જાણો ચંદ્રયાન-4, વિનસ મિશન અને લ્યુપેક્ષ મિશનમાં PRLનો શું છે રોલ?

ભારત સરકારે 23મી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 23મી ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરના ઉતરાણના માનમાં આ દિવસ ઉજવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું. આ સિદ્ધિ સાથે, ભારત સ્પેસ-ફેરિંગ રાષ્ટ્રોના મહત્વના જૂથમાં જોડાયું છે. ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે. ઈસરોની આ સફળતામાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL)નો ફાળો પણ ખુબ જ મહત્વનો છે. ત્યારે અમે અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં આ અઠવાડિયે PRLના નિદેશક પ્રૉ અનિલ ભારદ્વાજ સાથે વાતચીત કરી.

પ્રો. અનિલ ભારદ્વાજ વિશે થોડી વાત કરીએ તો તેમણે 1987માં M.Sc. લખનૌ યુનિવર્સિટીમાંથી અને 1992માં Ph.D.નો અભ્યાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી કર્યો છે. તેઓ 1993માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)માં જોડાયા હતા. ત્રિવેન્દ્રમ સ્થિત વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (VSSC)ની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી (SPL)માં વૈજ્ઞાનિક તરીકે જોડાયા. ઓગસ્ટ 2007માં SPLની નવી રચાયેલી પ્લેનેટરી સાયન્સ બ્રાન્ચના વડા બન્યા અને ફેબ્રુઆરી 2014થી ફેબ્રુઆરી 2017 દરમિયાન SPLના ડિરેક્ટર હતા. વર્ષ 2017થી, તેઓ PRLના ડિરેક્ટર છે. તેમણે લગભગ 2 વર્ષ સુધી નાસા માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, USAમાં કામ કર્યું છે. 2004-2005 દરમિયાન નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસમાં સિનિયર રિસર્ચ એસોસિયેટ તરીકે કાર્યરત હતા.

ચિત્રલેખા: ભારત સરકારે 23મી ઓગષ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેના વિશે શું કહેવું છે? ક્યા પ્રકારની ઉજવણી કરવામાં આવશે?

ડૉ. અનિલ ભારદ્વાજ: 23મી ઓગષ્ટ, 2023ના રોજ સાંજે 06:04 મિનિટે ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ બની ગયો કે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ વખત સફળ લેન્ડિંગ કર્યું હોય. લગભગ 69.3 ડિગ્રી સાઉથમાં પ્રથમ વખત લેન્ડિંગ કરવામાં આવ્યું. આ માટે સમગ્ર વિશ્વમાં ભારતના સ્પેસ કાર્યોના વખાણ થયા. આથી ભારત સરકારે પણ આ દિવસની ઉજવણી નેશનલ સ્પેસ દિવસ તરીકે કરવાનું નક્કી કર્યું. આ વર્ષે પ્રથમ વખત તેની ઉજવણી થવાની છે. ઈસરોએ નક્કી કર્યું છે કે અમે એક દિવસની જગ્યાએ એક મહિના સુધી આ ઉજવણી કરીશું. આ ઉજવણીના ભાગરૂપે જ PRLએ ડૉ. વિક્રમ સારાભાઈની જન્મજયંતિ નિમિત્તે ઓપન હાઉસ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. PRLના ચાર કેમ્પસમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 4,000 વિદ્યાર્થીઓ, સામાન્ય લોકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

23મી ઓગષ્ટના રોજ કોઈ સ્પેશિયલ કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું છે?

કેન્દ્ર સરકારે નેશનલ સ્પેસ દિવસના રોજ નવા પુરસ્કારોના વિતરણ સમારોહનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ઈસરોએ નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ઈસરો, In-SPACE, NSIL, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ભારત સરકારે સાથે મળીને આયોજન કર્યું છે. અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અલગ-અલગ મંત્રાલય અને ડિપાર્ટમેન્ટસનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. કેટલીક ચર્ચાઓ અને પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક વિશેષ કાર્યક્રમમાં ચંદ્રયાન-3ના કેટલાંક મહત્વના ડેટાને પણ લોકો સમક્ષ મૂકવામાં આવશે.

તાજેતરમાં જ આપને COSPAR એવોર્ડ મળ્યો છે એ વિશે જણાવશો.

આ એવોર્ડ મળ્યો એમાં સૌથી વધારે ખુશી એ વાતની હતી કે વિક્રમ સારાભાઈ મેડલ  જેમના નામ પર આપવામાં આવ્યો તે ડૉ. વિક્રમ સારાભાઈ PRLના સંસ્થાપક છે. આ એક ઈન્ટરનેશનલ એવોર્ડ છે, જે કમિટી ઓન સ્પેસ રિસર્ચ દ્વારા આપવામાં આવે છે. વિક્રમ સારાભાઈએ તેમના સમયમાં COSPARને પ્રમોટ કરવા માટે ભારતમાં INCOSPAR ની રચના કરી હતી. જે સંસ્થા બાદમાં ISROમાં પરિવર્તિત થઈ ગઈ. આ એવોર્ડ મળવો એટલે મહત્વનો બની ગયો કે એક તો તે ઈન્ટરનેશનલ એવોર્ડ છે, બીજું તે COSPAR દ્વારા આપવામાં આવ્યો છે અને ત્રીજું કે તેની સાથે ડૉ. વિક્રમ સારાભાઈનું નામ જોડાયેલું છે. આથી આ ક્ષણ ભારત માટે, ઈસરો માટે અને PRL માટે ખુબ જ મહત્વની છે.

ચંદ્રયાન-3 મિશનમાં PRLનો મહત્વનો રોલ રહ્યો છે. તો આ મિશનમાંથી કોઈ મહત્વના ડેટા મળ્યા છે?

ચંદ્રયાન-3માં PRLમાંથી ત્રણ એક્સપેરિમેન્ટ હતા એક લેન્ડર ઉપર અને બે એક્સપેરિમેન્ટ રોવર પર હતા. લેન્ડર જેનું નામ વિક્રમ લેન્ડર છે તેમાં એક ચાસ્તે (ChaSTE- Chandra’s Surface Thermophysical Experiment) નામનો એક્સપેરિમેન્ટ હતો, જે એક થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ હતો. જેણે ડિપ્લોયમેન્ટ બાદ ચંદ્રની સપાટીમાં દસ સેન્ટિમીટર અંદર જઈને ત્યાંનું તાપમાન સ્કેન કર્યું. જ્યારે રોવર પર એક એક્સપેરિમેન્ટ આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (Alpha Particle X-ray Spectrometer) નો હતો. જેના કારણે રોવરે ચંદ્રની સપાટી પર ફરીને 23 જગ્યાઓ પરના એલિમેન્ટલ કમ્પોઝિશન વિશેની જાણકારી આપી છે. કેમ કે ચંદ્રયાન-3 મિશન પહેલું એવું મિશન હતું કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું હતું, આથી ત્યાંથી એલિમેન્ટલ કમ્પોઝિશન (સપાટી કેવાં પ્રકારના તત્વોથી બનેલી છે) વિશે જાણકારી જે મળી તે પ્રથમ વખત પ્રાપ્ત થઈ હતી. આથી સમગ્ર વિશ્વ માટે આ જાણકારી ખુબ જ મહત્વની છે. કારણ કે હવે આપણને ખબર છે કે ચંદ્રના દક્ષિણ ભાગની સપાટી પર કેવાં પ્રકારના તત્વો છે અને શું તે વિષુવવૃત્તિય રિજન્સ કે જ્યાં અપોલો કે લુનાની લેન્ડિંગ થઈ હતી તેના કરતાં અલગ છે કે નહીં?

ભવિષ્યમાં ચંદ્ર પરથી મળેલા નમૂના પાછાં લાવવાનું પણ કોઈ મિશન અમલમાં મૂકવાનું છે? તો તેમાં PRLનો રોલ શું રહેશે?

હા, એટલે હવે સોફ્ટ લેન્ડિંગ ટેક્નોલોજી ભારતે વિકસાવી લીધી છે. તો હવે અમે લોકો સેમ્પલ કલેક્શન ટેક્નોલોજી વિકસિત કરવાનું વિચારી રહ્યા છીએ. ચંદ્ર પરથી નમૂના ભેગા કરીને તેને પાછા પૃથ્વી પર લાવીશું અને તેનો અભ્યાસ કરીશું. આ પણ એક મહત્વનું કાર્ય છે. કારણ કે ચંદ્રનો અભ્યાસ કરવા માટે આપણે દરેક એક્સપેરિમેન્ટને ચંદ્ર પર ના મોકલી શકીએ. પરંતુ ત્યાંથી જો કોઈ ચોક્કસ પ્રકારના નમૂના આપણે લાવી શકીએ તો તેનો લેબમાં ખુબ જ વિસ્તારપૂર્વક અભ્યાસ કરી શકાય છે. PRL પાસે તો આ પ્રકારના અભ્યાસ કરવાનો એક બહોળો અનુભવ રહ્યો છે. અમે લોકોએ અપોલો, લુનામાં જે નમૂના લાવવામાં આવ્યા હતા, તેનો અહીં લેબમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે. આથી અમે ઈચ્છીએ કે અમે પોતે જ સેમ્પલ રિટર્ન મિશન દ્વારા જે નમૂના લાવવામાં આવે તેનો અમારી લેબમાં વિસ્તૃત અભ્યાસ કરીએ.

ભવિષ્યમાં લુનર મિશન લ્યુપેક્ષ શું હશે અને તેમાં PRLનો રોલ શું રહેશે?

લુનર મિશન એ ભારતનું ઈસરો-જેક્સા મિશન અથવા તો કહીએ તો ભારત અને જાપાનનું સંયુક્ત મિશન છે. આ મિશનમાં રોકેટ લોન્ચર જાપાનનું હશે અને લેન્ડર ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. જ્યારે રોવર પણ જાપાન દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે રોવરમાં જે એક્સપેરિમેન્ટ્સ લગાવવામાં આવશે તે ભારત અને જાપાન દ્વારા વિકસિત કરવામાં આવશે. લ્યુપેક્ષ મિશનમાં PRLનો રોલ એ છે કે રોવર પર લગાવવામાં આવેલ એક્સપેરિમેન્ટ્સ કે જેનું નામ પ્રતિમા છે તે PRL દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્સપેરિમેન્ટ પોલર રિજિયન માં ખાસ કરીને પરમેનેન્ટલી શેડો રિજિયન જે છે કે જ્યાં ક્યારેય લાઈટ કે સન લાઈટ આવતી જ નથી, હંમેશા અંધારું હોય છે એવાં વિસ્તારોમાં જઈને રોવર ત્યાં પાણી કેટલી માત્રામાં છે, કેટલી ઉંડાઈએ પાણી છે અને ભવિષ્યમાં આપણે તે જગ્યાઓનો કે પાણીનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેનો અભ્યાસ કરવાનું છે.

PRL હાલમાં ક્યા-ક્યા ક્ષેત્રોમાં કાર્યરત છે?

PRLના કાર્યક્ષેત્રની જો વાત કરવામાં આવે તો તે પૃથ્વીના કોરથી લઈને અનંત સુધી કાર્યરત છે. PRLમાં ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતીકી, સૌર ભૌતીકી, ગ્રહીય અને અંતરીક્ષ વિજ્ઞાન અને એસ્ટ્રોકેમેસ્ટ્રીના ક્ષેત્રમાં પણ કાર્યો થાય છે. આ ઉપરાંત ભૂ-વિજ્ઞાન, એટોમિક, મોલીક્યુલર ઍન્ડ ઓપટિકલ ફિઝિક્સ અને સૈદ્ધાંતિક ભૌતીકી ક્ષેત્રમાં પણ કાર્ય થાય છે. આથી કહી શકાય કે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને સોલર સિસ્ટમનું કેવી રીતે નિર્માણ થયું અને તેની સાથે-સાથે પૃથ્વીનાં નિર્માણ સમયે કેવાં ફેરફાર થયા તે બધાં જ પ્રકારના અભ્યાસના ક્ષેત્રોમાં PRL કાર્યરત છે. આને પેલ્યુ ક્લાયમેન્ટ(paleoclimate) સાયન્સ કહેવાય. જેમાં ભવિષ્યમાં કેવાં પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તેનો આધાર ભૂતકાળમાં રહેલો છે. તેનો અભ્યાસ અહીં કરવામાં આવે છે. વાતાવરણની સાથે-સાથે અવકાશ અને દરિયાના પેટાળનો પણ અહીં અભ્યાસ કરવામાં આવે છે. અમે લોકો સ્પેસના વાતાવરણ ઉપર કામ કરીએ છીએ, બાયો જીયો સાયન્સિસમાં કામ કરીએ છીએ. અમે બંગાળની ખાડી, ઈન્ડિયન ઓસન, અરેબિયન ઓસનમાં જઈને ત્યાની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ છીએ. આ સિવાય આર્ટિક, એન્ટાર્ટિક અને હિમાલયનો પણ અભ્યાસ કરીએ છીએ. આ બધી જ જગ્યાઓ પર અમે અલગ-અલગ પ્રકારના પરીક્ષણો કરીએ છીએ. આ બધાંનો ભેગો અભ્યાસ અહીં PRLમાં થાય છે.

PRLના ચાર કેમ્પસ છે. મુખ્ય કેમ્પસ નવરંગપુરા છે. આ સિવાય અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં બીજું કેમ્પસ આવેલું છે. એક ઉદેપુરમાં સોલર ઓબઝર્વેટરી કેમ્પસ છે. આ સિવાય એક કેમ્પસ માઉન્ટ આબુમાં પણ છે. ઉદેપુર સોલર ઓબઝર્વેટરીમાં મુખ્યત્વે સૂર્યને લગતા અભ્યાસો કરવામાં આવે છે. ત્યાં 50 સેન્ટિમીટરનું એક ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે. જે ભારતનું સૌથી મોટું સોલર ટેલિસ્કોપ છે. માઉન્ટ આબુ કેમ્પસમાં ચાર ટેલિસ્કોપ કાર્યરત છે. તેમાંથી એક ટેલિસ્કોપ 1.2 મીટરનો છે જે છેલ્લાં ચાર દશકથી કાર્યરત છે. આ જ 1.2 મીટર ટેલિસ્કોપ દ્વારા PRLના વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત ભારતમાંથી એક્ઝો પ્લેનેટની શોધ કરી હતી. તેનાં માટે અમે એક ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું હતું તેને પારસ નામ આપવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લાં એક વર્ષથી ત્યાં 2.5 મીટરનું ટેલિસ્કોપ પણ લગાવવામાં આવ્યું છે. જ્યારે 2.5 ટેલિસ્કોપ માટે પારસ-2 નામનું ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવવામાં આવ્યું છે. આ 2.5 મીટર ટેલિસ્કોપ દ્વારા પણ એક નવા એક્ઝો પ્લેનેટની શોધ કરવામાં આવી છે. PRL ભારતની એકમાત્ર એવી સંસ્થા જે છે જેણે એક્ઝો પ્લેનેટની શોધ કરી છે. અત્યાર સુધીમાં ભારતમાંથી 4 એક્ઝો પ્લેનેટની શોધ કરવામાં આવી છે અને તે ચારેય PRL દ્વારા શોધવામાં આવ્યા છે.

PRL હાલમાં ક્યા પ્રકારના પ્રોજેક્ટસ પર કામ કરી રહ્યું છે?

PRLના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-4 પર કામ કરી રહ્યા છે. આ મિશન સેમ્પલ રિટર્ન મિશન હશે કે જે ભારતનું પ્રથમ સેમ્પલ રિટર્ન મિશન પણ હશે. તેમાં PRLનું યોગદાન એ રહેશે કે સેમ્પલ ક્યાંથી લેવાં તે લેન્ડિંગ સાઈટ નક્કી કરશે. કારણ કે આપણે કોઈ એક જગ્યાએથી જ સેમ્પલ લઈને પાછા આવી શકીશું. તો શું તે શિવશક્તિ પોઈન્ટ હશે કે જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું તે કે પછી બીજી કોઈ વધારે સાયન્ટિફિકલી એનરિચિંગ સાઈટ પરથી નમૂના લેવાં તે નક્કી કરવાનું કામ PRL દ્વારા કરવામાં આવશે.

આ સિવાય અત્યારે PRL એક દિશા મિશન પર કામ કરી રહ્યું છે. જે એક એરોનોમી મિશન છે. આ મિશનમાં પૃથ્વીની આસપાસ લગભગ 450 મીટરની હાઈટ પર વિષુવવૃત્તિય અને પોલર ઓર્બિટ્સમાં બે સેટેલાઈટ મૂકવામાં આવશે. આ બે સેટેલાઈટ અભ્યાસ કરશે કે આટલી ઉંચાઈ પર કેવાં પ્રકારની ઘનતા છે અને કેવાં પ્રકારનું તાપમાન છે. જેનાથી આપણને ખબર પડે કે પૃથ્વીની ચારેય તરફ જે વાતાવરણ છે તેનાં પર સૂર્યની કેવાં પ્રકારની અસરો થઈ રહી છે.

આની સાથે જ અમે લોકો PRLમાં અનેક નવા-નવા એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. જેમ કે વિનસ મિશન, માર્શ મિશન માટેની તૈયારીઓ કરી રહ્યા છે. જો માર્સ મિશનની વાત કરવામાં આવે તો લેન્ડિંગ વિશેના પ્રોગ્રામ ઈસરોમાં ચાલી રહ્યાં છે. કેમ કે અમે લોકોએ ઓર્બાઈટર મિશન માર્સ પર મંગલયાન 2013માં કરી લીધું છે. હવે આગળ નવું શુ કરી શકાય તો અમે માર્સ પર લેન્ડિંગ કરવાનું મિશન અને આસપાસના વિસ્તારમાં મુવ કરવાના મિશન પર કામ કરી રહ્યા છીએ.

વિનસ(શુક્ર) મિશનમાં અમે લોકો પ્રથમ વખત શુક્ર ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યા છીએ. શુક્ર એક એવો ગ્રહ છે કે જે બીજા બધાં ગ્રહો કરતાં અલગ છે. કારણ કે ત્યાં કાર્બન ડાયોક્સાઈડનું વાતારણ છે, જેવું કે મંગળ ઉપર પણ છે. પરંતુ તેની સપાટીનું વાતાવરણ લગભગ 800 કેલ્વિન છે એટલે કે 450 ડિગ્રી સેન્ટિગ્રેટેડ. એટલે કે ત્યાં પાણી પણ ઉડી શકે છે. ત્યાં જીવન શક્ય નથી. ત્યાં જે પ્રેશર છે તે ધરતીના પ્રેશર કરતાં સો ગણું વધારે છે. એટલે કહી શકાય કે પૃથ્વી કરતાં ત્યાંની પરિસ્થિતિમાં ખુબ જ મોટું અંતર છે. જેના કારણે શુક્ર ગ્રહનો અભ્યાસ કરીને અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે શું પૃથ્વી ઉપર પણ આ પ્રકારની પ્રક્રિયાઓ થઈ ગઈ છે કે થઈ શકે છે?

આ ઉપરાંત ભારતીય અંતરિક્ષ સ્ટેશન અંગેનું મિશન પણ કાર્યરત છે. ગગનયાન મિશન પણ ચાલી રહ્યું છે. ભારત સરકારનો એવો પ્લાન છે કે 2040 સુધીમાં ભારતીય એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ધરતી પર ઉતારીયે. તેનાં માટે જે પ્રકારની ટેક્નોલોજીને વિકસાવવી પડે તેનાં પર પણ કામ ચાલી જ રહ્યું છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)