કઈ શાળા બેસ્ટ? સરકારી કે ખાનગી?

આમ તો કોઇને પૂછીએ કે, સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાંથી કઇ સ્કૂલ સારી? તો, જવાબ લગભગ એક જ મળેઃ પ્રાઇવેટ! સરકારી શાળાની વાત આવે એટલે આપણી સમક્ષ ચોક્કસ પ્રકારનું ચિત્ર ખડું થાય.

પણ જો કોઇ તમને એમ કહે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓની સાથે અન્ય માળખાગત સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેના લીધે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે તો?

હા, એ જાણી લો કે છેલ્લા નવ વર્ષમાં 5 લાખથી વધારે વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઈનાન્સ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું છે.

શું વાત છે આ? શું કારણો છે એની પાછળ?

સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલી સુધારવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે એના પરિણામ રૂપે વાલીઓ એમના બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના શિક્ષકો શહેરના જુદા-જુદા વિસ્તારમાં જઈને બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવે એ માટે કામગીરી પણ કરી રહ્યાં છે. શાળામાં મળતી સુવિધા અને અભ્યાસ અંગે વાલીઓને જાગૃત પણ કરવામાં આવે છે. દરેક બાળક ભણે અને એ પણ સારું ભણે એવા આશય સાથે સરકાર અભ્યાસલક્ષી કાર્યક્રમો પણ કરે છે.

સરકારી શાળાઓમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદના શાસનાધિકારી ડૉ એલ. ડી. દેસાઈ કહે છેઃ “રાજય સરકારની શિક્ષણલક્ષી યોજના, સ્કોલરશીપ યોજના, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, સ્માર્ટ શાળા, હાઈટેક કોમ્પ્યુટર લેબ, સહિતની માળખાકિય સુવિધાના કારણે વાલીઓ બાળકોને સરકારી શાળામાં મુકતા થયા છે. એટલું જ નહીં રાજ્યની શાળાઓમાં આધુનિક પ્રયોગશાળા, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના સ્કોલશીપ, ઉચ્ચ લાયકાત વાળા શિક્ષકો, ઈ-લાયબ્રેરી સારુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિદ્યાર્થીઓને મળી રહે છે. રમતગમતના મેદાનો, હાઈટેક ટીચિંગ ક્લાસ, સ્કિલ ડેવલપમેન્ટ અંગને અભ્યાસક્રમ અને ખાસ કરીને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની સક્રિયતાને કારણે આ રીતનું પરિવર્તન જોવા મળ્યું છે.”

એ કહે છે, “સરકારી શાળામાં મળી રહેલા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ખાનગી શાળા કરતાં સરકારી સ્કૂલોમાં મળી રહેલી મફત સુવિધાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે. આ બધાને કારણે વાલીઓને ભરોસો થયો છે કે ખાનગી શાળાઓ કરતાં સરકારી શાળામાં એમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે.”

સૌથી મોટું કારણ માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ છે

શિક્ષણ નિષ્ણાંત મનીષ દોશી ચિત્રલેખા.કોમને કહે છેઃ “ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવવા પાછળ સૌથી મોટું કારણ માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ છે. કોરોના પછી સરકારી શાળામાં પ્રવેશ વધી રહ્યો છે. બીજી એક વાત એ પણ છે કે મધ્યમવર્ગીય પરિવારમાં બે કે ત્રણ સંતાન હોય તો બધા જ બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાનું ન પરવડે. આવા કિસ્સામાં દીકરો હોય તો એ ખાનગી શાળામાં અને દીકરીઓને સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. ઉપરાંત મોંઘવારીના કારણે પણ લોકો સરકારી શાળા તરફ વળ્યા છે. પહેલાના સમયમાં બધા સરકારી શાળામાં જ અભ્યાસ કરતા હતા. હું પોતે પણ સરકારી શાળામાં જ ભણ્યો છું. એ સમયે શિક્ષકો અને શિક્ષણ ઘણું સારું હતું. અત્યારે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરવા જાય એ આવકારદાયક તો છે, પણ સાથે મજબૂરી પણ છે. હું માનું છું મોટાભાગે બાયફોર્સ જઈ રહ્યા છે. માટે આ વ્યવસ્થા વધુ મજબૂત થાય તો વધારે સારું. માત્ર આર્થિક માપદંડ નહીં પણ ગુણવત્તાવાળું શિક્ષણ મળે એ પણ જરૂરી.”

વધુમાં એ ઉમેરે કે “આર્થિક સ્થિતિ સારી નથી એટલે સરકારી શાળામાં જવું એના બદલે સરકારી શાળાનું શિક્ષણ ઉમદા હોય એ જરૂરી છે. જો કે દરેક કિસ્સામાં મજબૂરી નથી હોતી ઘણા કિસ્સામાં સારું શિક્ષણ અને સારા શિક્ષકને લીધે સરકારી શાળાને પસંદગી મળે તો એ આવકાર દાયક બાબત છે.”

વિદ્યાસહાયક શિક્ષકો સારું કામ કરે છે

“સરકારી શાળાનું સ્તર થોડું બદલાયું છે” એમ કહેતા કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલના પ્રિન્સિપલ હેતલ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “અત્યારે જે વિદ્યાસહાયકોમાં યુવા શિક્ષકો આવ્યા છે એ ઘણું સારું કામ કરે છે. સરકાર કઇ આપે એના કરતાં શિક્ષકો જે રીતે અભ્યાસ કરાવે છે એની સારી અસર થઈ રહી છે. પહેલા જોબ સિક્યોર હતી, એક આખી પેઢી બદલાઈ ગઈ, પુસ્તકો નવા આવ્યા પણ કામ કરનાર વર્ગ જૂનો જ રહ્યો. પણ હવે નવા શિક્ષકો નવીનતા સાથે અભ્યાસ કરાવતા થયા. સરકાર સારી સગવડો અને બીજુ બધું તો પહેલેથી આપતી જ રહી છે. પરંતુ હવે એનો ઉપયોગ કરનાર વર્ગ આગળ આવ્યો છે. લાભ તો પહેલા પણ હતા અને અત્યારે પણ છે. જો કે હવે શિક્ષકો વધુ સારું કામ કરતા થયા છે. બીજું કે ખાનગી શાળાનું શિક્ષણ મોંઘું થયું સામે એ જ ફેસીલીટી મફતમાં સરકારી શાળામાં મળતી થઈ છે.”

મોંઘી ફી ભરીને જે ખાનગી શાળામાં અભ્યાસ ન મળે એ મફતમાં અહીં મળે છે

ખાનગી શાળામાંથી નવસારી જિલ્લાની રંગપુર પ્રાથમિક શાળામાં પોતાની દીકરીને પ્રવેશ અપાવનાર ફડવેલ ગામના હેમંતભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છેઃ મારી દીકરીને મે પહેલા ખાનગી શાળામાં મૂકી હતી. પરંતુ ત્યાંનો અભ્યાસ બરાબર ન હતો, બીજું શાળાના કમ્પાઉન્ડમાં ક્યાંય વૃક્ષારોપણ જેવુ પણ કઈ ન હતું. ફી લેતા હતા પરંતુ વોશરૂમની કોઈ વ્યવસ્થા ન હતી. સૌથી મોટી વાત એ હતી કે શાળામાં કોઈ સિક્યુરીટી જ ન હતી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અંદર પ્રવેશી શકે, વિદ્યાર્થીઓને નુકસાન પણ પહોંચાડી શકે. પરંતુ આ બાબતે શાળા તરફથી કોઈ પણ પ્રકારનું ધ્યાન જ રાખવામાં ન આવતું. મે જ્યારે રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો મને ખબર પડી કે આ શાળામાં તો આધુનિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ જેવી અનેક સુવિધાઓ છે. શાળામાં જુદા-જુદા ચાર્ટ લગાવવામાં આવ્યા છે. ભાર વગરનું અને ઉમદા અભ્યાસ આપવામાં આવે છે. પહેલા બીજા ધોરણના દરેક વિદ્યાર્થીઓ સારી રીતે લખતા વાંચતા પણ આવડે છે. માટે મને લાગ્યું મારી દીકરીનો સર્વાંગી વિકાસ આ શાળામાં જ થશે. મોંઘી ફી ભરીને પણ જે ખાનગી શાળામાં અભ્યાસ ન મળે એ મફતમાં અહીં મળે છે.

એકબાજુ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ મનમાની કરીને ફીમાં વધારો કરી રહી છે, બીજી બાજુ યુનિફોર્મ, પુસ્તકોથી લઈને સ્વેટર સુધી તમામ સ્ટેશનરી અને અન્ય વસ્તુઓ શાળામાંથી જ લેવાની વાલીઓને ફરજ પાડવામાં આવે છે. આરટીઈ(રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવતા બાળકોને પણ શાળા અન્ય ખર્ચ માટે દબાણ કરે છે. આવા સમયે સરકારી શાળાની બદલાઈ રહેલી પ્રતિમા ખાનગી શાળાઓને બરાબર રીતે ટક્કર આપી રહી છે.

(હેતલ રાવ)