ગુજરાતી લોકો ફરવા અને ખાવાના ખુબજ શોખીન હોય છે. વેકેશન પડે કે તરત જ ટુર પર નીકળી પડે, ક્યાંક પહાડ, ક્યાંક ધર્મસ્થળ તો ક્યાંક દરિયો! ખાસ કરીને જ્યારે ગરમીના દિવસો શરૂ થાય ત્યારે દરિયા કિનારે શાંતિ અને ઠંડક માણવાની ઈચ્છા થવી તો સ્વાભાવિક છે. આ જ સમયે બીચ લવર, ગોવા, કેરળ, બાલી કે થાઈલેન્ડ જેવી જગ્યાએ જવાની વાતો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એ બધાને ટક્કર આપે એવા દરિયાકાંઠા ગુજરાતમાં પણ છે?
હા, આ વાત બિલકુલ સાચી છે! ગુજરાતમાં એવા ઘણા સુંદર બીચ છે, જ્યાં કુદરતના ખોળામાં શાંતિથી સમય વિતાવી શકાય, એ પણ ઓછા બજેટમાં! સૂર્યાસ્ત જોઈને મન મોહી જાય, રેતી પર પગલાં મૂકી જીવનના તણાવ દૂર થઈ જાય, આવી શાંતિભરી ક્ષણ માટે દૂર જવાની જરૂર નથી. બસ, થોડી પેકિંગ કરો, મિત્રો કે પરીવારને બોલાવો અને નિકળી પડો ગુજરાતના ખાસ બીચની સફર પર…
અહીં ગુજરાતી સમુદ્ર કાંઠાના એવા દસ ખાસ બીચ વિશે જણાવીશું, જે તમારી નેક્સ્ટ ટ્રિપ માટે પરફેક્ટ ડેસ્ટિનેશન બની શકે છે.
ગોપનાથ બીચ, ભાવનગર
ગોપનાથનું બીચ માત્ર કુદરતી દ્રશ્યોથી જ નહીં, પરંતુ એના ઇતિહાસ અને આધ્યાત્મિકતાથી પણ પ્રસિદ્ધ છે. અહીં ગોહિલવાડના રાજવી પરિવારનો ભૂતપૂર્વ કિલ્લો આવેલો છે. શિવભક્તિ માટે પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવનું મંદિર, નજીકનું તળાજા જૈન મંદિર અને વિશ્વપ્રસિદ્ધ અલંગ શિપ યાર્ડ પણ અહીંના ખાસ આકર્ષણો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાથી લગભગ 22 કિમી અને ભાવનગર શહેરથી 75 કિમી દૂર આવેલો આ સુંદર બીચ ખંભાતના અખાતના તટ પર વસેલો છે. અહીંના દરિયાકાંઠે ચૂનાના પથ્થરીલા ખડકો અને લીલુંછમ હરિયાળું વાતાવરણ જોવા મળે છે, જે પ્રવાસીઓને શાંતિ અને સૌંદર્ય બંનેનો આનંદ આપે છે. લોકવાયકા પ્રમાણે ભક્તકવિ નરસિંહ મહેતાએ ગૃહત્યાગ કર્યા પછી અહીં આવીને શિવની આરાધના કરી હતી. ત્યારબાદ એમને શ્રીકૃષ્ણના દર્શન થયા હતા. જો સુરક્ષાની વાત કરીએ તો અહીં દરિયામાં ભારે મોજા ઉછળે છે માટે અહીં નાહવું કે તળવું સલામત નથી. પરંતુ બીચ પર બેઠા બેઠા દરિયાની લહેરોની ધ્વનિ સાંભળવી અને શાંત વાતાવરણનો અનુભવ લેવો એ પણ એક અનોખી મજા છે!
સોમનાથ
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં સ્થિત સોમનાથ મંદિર, જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ તરીકે ઓળખાય છે, આ મંદિર જેટલું પવિત્ર છે, એટલો જ સુંદર એની આસપાસનો દરિયા કિનારો છે. આ બીચ એવા સ્થળે આવેલો છે જ્યાં અરબી સમુદ્રના મોજા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પડતા હોય એવું અનુભવાય છે. મંદિરના પાશ્વભાગે આવેલા આ બીચ પર રોજ હજારો યાત્રાળુ દર્શન બાદ શાંત પળો પસાર કરવા આવે છે. અહીં તમને દૂર સુધી પહોળો ફેલાયેલો દરિયો, એમાં ઉછળતા સફેદ મોજાં અને ખુલ્લું આકાશ એક અલૌકિક અનુભવ આપે છે. જો તમે ફોટોગ્રાફી કે સૂર્યાસ્તના શોખીન હોવ, તો સોમનાથ બીચ પરનો સૂર્યાસ્તનો નજારો નિહાળવો એક ઔલોકિક લહાવો છે. પણ સુરક્ષાના કારણે દરિયા કિનારે જઈ શકાતું નથી.
શિવરાજપુર બીચ, દ્ધારકા
ગુજરાતના સૌથી આકર્ષક અને પ્રસિદ્ધ બીચોમાં જેનો સમાવેશ થાય છે એ છે શિવરાજપુર બીચ. આ બીચ બ્લુ ફ્લેગ માન્યતા ધરાવે છે. જેના કારણે એ બીચ ભારતના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં સામેલ છે. દ્વારકા શહેરથી માત્ર 12 કિલોમીટર દૂર, દ્વારકા-ઓખા હાઈવે પર આવેલો આ બીચ, પ્રવાસીઓ માટે લોકપ્રિય સ્થળ છે. પરિવાર સાથે વેકેશન માણવા, બાળકો સાથે આનંદદાયક સમય વિતાવવા અને પ્રકૃતિની નિકટતા અનુભવવા માટે આ બીચ એક અનુપમ સ્થળ છે. શિવરાજપુર બીચનો નૈસર્ગિક સૌંદર્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનો શાંત દરિયો, લહેરાતા મોજાં, નરમ રેતાળ કિનારો અને ખુલ્લું આકાશ દરેક મુલાકાતીને શાંતિ અને આનંદનો અનુભવ આપે છે. આ ઉપરાંત, ડોલ્ફિન્સ અને રંગબેરંગી પક્ષીઓની ઝલક આ બીચને વધુ ખાસ બનાવે છે. અહીં સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ, અને આઇલેન્ડ ટૂરની પણ મજા માણી શકો છો.
માધવપુર બીચ, ચોપાટી બીચ, પોરબંદર
ગુજરાતના સૌથી સુંદર બીચોમાંથી એક છે, માધવપુર બીચ. પોરબંદરથી 58 કિમી અને જૂનાગઢની નજીક આવેલો આ બીચ એના શાંત વાતાવરણ અને નાળિયેરના વૃક્ષોથી ઘેરાયેલા મનોહર દૃશ્યો માટે જાણીતો છે.
જ્યારે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં આવેલું ચોપાટી બીચ દેશના સૌથી સ્વચ્છ બીચોમાંથી એક છે. અમદાવાદથી લગભગ 394 કિમી દૂર આવેલો આ બીચ પારિવારિક વેકેશન માટે ઉત્તમ સ્થળ છે. શાંત અને સ્વચ્છ વાતાવરણ ઉપરાંત, પોરબંદરની મુલાકાત દરમિયાન પ્રવાસીઓ ગાંધીજીના નિવાસસ્થાન કીર્તિ મંદિરની પણ મુલાકાત લઈ શકે છે, જે આ બીચને સાંસ્કૃતિક અને પ્રાકૃતિક આકર્ષણનું સંગમ બનાવે છે.
તિથલ બીચ, વલસાડ
વલસાડ શહેરની પશ્ચિમે 4 કિલોમીટર દૂર આવેલો બીચ તિથલ બીચ તરીકે ઓળખાય છે. આ બીચની ખાસિયત એની કાળી રેતી છે, જે પ્રવાસીઓ માટે એક આકર્ષણ છે. દક્ષિણ ગુજરાતમાં વીકએન્ડમાં ફરવા માટેનું માટે આ બેસ્ટ સ્થળ છે. તિથલ બીચ ઉપરાંત અહીંના બે મંદિરો પણ પ્રવાસીઓ માટે આસ્થાનું સ્થાન છે. શ્રી સાંઈ બાબા મંદિર, જે મુખ્ય બીચથી 1.5 કિમી દક્ષિણમાં છે અને શ્રી સ્વામી નારાયણ મંદિર, જે મુખ્ય બીચથી 1.6 કિમી ઉત્તરમાં છે. બંને મંદિરોમાંથી અરબી સમુદ્ર જોઈ શકાય છે.
ચોરવાડ
ચોરવાડ સોમનાથથી લગભગ 37 કિલોમીટર દૂર આવેલો દરિયા કિનારો છે. અહીં તરવા અને નહાવા માટેની મનાઈ છે. પરંતુ આ સ્થળની શાંતિ અને દરિયાના મોજાનો અવાજ માનસિક શાંતિ અને મેડિટેશનનો અનુભવ આપે છે. સોમનાથના દર્શન બાદ આરામદાયક પળો વિતાવવાની ઈચ્છા હોય તો, ચોરવાડનો દરિયાકાંઠો એક ઉત્તમ પસંદગી છે. અહીં રહેવા માટે ખાસ કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી, પરંતુ દરિયા કિનારે મુકવામાં આવેલા બાંકડા પર બેસીને લહેરોનો આનંદ માણી શકો છો. ચોરવાડના દરિયાકાંઠે જુનાગઢના નવાબનો મહેલ પણ આવેલો છે, જે આ સ્થળના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. અહીં નાળિયેલ પાણી પણ ખુબ સરસ મળે છે. માટે જો સોમનાથની મુલાકાત દરમિયાન અહીં થોડી ક્ષણો માણીને ચોક્કસથી તમારા પ્રવાસને વધુ આનંદદાયક બનાવી શકો છો.
માંડવી બીચ
પ્રાચીન સમયમાં ભારતના વ્યસ્ત અને મહત્વપૂર્ણ બંદરોમાંનું એક એટલે માંડવી. જે કચ્છ જિલ્લાની દક્ષિણ ભાગમાં આવેલો છે, એની સોનેરી અને ભૂરા રેતીના કિનારાના કારણે પર્યટકોમાં હંમેશા એક આકર્ષણ રહ્યું છે. આ બીચ ભુજના દક્ષિણ ભાગે ઐતિહાસિક વિસ્તારમાં આવેલો છે. આ શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં આજે પણ પૂર્વ વાણિજ્યિક પ્રવૃત્તિઓના પુરાવા તરીકે કિલ્લાની દિવાલો જોવા મળે છે. માંડવી બીચ એ એક શ્રેષ્ઠ સ્થાન છે જ્યાં પર્યટક દરિયા કિનારે આરામથી સમય વિતાવી શકે છે અને કચ્છના ઐતિહાસિક અને આલોકિક સૌંદર્યનો આનંદ માણી શકે છે.
ડુમસ બીચ
ડુમસ બીચ, જે હોન્ટેડ બીચ તરીકે પણ જાણીતો છે. સુરત શહેરથી 21 કિમીના અંતરે અરબી સમુદ્રના કિનારે આવેલા આ બીચની રેતી સફેદ નથી પરંતુ કાળી છે. જે એને અન્ય બીચોથી ભિન્ન બનાવે છે. બીચની નજીક ગણેશજીનું મંદિર પણ આવેલું છે, જે આ સ્થળની ધાર્મિક જાગૃતિને પ્રગટ કરે છે. આ બીચ પર ખાણીપીણી માટે અનેક દુકાનો પણ છે. પરિવાર અને મિત્રો સાથે એક શાંત અને મનોરંજક વેકેશન માટે આ બીચ એ એક સારો વિકલ્પ છે. દરિયાકિનારે આરામથી ચાલવું, લહેરોથી રમવું, અને આસપાસના સુંદર દૃશ્યને માણવું એ અહીં આવતા દરેક પ્રવાસીનો અનુભવું છે. ડુમસ બીચ એ એક સારો હોલિડે પોઈન્ટ છે.
બાલચડી બીચ, જામનગર
જામનગરથી 28 કિ.મી. દૂર આવેલો બાલાછડી બીચ એની સ્વચ્છતા અને શાંતિ માટે જાણીતો છે. ખાસ કરીને પૂર્ણિમાની રાતે દરિયામાં પડતી ચાંદનીનો નજારો અદભૂત લાગે છે. આ બીચ સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ઇ.સ. 1942માં પોલેન્ડના લગભગ 1 હજાર બાળકો અને 40 મહિલાઓને આશરો આપવો પડ્યો હતો. જ્યારે બાહ્ય દેશો અને બ્રિટિશ શાસકો એ એમને શરણ આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી જાડેજાએ બાલાચડીમાં એમને સ્નેહથી આશરો આપ્યો. મહારાજાએ રહેવા-ખાવાની સાથે, એમની ભાષા અને ધર્મપ્રથાઓના સંરક્ષણ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી. હાલ આ સ્થળે રાષ્ટ્રીય સૈનિક શાળા આવેલી છે, પણ બાલાચડીની માટી એ માનવતાના ઊંડા સંદેશ સાથે સજેલી છે. મહારાજાના આ મહાન યોગદાન માટે પોલેન્ડની રાજધાની વોર્સામાં એમની યાદમાં એક ચોકનું નામ ‘ગુડ મહારાજા સ્ક્વેર’ રાખવામાં આવ્યું છે.
દીવ
ગુજરાતનો સૌથી જાણીતો બીચ કોઈ હોય તો એ છે દીવ. અહીં અનેક બીચ આવેલા છે જેમ કે નાગોઆ બીચ, ધોધલા બીચ અને જલંદર બીચ સૌથી વધુ પ્રખ્યાત છે. અહીં પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ અને સ્પીડ બોટ, સ્કુબા ડાઈવિંગ, બનાના બુટ જેવી અનેક રાઇડની મજા લઈ શકાય છે. દીવમાં ડાયનોસોર મ્યુઝિયમ, સી સેલ મ્યુઝિયમ, સેન્ટ પોલ ચર્ચ, સેન્ટ થોમસ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ, નાયડા કેવ ગુફા, દીવ કિલ્લો પણ જોવાલાયક છે. ઘોઘલા બીચ દીવની સુંદરતા અને શાંતિ એ દરિયાકિનારા પર કોઈ અલગ જ અનુભૂતિનું સર્જન કરે છે.
હેતલ રાવ
