અ
મદાવાદ શહેરના મધ્યમાં આવેલો ભદ્ર વિસ્તાર જેમાં અનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે. જુદા જુદા શાસનકાળમાં સ્થપાયેલી ઇમારતો સ્થાપત્યનો સમુહ અનોખો ઇતિહાસ ધરાવે છે. વિક્ટોરિયા ગાર્ડનથી લાલદરવાજા બસ સ્ટેન્ડ તરફ જાઓ ત્યાં સામે જ વર્ષોથી મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમુદાય વસે છે. અહીંના ગણેશ સહિતના મંદિરોમાં લોકો ખૂબજ આસ્થા સાથે દર્શનાર્થે આવે છે. ઐતિહાસિક મંદિરોમાં અલગ જ શૈલીનું ભગવાન શ્રી કૃષ્ણનું એક મંદિર આવેલું છે.
મુસ્લિમ કલાત્મક સ્થાપત્યો વચ્ચે પેશ્વા શાસનના વહિવટદાર દીવાનજી ભવાની શિવરામને એક કૃષ્ણ મંદિર બનાવવાનો વિચાર આવ્યો. અંદાજે ત્રણસો વર્ષ પહેલાં કૃષ્ણનું અનોખું મંદિર બનાવવા અનેક લોકોને કામે લગાડ્યા. એ લોકોએ આપેલા તમામ સૂચનોમાં કૃષ્ણ કાલીનાગનું દમન કરતાં હોય એ મૂર્તિ સાથેનું મંદિર તૈયાર કરાવવાનું નક્કી કર્યું. વિશાળ સંકુલ મહેલ આકારનો દરવાજો, ગરુડજીનું સ્થાનક સાથે નાગદમન કરતી કૃષ્ણભગવાનની ધોળા કલરની મૂર્તિ તૈયાર કરાવડાવી. મોટાભાગે આ પ્રકારની ધોળા રંગની કૃષ્ણની કાલી નાગ દમન કરતી મૂર્તિ જોવા મળતી નથી. જે અહીંની વિશેષતા માનવામાં આવે છે.
પેશ્વાના દિવાનજી ભવાની શવરામે સુંદર સંકુલ સાથેનું મંદિર તૈયાર કર્યા બાદ વેંકટ ભટજીને શક સંવત 1956 માં કૃષ્ણાર્પણ કર્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




