હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો, કેક-કૂકીઝ-ચોકલેટ-મીઠાઈ ટાળો, રિફાઈન્ડ લોટ-સોજી ટાળો, અને રોજ 30 ગ્રામ ફાઇબર સેવન કરીને લક્ષણોને કંટ્રોલ કરી શકાય છે.

હેતલ રાવ