“અત્યાર સુધીમાં મેં ઈન્સ્ટાગ્રામ પર લગભગ 6 હજાર જેટલી સ્મૉલ બ્રાન્ડને કોઈ પણ પ્રકારના ચાર્જિસ વગર પ્રમોટ કરી છે.”… આ શબ્દો છે ઈન્સ્ટા ઈન્ફ્લૂઅનસર રૂપલ મિતુલ શાહના. રૂપલબેન ફક્ત એક સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર જ નહિ, પરંતુ હજારો નાના સપનાને પાંખ આપનાર એક સચોટ નામ છે. તેઓ નાના ઉદ્યોગોને તેમજ નાની બ્રાન્ડ્સને પ્રમોટ કરીને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી લોકો સુધી પહોંચાડવાનું એક ભવ્ય કામ કરે છે. ખાસ કરીને મહિલાઓ જેઓ નાના સ્ટાર્ટઅપ સાથે પોતાના ફિલ્ડમાં આગળ વધવા માગે છે, તેમને તો રૂપલબેન ચોક્કસથી પ્રોત્સાહન પૂરું પાડે છે. રૂપલબેન પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો ઉપયોગ ફક્ત ફેશન કે બ્રાન્ડ પ્રમોશન માટે જ નહિ, પરંતુ સંવાદ અને સારા મુદ્દાઓને સમર્થન આપવા માટે પણ કરે છે. સુરતના આ સશક્ત મહિલા આજના યુગની એવી પ્રેરણાસ્પદ શખ્સિયત છે, જે પોતાનું નામ બનાવતા જાય છે અને સાથે જ બીજા અનેક લોકો માટે પણ રસ્તો મોકળો કરતા જાય છે.
રૂપલ મિતુલ શાહ, સોશિયલ મિડીયાનું ખૂબ જ જાણીતું નામ છે. સુરતના રહેવાસી રૂપલબેન ગ્લેમરસ અને ગ્રાઉન્ડેડ સોશિયલ મિડીયા ઇન્ફ્લૂએન્સર છે. તેઓ ફક્ત લુક્સ માટે જ નહીં, પરંતુ પોતાની અદભુત એનર્જી, પરિવાર સાથેના હ્રદયસ્પર્શી બંધન અને વિઝનરી લાઇફસ્ટાઇલ માટે પણ એટલાં જ જાણીતા છે. રૂપલબેનના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપને એલિગન્સ અને ટ્રેડિશનની એક સુંદર ઝલક જોવા મળે છે. સાડીથી લઈને સ્ટાઈલિશ વેસ્ટર્ન આઉટફિટ સુધી, દરેક લુકમાં રૂપલ શાહ એક સ્પષ્ટ સંદેશ આપે છે, “સ્ત્રી હોવું એ ગર્વની વાત છે અને સપના જીવવાની કોઈ ઉંમર હોતી નથી”. બિઝનેસવુમન તરીકે પણ રૂપલબેનનો દબદબો છે – તેઓ મેઘમયુર ઈન્ફ્રા અને મેઘમયુર રિયાલ્ટી કંપનીઓના ડિરેક્ટર પણ છે. રૂપલબેનનો જીવનપ્રવાસ સાથે જ સોશિયલ મિડીયા જર્ની પણ આજે ઘણી મહિલાઓને પ્રેરિત કરી રહી છે. ત્યારે ચિત્રલેખા.કોમના “દીવાદાંડી” વિભાગમાં રૂપલબેનની આ જર્નીમાં વિશે વધુ જાણકારી મેળવીએ.
રૂપલબેનનો જન્મ ભાવનગરમાં થયેલો, પરંતુ પરિવાર વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલો છે. તેમનો અભ્યાસ સુરતમાં થયેલો. પિતા વિનયભાઈ શાહ B.Com, L.L.B હતા, જ્યારે માતા ગૃહિણી. રૂપલબેનને એક ભાઈ અને એક બહેન પણ છે. રૂપલબેનનું કહેવું છે કે આજે તેઓ જે મુકામ પર છે તેની પાછળ તેમના માતા-પિતાના આર્શીવાદ અને તેમના સંસ્કાર જ છે. સાથે-સાથે રૂપલબેનની સુંદરતામાં પણ તેમનો વારસો જોવા મળે છે તેવું ચોક્કસ કહી શકાય. પિતાનો આગ્રહ રહેતો કે ત્રણેય બાળકો ભણવામાં આગળ વધે. આજથી 45 વર્ષ પહેલાં વિનયભાઈએ ત્રણેય બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખ્યો હતો. રૂપલબેન કોમર્સ વિષય સાથે સ્નાતક થયા બાદ શેઠ ધનજીશા રુસ્તુમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી પણ કરેલી છે.
રૂપલબેનના લગ્ન સુરત સ્થિત મિતુલ શાહ સાથે થયા, જેઓ શહેરના એક અગ્રણી બિલ્ડરમાંના એક છે. સંયુક્ત પરિવારમાં સાસુ-સસરા, સસરાના પણ પપ્પા, સાસુના માતા બધાંને સાથે રાખીને રૂપલબેન મિતુલભાઈના પરિવારમાં ગોઠવાય ગયા. લગ્નને લગભગ ત્રીસ વર્ષનો સમય થઈ ગયો છે. રૂપલબેન અને મિતુલભાઈને સંતાનમાં જાનવી નામની દીકરી છે. જેના ફેબ્રુઆરી 2024માં લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા.
સોશિયલ મિડીયાની જર્ની વિશે વાત કરતા રૂપલબેન જણાવે છે કે, “કોવિડ સમયમાં મેં માત્ર ફન માટે ટિકટોક વિડીયો બનાવવાના શરૂ કર્યા હતા. જેમાં મને ટૂંક સમયમાં જ ખૂબ જ સારા એવા ફોલોઅર્સ મળી ગયા. પરંતુ જ્યારે ભારતમાંથી ટિકટોકની વિદાય કરવામાં આવી ત્યારે મિત્રોના કહેવાથી હું ઈન્સ્ટાગ્રામ તરફ વળી.”
રૂપલબેનનું કહેવું છે કે, “આજે હું સોશિયલ મિડીયા પર ખૂબ જ વ્યસ્ત રહું છું, અનેક ઈવેન્ટ્સમાં હાજરી આપવા માટે જવાનું હોય છે. કેટલાંક કાર્યક્રમોન પણ અટેન્ડ કરવા માટે જવાનું હોય છે. ત્યારે મારા પતિનો તો મને ફૂલ સપોર્ટ મળે જ છે. પરંતુ મારા આખો પરિવાર મને સાથ આપે છે. ઘણીવાર મારી રીલનું શૂટિંગ ઘરમાં જ થતું હોય છે. ત્યારે પણ મારા સાસુ-સસરા બધાં જ મને સપોર્ટ કરતા હોય છે. મારા માટે થઈને આજે મારા સાસુ-સસરાએ 80-82 વર્ષની ઉંમરે ઈન્સ્ટાગ્રામ ફોનમાં ડાઉનલોડ કર્યુ છે. કારણ કે તેઓને મારું કામ જોવું ગમતું હોય છે. તેઓ મારા કામને લઈને ઉત્સુક હોય છે. પ્રોત્સાહન પણ એટલું જ આપે છે.”
રૂપલબેન ગરબા પણ ખૂબ જ સુંદર રમ છે. જેના કારણે તેઓ અનેક કાર્યક્રમોમાં જજ તરીકેની પણ સેવા આપે છે. આ સિવાય તેમની ફેશન સેન્સના કારણે તેમણે 500 કરતા પણ વધુ શૉ જજ કર્યા છે. તેમણે જ્વેલરી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કર્યું છે. રૂપલબેનની ફેશન સેન્સ ગોડ ગિફ્ટેડ છે. તેઓ શાળા સમયથી પોતાની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહેતા હતા. ઈન્સ્ટાગ્રામ પર યુથ પણ રૂપલબેનને મોટા પ્રમાણમાં ફોલો કરે છે. આથી તેઓ જે પણ પહેરે છે, તેનું સારી રીતે અનુકરણ તેમના ફોલોઅર્સ કરે એ રીતે ડિસન્સી જાળવીને પહેરે છે.
ખૂબ જ સહાયક પરિવારથી સંપન્ન, રૂપલબેન શાહની આ જર્નીમાં અનેક લોકો જોડાયા છે. તેઓ બધાંને સાથે રાખીને ચાલી રહ્યા છે. જીવન પ્રત્યેના ઉત્સાહ, ઉદારતા તેમજ માનવતા પ્રત્યેના પ્રેમથી તેઓ તેમની આસપાસના બધાં જ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે તેઓ સોશિયલ મિડીયા જેવાં પાવરફૂલ ટૂલનો ઉપયોગ પણ કરી રહ્યા છે.
(રાધિકા રાઓલ-અમદાવાદ)
