વાત માણસોથી મગરને બચાવતા ‘ક્રોકોડાઈલ મેન’ વિશાલ ઠાકુરની

‘માણસ પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને એ હદ સુધી નુક્સાન પહોંચાડે છે કે તે ઘણાં જીવોના અસ્તિત્વને જોખમમાં મૂકી દે છે. આથી મેં માણસજાત સાથે માથાં ફોડવાના બદલે નિર્દોષ જીવોને બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે…’ આ શબ્દો છે વડોદરામાં ક્રોકોડાઈલ રેક્સ્કૂયર તરીકે જાણીતા વિશાલ ઠાકુરના. અમારા ‘દીવાદાંડી’ વિભાગમાં આજે અમે વિશાલ ઠાકુર સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો કે, શા માટે વડોદરામાં છાશવારે મગરો રસ્તા પર ઉતરી આવે છે? તેમને કઈ રીતે રેસ્ક્યૂ કરવામાં આવે છે અને મગરથી માણસને તેમજ માણસથી મગરને કેવાં પ્રકારના જોખમો રહેલાં છે? સાથે જ એમના જીવનમાં મગર કેવી રીતે આવ્યો અને અત્યારે કેટલું મહત્વ છે?

છેલ્લાં 25 વર્ષથી વડોદરામાં મગર રેસ્ક્યૂનું કામ કરતા વિશાલભાઇ મગરમચ્છના હરતા-ફરતા એનસાઇક્લોપીડિયા તરીકે પ્રખ્યાત છે. મગર પકડવાની શરૂઆત કેવી રીતે કરી એ વિશે વાત કરતાં વિશાલભાઈ કહે છે, ‘હું જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે શાળામાંથી અમને NCCના કેમ્પમાં લઈ ગયા હતા. ત્યાં સ્નેક શૉ રાખવામાં આવ્યો હતો. સ્નેક શૉવાળા ભાઈ મારી પાસે સાપ લઈને આવ્યા અને મને કહ્યું કે તમે પણ આ સાપને સ્પર્શ કરી શકો છો. જેમાં મેં પહેલીવાર એક સાપને હાથ અડાડ્યો અને મને એ એટલું ગમ્યું કે ત્યારે જ નક્કી કરી લીધું હતું કે મારે આ ફિલ્ડમાં જ આગળ વધવું છે. પણ મારા માતાએ મને કહ્યું હતું કે તારે જે કરવું હોય તે કર પરંતુ એકવાર ધોરણ-10 પાસ કરી લે. પછી તને જેમાં રસ હોય એ કામ કરજે. ધોરણ-10 પાસ કરી હું એક NGO સાથે જોડાયો.

શરૂઆત ડોમેસ્ટિક પ્રાણીઓના રેસ્ક્યૂથી કરી. ત્યારબાદ પ્રાણીઓ સાથે જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી તેને અટકાવવા માટેનું કામ કર્યું. ધીમે-ધીમે બિનઝેરી સાપોનું રેસક્યૂ કરતો થયો. મારા જીવનમાં મેં 17 વર્ષની ઉંમરે સૌપ્રથમ વખત સાડા નવ ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. પછી તો જ્યાં ક્યાંય મગર દેખાય ત્યાં પકડવા જતો. મને થયું કે મારે મગરને ખરેખર જાણવા છે. એ એની મૂળ જગ્યાએ કેવા હોય, કઇ રીતે રહે છે. બસ, હું નદી કિનારે બેસવા માંડ્યો, કલાકો, દિવસો, રાતો સુધી હું બેસતો અને મગરની દુનિયા સમજ્યો. ત્યારથી છેલ્લાં 25 વર્ષથી હું મગર સાથે જોડાયેલો છું.’

વિશાલભાઈનું કહેવું છે કે, “વર્ષ 2019માં વડોદરામાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આ વર્ષે માત્ર સાડા નવ ઇંચ વરસાદમાં શહેરમાં 2019 કરતાં પણ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્રણ દિવસ સુધી મોટભાગના લોકો શહેરમાં કેદ રહ્યાં, બે-બે દિવસ સુધી પીવાના પાણી વગર રહ્યા, હોસ્ટેલમાં રહેતાં છોકરા-છોકરીઓ જમ્યા વગર રહ્યા. સાડા નવ ઇંચ વરસાદમાં વડોદરા શહેરની આ દશા ન થવી જોઈએ. આ પાછળનું કારણ જે નેચરલ સ્પંજ (શહેરના જે માટીવાળા ભાગ હોય તેને નેચરલ સ્પંજ કહેવાય) કે જે પાણીને શોષીને જમીનમાં ઉતારે તે ધીમે-ધીમે ગાયબ થઈ રહ્યા છે.

શહેરમાં જ્યાં જુઓ ત્યાં ડામર જ ડામરના રોડ, RCCના રોડ, બ્લોક્સ નાખી દેવામાં આવ્યા છે. જેથી પાણી જમીનમાં ઉતરતું જ નથી. પાણીનું જમીનમાં ઉતરવું ખુબ જ જરૂરી છે. વિકાસ પર્યાવરણને નુક્સાન પહોંચાડીને તો ન જ કરી શકાય. નદીના પટથી ઓછામાં ઓછા 5 કિલોમીટર દૂર કોઈપણ પ્રકારનું બાંધકામ થવું જોઈએ તેવો નિયમ છે. પરંતુ અત્યારે આપણે વિકાસના નામે નદી કિનારે જ નહીં ઘણી જગ્યાએ તો નદીઓની જમીન પચાવીને બાંધકામ કરી દેવામાં આવે છે. જેનું પરિણામ આખરે માણસે જ ભોગવવું પડે છે. આથી જ્યાં સુધી પર્યવારણને લગતા મજબૂત કાયદાઓ બનાવવામાં નહીં આવે ત્યાં સુધી કુદરત એક અથવા બીજી રીતે માણસને પાઠ ભણાવતી રહેશે.”

મગર નદીમાંથી બહાર આવે છે તેનું કારણ સમજાવતા વિશાલભાઈ કહે છે, મગર એકદમ નિર્દોષ જીવ છે. એને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે પાણીના વહેણ એકદમ ફોર્સવાળા બની જાય છે. પરિણામે પાણીનો કરંટ વધી જાય છે. મગર સામાન્ય રીતે તડકામાંથી એનર્જી મેળવે છે. ચોમાસામાં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ મગરોને મળતો નથી. વાદળછાયા વાતાવરણમાં લાંબા સમય સુધી મગરોને એનર્જી મળતી નથી. પૂર સમયે પાણીના ફોર્સવાળા કરંટને કારણે મગરોની વધારે અનેર્જી વપરાય છે. સામે લાંબા સમયથી એનર્જી મળી હોતી નથી. આથી મગરો જ્યાં ઓછો કરંટ હોય તેવા પાણીમાં જતા રહે છે. એટલે કે પૂરના પાણી સાથે તણાય જાય છે. પરિણામે રહેઠાણવાળા એરિયામાં પહોંચી જાય છે. પાણી ઓસરતા મગરો દેખાવાના શરૂ થાય છે.

મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાય જાય છે કે મગર તેમના પર હુમલો કરશે અથવા તો તેમને ખાય જશે. પરંતુ વાસ્તવમાં માણસો ક્યારેય મગરનો ખોરાક હોતા જ નથી. તેઓ તો માત્ર પોતાનો બચાવ કરવા માટે થઈને જ માણસો પર હુમલો કરે છે. બાકી નદીના પટમાં પડેલા મગરની તમે એકદમ નજીક પણ પહોંચી જાઓ તો તેમને કંઈ ફરક પડતો નથી. મગર અનુસૂચિ-1નું પ્રાણી છે. મગર ઉપરાંત દીપડા, સિંહ, હાથી, વાઘ વગેરે પણ આ સૂચિમાં આવે છે. જેમનું સરકારી આંકડા પ્રામણે દર પાંચ વર્ષે વસ્તી ગણતરી થી હોય છે. વનવિભાગની છેલ્લે જે વિશ્વામિત્રી નદીમાં ગણતરી થઈ છે એ  પ્રમાણે હાલ નદીમાં અંદાજે 400 જેટલાં મગર રહે છે.

વિશાલભાઈ વડોદરામાં પોતાની NGO ચલાવે છે. પૂર કે ઈમરજન્સી પરિસ્થિતિમાં રેસ્ક્યૂ કરવા માટે જાય છે. એ સિવાય હ્યુમન-એનિમલ કોન્ફ્લિક્ટની પરિસ્થિતિ પર કામ કરે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક લોકો સાથે મળીને આ વિષય પર કામ કરી રહ્યા છે. પ્રાણીઓ પ્રત્યે સંવેદના જગાડવા અવેરનેસનું કામ કરે છે. પર્યાવરણને લગતા  કેમ્પ પણ કરે છે. જો કે એમની આ પ્રવૃત્તિના કારણે અત્યારે તો એ વિશાલભાઈ મગરવાળા તરીકે જ વધારે ઓળખાય છે!

(રાધિકા રાઓલ – અમદાવાદ)