વેલેન્ટાઇન ડે: જાણો વિવિધ દેશોની અનોખી પરંપરાઓ!

વેલેન્ટાઇન ડે એ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ એ પ્રેમ અને લાગણીઓ વ્યક્ત કરવાનો વિશેષ અવસર છે. 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં લોકો પોતાના પ્રેમી અથવા જીવનસાથી માટે પ્રેમનો ઈઝહાર કરે છે.

કોઈ ખાસ ભેટ આપે છે, કોઈ રોમેન્ટિક ડિનર પ્લાન કરે છે, તો કોઈ પોતાના સાથી માટે સરપ્રાઇઝ ગિફ્ટ કે ટ્રિપનું આયોજન કરે છે. ભારતથી લઈને યુરોપ, અમેરિકા અને એશિયાના વિવિધ દેશોમાં વેલેન્ટાઇન ડે અલગ-અલગ પરંપરાઓ સાથે ઉજવાય છે.

 

આવો જાણીએ કે કયા દેશમાં કેવી રીતે ઉજવાય છે વેલેન્ટાઇન ડે!

જાપાન

જાપાનમાં વેલેન્ટાઇન ડે ખાસ કરીને મહિલાઓ માટે વિશેષ હોય છે, કારણ કે આ દિવસે મહિલાઓ પુરુષોને ચોકલેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. અહીં બે પ્રકારની ચોકલેટો આપવામાં આવે છે: ગિરી-ચોકો(Giri-Choco), જે મિત્રો, સહકર્મીઓ અને પરિવાર માટે હોય છે, જ્યારે હોનમેઇ-ચોકો (Honmei-Choco), જે પ્રેમી અથવા પતિને આપવામાં આવે છે. જાપાનમાં આ પરંપરા 1950થી શરૂ થઈ છે. જ્યાપરે એક મહિના પછી, 14 માર્ચે, સફેદ દિવસ ઉજવવામાં આવે છે, જ્યારે પુરુષો સ્ત્રીઓને ભેટો પરત કરે છે.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયામાં વેલેન્ટાઇન ડે ઉજવવાની વિવિધ પરંપરાઓ છે. અને આ દિવસ ત્રણ મહિના સુધી ચાલે છે.  જયાં 14 ફેબ્રુઆરીએ મહિલાઓ પુરુષોને ચોકલેટ આપે છે, જ્યારે 14 માર્ચે વ્હાઇટ ડે જવાય છે. જેમાં પુરુષો સ્ત્રીઓને ભેટ આપે છે. અહીં 14 એપ્રિલ બ્લેક ડે ઉજવવામાં આવે છે, જે પણ ખાસ છે, જેમાં સિંગલ લોકો “જજાંગમ્યાં” (કાળા રંગના નૂડલ્સ) ખાઈને એકલાપણાની ઉજવણી કરે છે. દક્ષિણ કોરિયામાં પ્રેમીઓ માટે “લવ લોક બ્રિજ” લોકપ્રિય છે, જ્યાં આ ત્રણ મહિન દરમિયાન ખાસ કરીને પ્રેમીઓ તાળું (લોક) લગાવી પોતાના પ્રેમને સદંતર બનાવે છે.

ડેનમાર્ક

ડેનમાર્કમાં વેલેન્ટાઇન ડે પર પુરુષો અનામી પ્રેમ પત્રો ‘ગાયકેબ્રેવ’(Gaekkebrev) રૂપે મોકલે છે, જેમાં કવિતા લખેલી હોય છે. જો મહિલા અંદાજ લગાવી શકે કે કોણે પત્ર મોકલ્યો છે, તો એને ઈનામ સ્વરૂપે ઈસ્ટરના તહેવારે ચોકલેટ મળે. અહીં ગુલાબ અથવા ટ્યૂલિપ્સની જગ્યાએ સફેદ ફૂલો (Snowdrops) આપવાની પરંપરા છે.

ફ્રાન્સ

પ્રેમનો દેશ ગણાતા ફ્રાન્સમાં વેલેન્ટાઇન ડે ખૂબ જ રોમાંટિક રીતે ઉજવાય છે. આ દિવસે લોકો ડેટ પર જાય છે, પ્રેમ પત્રો આપે છે, સાથે  ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. પહેલા અહીં ઉને લોટરીએ દ’અમોઉર (Une Loterie d’Amour) નામની પરંપરા હતી, જેમાં અવિવાહિત પુરુષો અને સ્ત્રીઓ લોટરી દ્વારા એકબીજાને પસંદ કરતા. જે નામ લોટરીમાં આવે, એ યુગલ એકબીજાને સાથી તરીકે સ્વીકારતા અને દિવસભર સાથે ગાળતા. જો કે, આ પરંપરા ઘણીવાર વિવાદાસ્પદ બનતી, એમ પણ કહેવાય છે કે, જો કોઈ મહિલાને પોતાનો પાર્ટનર પસંદ ન આવે, તો એ એને આગમાં ફેંકી દેતી! જેથી આ પ્રથાને ફ્રાન્સ સરકારે પ્રતિબંધિત કરી દીધી.

ફિલીપીન્સ

ફિલીપીન્સમાં વેલેન્ટાઇન ડે એક વિશેષ દિવસ છે, કારણ કે હજારો યુગલો આ દિવસે સામૂહિક લગ્ન કરે છે. સરકાર દ્વારા વિશાળ સમૂહ લગ્ન યોજવામાં આવે છે, જેમાં યુગલો નાવડીઓ પર કે બગીચાઓમાં લગ્ન કરે છે. આ દિવસે ઘણા કપલ માટે મેરેજ એનીવર્સરી પણ હોય છે. માટે ફિલીપીન્સમાં આ દિવસને ખુબ મહત્વનો માનવામાં આવે છે.

ફિનલેન્ડ અને એસ્ટોનિયા

ફિનલેન્ડ અને એસ્ટોનિયામાં  વેલેન્ટાઇન ડેને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. અહીં, પ્રેમીઓ ઉપરાંત, મિત્રો પણ એકબીજાને શુભેચ્છાઓ મોકલે છે. લોકો એકબીજાને કાર્ડ અને ભેટ મોકલે છે. આ દિવસનો હેતુ ફક્ત પ્રેમીઓના સંબંધો જ નહીં પરંતુ તમામ પ્રકારના સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ દિવસે ખાસ કરીને સિંગલ લોકો માટે “લવ બસ” ટૂર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેઓ નવા સંબંધો બનાવવાનો પ્રયાસ કરે છે.

અમેરિકા અને યૂ.કે

આ દેશોમાં વેલેન્ટાઇન ડે પ્રણય અને રોમાંસ માટે મહત્વનો તહેવાર છે. લોકો પ્રેમીઓને ગુલાબ, ચોકલેટ, કાર્ડ અને ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. કેટલાક યુગલો આ દિવસે લગ્ન માટે પ્રપોઝ પણ કરે છે, અને કેટલાક લોકો આ દિવસને વિશેષ બનાવવા માટે રોમાંટિક ટ્રીપ પર જાય છે.ખાસ કરીને વેલેન્ટાઇન ડે પર, અમેરિકનો કેન્ડી હાર્ટ આપીને પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. આ નાના હૃદય આકારની કેન્ડી છે. આના પર, યુગલો એકબીજા માટે પ્રેમાળ સંદેશાઓ લખે છે.

ઇટાલી

ઇટાલીમાં, વેલેન્ટાઇન ડેને લા ફેસ્ટા ડેગલી ઇન્નામોરાટી તરીકે ઓળખવામાં આવે છે. એ એક રોમેન્ટિક રજા છે અને એ યુનાઇટેડ સ્ટેટ્સની જેમ જ ઉજવવામાં આવે છે. યુગલો ભેટોની આપ-લે કરે છે અને રોમેન્ટિક ડેટ પર જાય છે. પરંતુ, ઇટાલીમાં, વાસી પેરુગીના અથવા પેરુગીના ચોકલેટ આપવાની પરંપરા પણ છે, જેના રેપર પર રોમેન્ટિક લખાણ લખેલુ હોય છે.

ભારત

છેલ્લા કેટલાક વર્ષોમાં વેલેન્ટાઇન ડે ભારતમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, ખાસ કરીને યુવા પેઢીમાં. અન્ય દેશોની જેમ ઘણા લોકો ભેટની આપ-લે કરે છે અને રોમેન્ટિક ડેટ પર જાય છે, પરંતુ આ દિવસને પરંપરાગત મૂલ્યો ધરાવતા કેટલાક ધાર્મિક જૂથો તરફથી પણ તીવ્ર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે. જોકે, ઘણા ભારતીયો આ દિવસની ઉજવણી પ્રેમના પ્રતિકરૂપે કરે છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.

પોર્ટુગલ

પોર્ટુગલ રોમેન્ટિક પ્રેમીઓ માટે એક આકર્ષક સ્થળ છે, જ્યાં વેલેન્ટાઇન ડે “પ્રેમ દિવસ” તરીકે ઉજવાય છે. પરંપરાગત ભેટો તરીકે ચોકલેટ, ફૂલો અને ઘરેણાં આપવામાં આવે છે, પરંતુ દેશના કેટલાક ભાગોમાં ‘કેન્ટારિન્હા ડોસ નામોરાડોસ’ નામની વિશેષ પરંપરા પણ પ્રચલિત છે. આ પરંપરામાં,  કુંભારો માટીમાંથી ‘વેલેન્ટાઇન કવિતા બનાવતા, જે છોકરાઓ એમના પ્રેમનો પ્રસ્તાવ આપવા માટે ગર્લફ્રેન્ડને ભેટ આપતા. આ નાની કવિતા સગાઈ દરમિયાન મળેલી ભેટો સંગ્રહવા માટે પણ ઉપયોગમાં લેવાતી. આજકાલ, યુગલો આ પરંપરાને પ્રતીકાત્મક રીતે અપનાવીને પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરે છે.

કેમ ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડે

 

ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાઝિન’ નામના પુસ્તક મુજબ, સંત વેલેન્ટાઈન રોમના પાદરી હતા. એ વિશ્વમાં પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા. પરંતુ એ જ શહેરના રાજા ક્લાઉડીયસને એમની આ વાત પસંદ ન હતી. રાજાને લાગ્યું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિ બંનેનો નાશ કરે છે. આ કારણોસર, એના રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શક્યા નહીં. જો કે, સંત વેલેન્ટાઈનએ કિંગ ક્લાઉડીયસના આ હુકમનો વિરોધ કર્યો. અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી. એટલું જ નહીં,  એમણે ઘણા અધિકારીઓ અને સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા. આ વાતે રાજાને ઉશ્કેર્યા અને એણે સેન્ટ વેલેન્ટાઈનને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફાંસી આપી. એ દિવસથી દર વર્ષે આ દિવસને ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને મૃત્યુ સમયે જેલરની બ્લાઈન્ડ પુત્રી જૈકોબસને પોતાની આંખો દાન કરી હતી. સેન્ટે જેકોબસને એક પત્ર પણ લખ્યો હતો, જેના અંતે એમણે ‘યોર વેલેન્ટાઇન’ લખ્યું.

અલબત્ત, વેલેન્ટાઇન ડે મુખ્યત્વે રોમાંસ અને પ્રેમનો તહેવાર છે, ત્યારે વિવિધ દેશોની પોતાની આગવી પરંપરાઓ છે. કેટલાક દેશો રોમેન્ટિક પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે અન્ય મિત્રતા અને પરિવારની ઉજવણી કરે છે. વેલેન્ટાઇન ડે ક્યારે, ક્યાં અથવા કેવી રીતે ઉજવો છો એનાથી કોઈ ફરક પડતો નથી. કારણ કે આ માત્ર પ્રેમનો સાચો અહેસાસ કરવાનો દિવસ છે.

ફેબ્રુઆરી ફેસ્ટિવલ..તારીખ 7 થી લઇને 21..

 

‘બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.‘ વસંતના વાયરા વિતેલાં વર્ષોમાં યુવાનોને લાગણીની આપ-લે કરાવતા હતા. એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો છે. માત્ર વૅલેન્ટાઇન-ડે કે પછી વૅલેન્ટાઇન વીક નહીં, પરંતુ પુરા પંદર દિવસની સુંદર સફર આ દિવસોમાં હોય છે. એક પછી એક જુદા-જુદા દિવસ અને તેની સાથે વહેંચાતી લાગણીઓ.

ફેસ્ટિવલ-ડેની ઉજવણી શરૃ થઈ ગઈ છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાત તારીખથી શરૃ થતા ડે છેક એકવીસ તારીખ સુધી ઉજવવામાં આવે છે. ૭- રોઝ-ડે, ૮-પ્રપોઝ-ડે, ૯-ચોકલેટ-ડે, ૧૦-ટેડી-ડે, ૧૧-પ્રોમિસ-ડે, ૧૨-હગ-ડે, ૧૩-કિસ-ડે, ૧૪- વેલેન્ટાઇન-ડે, ૧૫- સ્લેપ ડે, ૧૬- કિક-ડે, ૧૭-પરફ્યુમ ડે, ૧૮-ફ્લર્ટિંગ ડે, ૧૯-કન્ફેશન ડે, ૨૦- મિસિંગ ડે અને આ દિવસો દરમિયાન એકબીજાને સંપૂર્ણ જાણવાની વાતો કરતા યુવાનોને જો એકબીજાનો સાથ પસંદ ના આવે તો એ યુવાનો ૨૧ તારીખે બ્રેકઅપ ડે ઉજવી પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મુકે છે. પશ્ચિમ દેશોમાં ફેબ્રુઆરી મહિનાને લઈને ઘણુ એક્સાઇટિંગ જોવા મળે છે. ધીમે-ધીમે આપણા ત્યાં પણ આ મહિનાને લઈને ઉત્સાહ વધતો જાય છે. એમાં પણ ખાસ કરીને યુવાનો આ દિવસોને લઈને ઘણા ક્રેઝી હોય છે.

હેતલ રાવ