આ મહાદેવ વડનગરના હૃદયમાં વસેલા છે!

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક વડનગર શહેરમાં સનાતન હિન્દુ ધર્મ, જૈન અને બૌદ્ધ ધર્મના અનેક અવશેષો આજે પણ સંઘર્ષના સંઘર્ષના સાક્ષી બનીને ઉભા છે. આવા પાવન શહેરમાં આવેલું હાટકેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું સ્થળ જ નહીં, પણ ભારતની પ્રાચીન શિલ્પકલા અને ધર્મવિહંગ અવલોકન કરવાની અદ્વિતીય જગ્યા પણ છે.

કહેવાય છે કે આ મંદિર નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવનું મૂળ સ્થાનક છે. સાથે જ સમગ્ર સમાજ માટે આ સ્થળ આસ્થાનું જીવંત પ્રતિક પણ છે. મંદિરની સ્થાપત્યરચના અત્યંત વિભિન્ન અને સુંદર છે. જેમાં તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગારચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સૂક્ષ્મ શિલ્પો અને અભિપ્રેરક દ્રશ્યો સાથે અલંકૃત છે. મંદિરના મંડોવર, પીઠ, મંડપ તથા શૃંગારચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિક્પાલો, દેવદેવીઓ, કૃષ્ણ અને પાંડવોના જીવનપ્રસંગો પણ કોતરાયેલા છે.

વિશેષ શિલ્પમાં મત્સ્યાવતાર વિષ્ણુનું અદભુત શિલ્પ મુખ્ય આકર્ષણ છે. માથાથી જંઘા સુધીનો ભાગ મનુષ્યાકાર અને એનાથી નીચેનો ભાગ મત્સ્યાકાર છે. ચાર હાથ ધરાવતા વિષ્ણુ ભગવાનના ઉપરના જમણા હાથમાં ગદા, ડાબામાં ચક્ર, જ્યારે નીચેના જમણા હાથમાં શંખ અને ડાબા હાથમાં પદ્મ જોવા મળે છે. સૌથી ભાવનિક દ્રશ્ય એ છે કે, વિષ્ણુ ભગવાન શંખયુક્ત હાથથી નીચે હાથ જોડીને બેઠેલા ભક્તને વરદાનરૂપે સ્પર્શ કરે છે. સભામંડપ અને શૃંગાર-ચોકીઓ ઘુંમટ વડે ઢાંકેલાં છે. ગર્ભગૃહની ઉપરનું શિખર દરેક બાજુએ ત્રણ ત્રણ ઉરુશુંગો ધરાવે છે. જયારે મંદિરના પરિસરમાં અનેક નાનીમોટી દેરીઓ જોવા મળે છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર પણ થયો છે. સામાન્ય રીતે ગામનું મુખ્ય મંદિર ગામની અંદર આવેલું હોય, પરંતુ આ મંદિર ગામની બહાર છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)