આ દેશો વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ધરાવે છે!

વિશ્વમાં ચીન, ભારત , રશિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રલિયા, અમેરિકા જેવા વસ્તી ધરાવતા દેશો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. મોટી વસ્તી ધરાવતા દેશોની સમસ્યાઓ પણ ઘણી ચર્ચાઓ થાય છે, પણ તમે ક્યારેય એવા દેશો વિશે સાંભળ્યું છે, જેની વસ્તી તમે કેલ્યુલેટરની મદદ વિના ય ગણી શકો? હા, આવા ટચૂકડા દેશોની પણ એક દુનિયા છે. એમની વસ્તી ઓછી છે, પણ એનાથી વિશ્વના નકશા પર એમનું મહત્વ ઓછું થતું નથી.

 

કોઇ દેશ એના પ્રવાસન માટે જાણીતો છે તો કોઇ દેશ એની સંસ્કૃતિ માટે. કોઇ દેશ એના ભૂગોળ માટે જાણીતો છે તો કોઇ દેશ એની પ્રજાના વિશેષ લક્ષણો માટે. જે હોય તે, પણ ઘડીકવાર માટે મોટી વસ્તીવાળા દેશોની મોટી સમસ્યાઓ ભૂલીને આ ટચૂકડા દેશોની દુનિયામાં ડોકિયું કરવા જેવું છે! આવો, જોઇએ એવા ક્યા દેશો છે, જેમની વસ્તી સૌથી ઓછી છે?

વેટિકન સિટી (વસ્તીઃ800)

 

ઓછી વસ્તી ધરાવતા દેશોના લીસ્ટમાં સૌથી પ્રથમ વેટિકન સિટી છે. આ દુનિયાનો સૌથી નાનો દેશ છે. જેની વસ્તી માત્ર 800 જ છે. એનું ક્ષેત્રફળ 44 હેક્ટર (108.7 એકર) છે. આ દેશ ઈટલીના રોમની અંદર આવેલો છે. અહીં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. કોઈ નાઇટક્લબ અને બાર પણ નથી. જો કે આ દેશની પોતાની સેના પણ છે. મુખ્યત્વે તો એ ખ્રિસ્તી ધર્મનું વડુંમથક છે, જ્યાં પોપ રહે છે.

ટોકેલાઉ(વસ્તીઃ1500)

 

ટોકેલાઉ (Tokelau) એક નાનકડો દરિયાઈ દેશ છે જે પોલિનેશિયનની પ્રાચીન સંસ્કૃતિને સંરક્ષિત કરે છે. આ દેશની પોતાની કોઈ જમીનની સરહદો નથી. હકીકતમાં ટોકેલાઉ દક્ષિણ પેસિફિક મહાસાગર માં આવેલા એક નાના દ્વીપનો સમૂહ છે આ દેશનો વહીવટ ન્યૂઝીલેન્ડ હસ્તક છે. નુકુઅલોફા, ફકાવે અને જીટિસ્ટો એમ ત્રણ ટાપુ ધરાવતા આ દેશની વસ્તી માત્ર 1500ની છે. આ દેશની મુલાકાત માટે અનેક પ્રવાસીઓ આવે છે એટલે પ્રવાસનસ્થળ તરીકે વધારે ઓળખાય છે.

નૌરુ (10,800)

 

નૌરુ વિશ્વનો ત્રીજો સૌથી નાનો દેશ છે.  અહીંની વસ્તી 10,800ની છે. આ દેશનો વિસ્તાર ફક્ત 21 કિ.મી.નો જ છે. આ દેશ પેસિફિક મહાસાગરમાં આવેલું એક નાનું દ્વીપ રાષ્ટ્ર છે. જેની નજીક ઉત્તર-પૂર્વમાં કિરિબાટી, પૂર્વમાં ટુવાલુ ,દક્ષિણમાં સોલોમન દ્વીપસમૂહ અને પશ્ચિમમાં પાપુઆ ન્યૂ ગિની દ્રીપ આવેલા છે. નોંધનીય બાબત એ છે કે અહીં સોમાલિયા, અફઘાનિસ્તાન કરતાં પણ ઓછા પ્રવાસીઓ આવે છે. જોકે અહીંના લોકો મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે જાણીતા છે.

તુવાલુઃ(11,600)

 

અહીંની વસ્તી માત્ર 11,600 છે. આ ટાપુ દેશનું ક્ષેત્રફળ ફક્ત 26 ચોરસ કિલોમીટરનું છે. હવાઈ  અને ઑસ્ટ્રેલિયા વચ્ચે દક્ષિણ પેસિફિકમાં આવેલો આ દેશ આઠ દ્વીપોનો સમૂહ છે અને એની આસપાસના વિસ્તારો ટાપુઓથી ઘેરાયેલા છે. નિષ્ણાતોના કહ્યા પ્રમાણે જ્યારે સમુદ્ધનું સ્તર વધશે ત્યારે અદૃશ્ય થનાર વિશ્વનો આ પ્રથમ દેશ બની શકે છે. જો કે આ દેશ પણ વિશ્વના સહેલાણીઓની હરવાફરવા માટેની પહેલી પસંદ છે.

પાલાઉઃ(18000)

 

ફોટોગ્રાફી માટે જાણીતા પાલાઉ દેશની વસ્તી 18000 છે. દરિયાકિનારાનો આનંદ માણનારા લોકો માટે આ દેશ બેસ્ટ ડેસ્ટિનેશન પણ કહેવાય છે. માઈક્રોનેશિયા પ્રદેશમાં આવેલા પાલાઉ અમેરિકાથી મળતી આર્થિક મદદ પર નિર્ભર છે. આ દેશના લોકો જૂની આદિવાસી પરંપરાઓમાં વિશ્વાસ રાખે છે, જેમાં કુટુંબ, સમાજ, અને માનવતાના મૂલ્યો મહત્વપૂર્ણ છે. પાલાઉની સંસ્કૃતિ એને એની ધરતી, પરંપરાઓ અને સ્થાનિક જીવનશૈલીની વિશિષ્ટ ઓળખ આપે છે.

સેન મેરિનોઃ(34000)

 

સેન મેરિનો યુરોપમાં આવેલો એક નાનો દેશ છે. એની આસપાસના વિસ્તારનો સમાવેશ  ઈટાલીમાં થાય છે. આ દેશની રાજધાની પણ સેન મેરિનો નામે જ ઓળખાય છે. વિશ્વના સૌથી જૂના પ્રજાસત્તાક દેશ તરીકે એ ઓળખ ધરાવે છે. એની વસ્તી 34000 છે. મહત્વની વાત તો એ છે કે સેન મેરિનોની ગણના વિશ્વના સૌથી ધનિક દેશોમાં પણ થાય છે. આ દેશની નાની-નાની ગલીઓથી લઇને અહીંના પર્વતની ટોચ પર સ્થિત ટાવર્સ જોવા જેવા છે.

લિક્ટેનસ્ટેઇનઃ (40,000)

 

સૌથી ઓછી બેરોજગારી દર ધરાવતો આ દેશ ખૂબ રૂઢીચુસ્ત છે. 40 હજારની વસ્તી ધરાવતો આ દેશ યુરોપનો છેલ્લો દેશ હતો, જ્યાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો. લિક્ટેનસ્ટેઇન કેન્દ્રીય યુરોપમાં સ્થિત છે, જેમાં પૂર્વમાં ઓસ્ટ્રિયા અને પશ્ચિમમાં સ્વિટ્ઝર્લેન્ડની સરહદ છે. લિક્ટેનસ્ટેઇનનું અર્થતંત્ર ઉદ્યોગ, સેવાઓ, અને નાણાકીય સેક્ટર પર આધાર રાખે છે. આ દેશના વિકાસમાં મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, અને નાણાકીય સેવાઓનો મહત્વનો ભાગ છે. જેના કારણે અતિશય સમૃદ્ધ દેશોમાં એનું નામ છે.

મોનાકોઃ(39000)

 

મોનાકો  પશ્ચિમ યુરોપમાં આવેલું એક નાનું સ્વતંત્ર રાજ્ય છે. મેડિટેરેનિયન સમુદ્રના કિનારે સ્થિત મોનાકોની ઉત્તર, પશ્ચિમ અને પૂર્વમાં ફ્રાંસના વિસ્તારનો સમાવેશ થાય છે. આ દેશમાં ફક્ત 39 હજાર લોકો રહે છે. વિશ્વના સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશોમાં આઠમું સ્થાન ધરાવે છે. નોંધનીય બાબત એ છે કે વિશ્વની સૌથી અલગ ફોર્મ્યુલા વન રેસ (Formula One race) દર વર્ષે અહીં યોજવામાં આવે છે. જે મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ તરીકે ઓળખાય છે.  1929 થી ફોર્મ્યુલા વન ચેમ્પિયનશિપના ભાગરૂપે આયોજિત થાય છે,  આ એફ1ની એક માત્ર ગ્રાન્ડ પ્રિક્સ છે જે શહેરના રસ્તાઓ પર યોજાય છે. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ એ ફોર્મ્યુલા વન સિઝનની એક અત્યંત લોકપ્રિય અને જુદા જ પ્રકારની  રેસ છે, જે સમગ્ર વિશ્વના ફોર્મ્યુલા વન ચાહકોને આકર્ષે છે. આ દેશ એના કેસિનો માટે પણ જાણીતું છે.

સેન્ટ કિટ્સ અને નેવિસઃ(55000)

 

આ દેશ કેરિબિયનનો ભાગ છે અને તે ઉત્તર અમેરિકાની દિશામાં આવેલા છે. અર્થવ્યવસ્થા, પર્યટન અને કૃષિ પર આધારિત સેન્ટ કિટ્સ અને નેવિસ કેરેબિયન દેશ સુંદર ટાપુ તરીકે ઓળખાય છે. 55000 લોકોની વસ્તી ધરાવતા આ દેશનો વિસ્તાર માત્ર 261 ચોરસ કિલોમીટરનો છે. ખૂબ સુંદર બીચીસ, પાણીના રમતો, રિસોર્ટ્સ, અને ઐતિહાસિક મકાન માટે સેન્ટ કિટ્સ અને નેવિસની મુલાકાત માટે પ્રવાસીઓ આવે છે.

માર્શલ આઇલેન્ડ્સઃ(60,000)

 

માઈક્રોનેશિયા પ્રદેશમાં આવેલો 29 દ્રિપસમૂહો ધરાવતો એક નાનો દેશ એટલે માર્શલ આઇલેન્ડ્સ. 60 હજારની વસ્તી ધરાવતા આ દેશનું સ્થાન  વિશ્વની સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશોમાં દસમા ક્રમે આવે છે. આ દેશમાં અમેરિકાએ 1946 થી 1958 દરમિયાન  અણુ બોમ્બના 67 પરીક્ષણો કર્યાં હતાં. જેમાં અત્યાર સુધીની સૌથી મોટું પરમાણુ પરિક્ષણ પણ શામેલ છે. જેનું કોડનેમ કેસલ બ્રાવો હતું. માર્શલ આઇલેન્ડ્સ એક નાનો પરંતુ વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ દેશ છે, કારણ કે એ પર્યટકો માટે વિશિષ્ટ ગણાય છે.

અને હા, એ જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં સીલેન્ડ નામનો પણ એક દેશ છે, જયાં ફક્ત ૨૭ લોકો વસે છે! જો કે. આ દેશને હજુ આંતરરાષ્ટ્રીયસ્તરે એક દેશ તરીકે માન્યતા મળવાની બાકી છે એટલે ઓછી વસ્તી ધરાવતા દેશોની યાદીમાંથી એનું નામ હાલ પૂરતુ બાકાત છે.

હેતલ રાવ