દત્તક તો દીકરી જ લેવાય…

રાની, કજરી, સુરભી, કપીલ, આનંદ… આ બધાં બાળકોમાંથી રાની આજે ખૂબ ખુશ હતી. એની ખુશીનું કારણ એ હતું કે આજે એને માતા-પિતા અને પોતાનો કહી શકાય એવો પરિવાર મળવાનો હતો…

જો કે બધાં બાળકોની કિસ્મત રાની જેવી નથી હોતી તો પણ એમના મનમાં એક આશા કાયમ હોય છે કે એમને પણ રાનીની જેમ મા-બાપ અને પરિવાર મળે…

વાત છે અનાથ બાળકોની. એવા બાળકો, જે રોજ સવારે રાહ જૂએ છે કે કદાચ આજે એમને પણ પરિવાર મળશે. ચાઈલ્ડ કેર હોમ કે અનાથાશ્રમ કે જે કહો તે, આ બાળકો એક સપનાં સાથે જીવે છે કે એક દિવસ કોઈ આવશે અને એમને પોતાના બનાવીને લઈ જશે.

એક ઉજળી વાત એ છે કે, સમાજમાં રાની જેવા અનાથ બાળકોને દત્તક લઇને પરિવાર પૂરો પાડવાનો ટ્રેન્ડ વધતો જાય છે. નિઃસંતાન વાલીઓમાં બાળકને દત્તક લેવાનું પ્રમાણ વધતું જાય છે. એક આંકડા પ્રમાણે, ફક્ત ગુજરાતમાંથી જ છેલ્લા પાંચ વર્ષમાં 398 જેટલાં અનાથ બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. એને અર્થ એવો પણ થાય છે કે, આ બાબતે સમાજમાં ખુલ્લાપણું આવ્યું છે અને બાળકને દત્તક લેવામાં હવે પહેલા જેવો સામાજિક ખચકાટ રહ્યો નથી.

શું છે દત્તક લેવાની પ્રક્રિયા? 

દત્તક અધિનિયમ એટલે કે બાળકો દત્તક લેવાના કાયદનો લાભ લેવો સરળ નથી, કારણ કે બાળકને દત્તક લેવા સંબંધિત નિયમો અને શરતો થોડી જટિલ છે. એ જરૂરી પણ છે, કારણ કે અહીં બાળકોના હિતનો વિચાર કરવો જરૂરી બને છે. કેન્દ્ર સરકારે બાળક દત્તક લેવા માટે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી-કારા (CARA)ની રચના કરી છે. આ સંસ્થા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરે છે. સંસ્થાનું કામ નોડેલ એજન્સી તરીકેનું છે.

કારા મુખ્યત્વે ત્યજી દેવાયેલા બાળકોને દત્તક આપવાનું કામ કરે છે. સમયની સાથે એની પ્રક્રિયાના નિયમોમાં પણ સુધારો કરવામાં આવે છે. બાળકને દત્તક લેવું એ લાંબી કાનૂની પ્રક્રિયા છે પરંતુ એ અસરકારક પણ છે. બાળકને દત્તક લેવા ઇચ્છતા દંપતી શારીરિક અને માનસિક રીતે બરાબર હોવું જોઈએ. સાથે જ ભાવનાત્મક અને આર્થિક રીતે પણ સક્ષમ હોવું જરૂરી છે. બંનેમાંથી કોઇને પણ કોઈ ગંભીર બીમારી ન હોવી જોઈએ. કોઈપણ સંભવિત માતા-પિતા કે જેમના પોતાના કોઈ જૈવિક બાળકો હોય અથવા ન હોય તેઓ બાળકને દત્તક લઈ શકે છે.

એક નોંધવા જેવી બાબત એ છે કે, ગુજરાતમાં દત્તક લેવામાં આવતા બાળકોમાંથી મોટાભાગના માતા-પિતાની પ્રથમ પસંદગી દીકરી જ હોય છે. છેલ્લા 3 વર્ષમાં માતા-પિતા દ્વારા લેવામાં આવેલા બાળકોનું પ્રમાણ જોવામાં આવે તો તેમાં પ્રતિ 1૦ બાળકમાંથી 6 દીકરી છે.

અમદાવાદના શિશુગૃહ પાલડીના અધિક્ષક રિતેશભાઈ દવે ચિત્રલેખા.કોમને કહે છે, “કારાની ગાઈડલાઈન પ્રમાણે જ બાળકોને દત્તક આપવામાં આવે છે. વર્તમાન સમયમાં બાળકને દત્તક લેવા માટેની અનેક એપ્લિકેશન પેન્ડિંગ છે. જેનું મુખ્ય કારણ યોગ્ય ચકાચણી છે. કોઈપણ બાળકને દત્તક આપતા પહેલા દત્તક લેવા માટે આવેલા માતા-પિતા અને પરિવારની સંર્પૂણ રીતે તપાસ કરવામાં આવે છે. ઘણીવાર લાખો રૂપિયા ખર્ચી દવા, દુવા કર્યા પછી પણ કપલને બાળક નથી થતા. માટે એ લોકો દત્તકનું ઓપ્શન પસંદ કરે છે. જેમાં કેટલીક વાર બાળકને દત્તક લીધા પછી એકાદ વર્ષમાં એમના ઘરે પારણું બંધાય છે. (બાયોલોજીકલ બાળકનો જન્મ થાય છે) ત્યારે માતા-પિતાને લાગે છે કે દત્તક લેવામાં આવેલ બાળક એમના માટે સાક્ષાત ભગવાનના આર્શીવાદ છે.”

પરદેશી માતા-પિતા કેમ આવા બાળકને પસંદ કરે છે?

કોઈપણ માતા-પિતા કે પછી સિંગલ પર્સન (એકલી રહેતી સ્ત્રી કે પુરુષ) બાળકને દત્તક લેવા જાય ત્યારે એમની એક કલ્પના હોય છે કે આપણે જે બાળકને દત્તક લઈએ એ સુંદર હોય, અથવા એની આંખો મોટી હોય કે પછી એ હેલ્ધી હોય વગેરે વગેરે.. જેના કારણે ઘણીવાર શ્યામવર્ણી બાળકો કે પછી ઓછા વજનવાળા બાળકોને જલ્દી કોઈ દત્તક લેતા નથી. જો કે ભારતીય પરિવારોએ જે બાળકોને દત્તક લેવાની ના કહી હોય એવા બાળકોને પરદેશી પરિવાર અપનાવતા હોય એવું પણ જોવા મળે છે. ફોરેનમાંથી આવતા માતા-પિતા મેન્ટલી હેલ્ધી ન હોય એવા કે પછી નાની મોટી ખોડખાપણ હોય એવા બાળકો વધુ પસંદ કરે છે. જેની પાછળની એક માન્યતા એ પણ છે કે આપણી પાસે પૈસા છે અને કોઈ બાળકને જીવન આપવું જ છે તો એવા બાળકને આપીએ, જેને કોઈ પસંદ નથી કરતું.

માતા-પિતા કેવા હોવા જોઇએ? 

ફેમીલી કોર્ટના વકીલ પૂજા પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે, “બાળકોને દત્તક લેવા ઇચ્છા માતા-પિતા ખાસ તો હેલ્ધી હોવા જોઈએ. એટલે કે એ કોઈ ગંભીર બીમારીનો ભોગ ન બનેલા હોવા જોઇએ. દત્તક બાળક અને એના પિતા વચ્ચે ઓછામાં ઓછું 21 વર્ષનું અંતર હોવું જોઈએ. કારણ કે ઘણીવાર પોતાની સેવા કરાવવાના હેતુથી કે પછી વિદેશમાં કોઈ કામ કરનાર વ્યક્તિ ન મળે એ હેતુથી અહીંથી બાળક દત્તક લઈને એમની પાસે કામ કરાવવામાં આવે. આવી કોઈ સમસ્યા ઉભી ન થાય એ માટે જરૂર પડે તો દત્તક લેવા માટે આવેલા માતા-પિતા પાસે બાળકના નામે પ્રોપર્ટી કે પૈસા ડિપોઝિટ કરાવવામાં આવે છે. બાળકને દત્તક આપ્યા પછી પણ જે તે વિભાગ એનું પૂરતું ધ્યાન રાખે છે.”

અમદાવાદ મેન્ટલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો. રમાશંકર યાદવ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “બાળકને દત્તક લઈ જનાર દંપતી કે કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે સક્ષમ છે કે કેમ એ જોવુ સૌથી વધારે જરી છે. જે માહોલમાં બાળક જવાનું છે એ ત્યાં રહી શકે એમ છે કે નહીં એ પણ જોવાનું. ઘણીવાર ચાઇલ્ડ એબ્યુઝના કેસ ઘણા થતા હોય છે. તો આવા સમયે બાળકને દત્તક લેનાર વ્યક્તિની માનસિક સ્થિતિ ખૂબ મહત્વની છે. માતા-પિતાની સાથે પરિવારની હિસ્ટ્રી પણ જોવામાં આવે છે. ફાઇનાસીયલ પોઝિશન, રિલેશનને કેવી રીતે સમજી શકે છે. ઉપરાંત  સાયકોલોજી સ્કેલ ટેસ્ટીગીંગ પણ કરવામાં આવે છે.”

દત્તક લેવા માટેની શરતો

  • જો સંભવિત વાલી પરિણીત હોય, તો પતિ-પત્નિ બન્નેની પરમિશન હોવી આવશ્યક છે.
  • એકલી સ્ત્રી કોઈપણ જાતિના બાળકને દત્તક લઈ શકે છે.
  • એકલો પુરુષ માત્ર છોકરાને જ દત્તક લઈ શકે છે.
  • ચાર વર્ષ સુધીના બાળકને દત્તક લેવા માટે, પતિ અને પત્ની બંનેની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બંનેની ઉંમર સાથે મળીને 85 વર્ષ સુધીની જ હોવી જોઈએ.
  • જે લોકો પાસે પહેલાથી ત્રણ કે તેથી વધુ બાળકો છે તેઓ દત્તક લેવાને પાત્ર નથી. તે ખાસ સંજોગોમાં જ બાળકને દત્તક લઈ શકે છે.

દત્તક લેવા માટે આ દસ્તાવેજો જરૂરી છે

  • બાળકને દત્તક લેવા ઈચ્છતા પરિવારનો તાજેતરનો ફોટોગ્રાફ
  • બાળકને દત્તક લેનારનું પાન કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર અથવા આવો કોઇ દસ્તાવેજ જે તેમની જન્મ તારીખ સાબિત કરે છે.
  • નિવાસ પુરાવો, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ, લેટેસ્ટ વીજળી અથવા ટેલિફોન બિલ
  • એ વર્ષ માટે આવકવેરાની પ્રમાણિત નકલ
  • સરકારી તબીબી અધિકારી દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર જરૂરી છે. જે પુષ્ટિ કરે છે કે દત્તક લીધેલા બાળકના માતાપિતાને કોઈ ગંભીર બીમારી નથી. દત્તક લેવા ઇચ્છુક દંપતીએ તેમના સંબંધિત તબીબી પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.
  • લગ્ન કર્યા હોય તો લગ્નનું પ્રમાણપત્ર
  • જો વ્યક્તિ છૂટાછેડા લે છે તો તેનું પ્રમાણપત્ર
  • દત્તક લેવાની તરફેણમાં વ્યક્તિ સાથે સંકળાયેલા બે લોકોનું નિવેદન

દત્તક લેવા માટે અરજી કરવાની પ્રક્રિયા

CARA માંથી બાળકને દત્તક લેવાની પ્રક્રિયા એકદમ સરળ છે. ઓનલાઈન ( http://cara.nic.in/ )અરજી કર્યા બાદ તેને ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવે છે. જ્યાં અરજદારની ચકાસણી કરવામાં આવે છે. તે સામાજિક કાર્યકરો તેમના પરિવાર, સામાજિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરે છે. તેના આધારે, એક રિપોર્ટ બનાવે છે અને તેને ચિલ્ડ્રન હોમમાં આપે છે.  અરજદારોને ચિલ્ડ્રન હોમ બોલાવવામાં આવે છે, તેમની પાસેથી માહિતી લેવામાં આવે છે, બાળ કલ્યાણ સમિતિ પણ સંપૂર્ણ માહિતી લે છે. બાળ કલ્યાણ સમિતિ બાળકને સ્વતંત્ર જાહેર કરે છે. એ બાદ દંપતી અથવા દત્તક લેનાર સ્ત્રી અથવા પુરુષ બાળકને આપવામાં આવે છે. બાળક ઉછેર વિશે પણ માહિતી લેવા માટે તેનું ફોલોઅપ લેવામાં આવે છે.

દીકરીઓ માટે વેઇટીંગ

ગુજરાતમાંથી વર્ષ 2૦2૦-21થી 2૦22-23 દરમિયાન કુલ 337 બાળકો દત્તક લેવામાં આવ્યા છે. જેમાંથી 189 દીકરી અને 148 દીકરાનો સમાવેશ થાય છે. આ પૈકી 294 સંતાનોને દેશના જ્યારે 43 સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. દેશમાં દત્તક લેવામાં આવેલા આ 294માંથી 16૦ જ્યારે વિદેશમાં દત્તક લેવામાં આવેલા 43 બાળકોમાંથી 29 દીકરી છે.

વર્ષ 2૦22-23 દરમિયાન દેશના માતા-પિતા દ્વારા  સૌથી વધુ દીકરીઓને દત્તક લેવામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાંથી દત્તક લેવામાં આવેલા 482 બાળકોમાંથી 25૦ દીકરી અને 232 દીકરા હતા. આ પછી તામિલનાડુ 197 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 139 સાથે ત્રીજા, તેલંગાણા 129 સાથે ચોથા અને  કર્ણાટક 11૦ સાથે પાંચમાં સ્થાને છે. દીકરીઓના દત્તક લેવાના મામલે ગુજરાત ટોચના આઠ રાજ્યોમાં પણ સામેલ નથી.

સમગ્ર દેશમાંથી વર્ષ 2૦22-23માં દેશના માતા-પિતા દ્વારા લેવામાં આવેલા દત્તક બાળકોમાંથી 1726 પુત્રી, 1286 પુત્રનો સમાવેશ થાય છે. દત્તક સંતાનમાં દીકરી પ્રથમ પસંદગી અંગે જાણકારોનું માનવું છે કે પતિ-પત્ની  આજે પણ દત્તક સંતાન માટે આવે ત્યારે તેમાંથી મોટાભાગના દીકરી ઉપર સૌપ્રથમ પસંદગી ઉતારે છે.

એક સમય હતો જ્યારે પોતાની જ દીકરીને દૂધપીતી કરી દેવામાં આવતી હતી પરંતુ હવે સમય બદલાયો છે. હવે દીકરી પ્રત્યેનું બદલાઇ રહેલું વલણ સમાજનું સકારાત્મક ચિત્ર દર્શાવે છે. ઘણા પતિ-પત્નીને પુત્રરૂપી સંતાન હોવા છતાં દીકરીના માતા-પિતા બનવાની ઇચ્છા પૂરી કરવા પણ દીકરી દત્તક લેતા હોય છે. સમાજમાં તરછોડાયેલા સંતાનોને માતા-પિતા અને પરિવારની છત્રછાયા મળે એ માટે પ્રયત્ન કરવામાં આવે છે.

(હેતલ રાવ)