આકાશ સાંભળને, મારી ઇચ્છા છે કે આપણે લગ્ન પહેલા એકવાર કાઉન્સેલિંગ કરાવીએ. નીશાની વાત સાંભળી આકાશ એની અચરજ સાથે એની સામે જોઈ રહ્યો. અરે એમાં સામે શું જોવે છે, આજકાલ તો પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ ટ્રેન્ડમાં છે, અને એટલું જ નહીં લગ્ન માત્ર બે હૃદયોનું નહીં, પણ બે કુટુંબો અને બે વિચારોનું પણ મિલન છે. આ સફર સુખમય અને સ્નેહભરી બને, એ માટે સમજૂતી, સંવાદ અને પરસ્પર સમજણ પણ મહત્વની છે.
નીશા આકાશ સમક્ષ પોતાના વિચારો રજૂ કરી રહી હતી. આ કાઉન્સેલિંગ માત્ર સમસ્યાઓ દૂર કરવા માટે નહીં, પણ જીવનસાથી સાથેના સંબંધને વધુ સજ્જ અને સુખદ બનાવવા માટે એક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. વિશ્વાસ, સંચાર અને સમજૂતી આ ત્રણ સ્તંભ પર નિર્ભર પ્રિ-વેડિંગ કાઉન્સિલિંગથી આપણું લગ્નજીવન વધુ સમુદ્ધ બનશે.
નીશાની વાત સાંભળી આકાશને પણ લાગ્યું કે હા છે તો આ સારી વાત, પરંતુ ઘરનાને કેવી રીતે સમજાવવા. કારણ કે એરેન્જ મેરેજ એમાં પણ આ પ્રકારના કાઉન્સેલિંગની વાત કરીએ તો કદાચ એ લોકોને યોગ્ય નહીં જ લાગે. પણ નીશાના આગ્રહ વસ બંનેએ નિર્ણય કર્યો કે, પહેલા પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ દ્ધારા એકબીજાને સારી રીતે સમજી લઈએ, પછી જરૂર જણાશે તો પરિવારને પણ કહીશું. અખારે લગ્ન તો બંને જણે કરવાના છે.
તો ચાલો જાણીએ પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ શું છે? લગ્ન પહેલા કરવામાં આવતું કાઉન્સેલિંગ આજના સમયમાં કેટલું જરૂરી છે. શું ખરેખર યુવતિઓ માટે ઉપયોગી બની શકે?
પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ શું છે?
સામાન્ય રીતે પ્રિ-વેડિંગ કાઉન્સેલીંગના ચાર સત્ર હોય છે, જેમાં પહેલા બંને યુગલનું સાથે કાઉન્સીલીંગ કરવામાં આવે છે, જ્યારે બીજા બે સત્રમાં એ બંને વ્યક્તીને અલગ-અલગ બોલાવામાં આવે છે. છેલ્લા સત્રમાં ફરી બંને સાથે હોય છે. જરૂર હોય એવા સંજોગોમાં પરિવારમાંથી માતા-પિતા કે ભાઈ, બહેન કે પછી અન્ય નજીકના સંબંધીને પણ હાજર રહેવાનું કહેવામાં આવે છે. જો ચાર સત્રમાં રિલેશન પર વધુ અસર ન થાય તો બીજા બે સત્ર લેવામાં આવે છે. આ સત્ર ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે લઈ શકાય છે. આજના સમયમાં જન્મપત્રી મેળવવાની જગ્યાએ જો પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ કરાવવું પસંદ કરવામાં આવે, તો ઘણા સંબંધો બચી શકે.
પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ એક વિકલ્પ
વર્તમાન સમયમાં સંબંધના બંધન ધીમે-ધીમે નબળા થતા જાય છે. આવી સ્થિતિમાં એને મક્કમતા સાથે ધીરજથી જકડી રાખવા ખૂબ જરૂરી છે. લગ્ન નજીક આવતા જ સંબંધોની ગતિ બદલાય છે. જે વાત એક સમયે પ્રેમ અને સાથનો આધાર બની હતી, એ જ અચાનક દબાણ લાગવા લાગે. વર્ષો સુધી એકબીજાને ઓળખ્યા પછી પણ, નાના-નાના મુદ્દાઓ પર મતભેદ ઉગ્ર બનવા લાગે. સંબંધમાં સહયોગ અને સમજૂતીની જગ્યાએ શંકા અને અપેક્ષા વધી જાય. એક તરફ જવાબદારીઓનો ભાર હોય, તો બીજી તરફ લાગણી સમજી શકાય એવી અપેક્ષા. જેની વચ્ચે ઘણીવાર સંબંધ બંધાતા પહેલા જ તુટી જાય છે. તો ક્યારેક બંધાઈ તો જાય છે પરંતુ એ લાંબો સમય ટકતા નથી. માટે જો લગ્ન પહેલા જ એકબીજાની અપેક્ષાઓ અને સંકોચ અંગે ખુલીને ચર્ચા થાય, તો સંબંધ વધુ મજબૂત અને સુખદ બની શકે. જેની માટે આજકાલ પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ એક વિકલ્પ છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના મેરેજ કાઉન્સેલિંગ અને સાયકોલોજિસ્ટ પૂર્વાંગી શુકલ કહે છે, “આજકાલના સંબંધોમાં એકબીજાથી અપેક્ષાઓ, વધારે છે. પરંતુ પોતે શું કરે છે એની પર ધ્યાન નથી આપતા. દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ છે. એકબીજાને સમજવા માટે સમય નથી આપવો. મારા મતે સોશિયલ મીડિયા બે વ્યક્તિના સંબંધને બ્રેક કરવા માટે બહુ મોટુ ફેક્ટર છે. એમાં પણ જે બની બેઠેલા મોટીવેશનલ સ્પીકર છે, જે વારંવાર રીલેશનશીપ પર કોમેન્ટ કરે છે. એની અસર ખોટી રીતે વધુ થાય છે. ઉપરાંત જે કપલ ઇન્સ્ટાગ્રામ પર રીલ અપલોડ કરે છે. એને જોઈને પણ પોતાના પાર્ટનર પાસેથી અપેક્ષા વધી જાય છે. ખાસ કરીને પ્રાયોરીટીને લઈને પણ ઘણા ઝગડા થાય છે. હું જ સૌથી વધારે મહત્વની બીજા બધા પછી. આ વાત પોતાના પાર્ટનર પર લાદવાને કારણે રીલેશનમાં દબાણ ઊભું થાય છે. અંતે લગ્ન પહેલા જ ભંગાણ. આ બધી જ વસ્તુઓને મેરેજ કાઉન્સેલિંગ ની મદદથી સુધારી શકાય. પરંતુ એવાં કાઉન્સેલિંગ નો લાભ ત્યારે જ મળે છે જ્યારે બંને પાર્ટનર પોતાના સંબંધોને આગળ વધારવા માટે તૈયાર હોય.”
ચર્ચા કરવામાં આવે, તો સંબંધ વધુ મજબૂત બને
પ્રિ-વેડિંગ કાઉન્સિલિંગ આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે, ખાસ કરીને જ્યારે બે વ્યક્તિઓના વિચારો અને સંસ્કૃતિ અલગ હોય. અગાઉ સંયુક્ત પરિવારમાં રહેતા લોકો માટે આ પ્રકારની સમસ્યા ન હતી, પરંતુ હવે, આજની જનરેશન એકબીજા પાસે ભવિષ્યને લઈને શું અપેક્ષા રાખે છે તે સમજવું મહત્વપૂર્ણ છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના સંજીવની મેરેજ એન્ડ રીલેશનશીપ કાઉન્સેલીંગના સીનીયર મેરેજ એન્ડ રીલેશનશીપ કાઉન્સિલર ડો.પ્રદીપ કુમાર કહે છે કે “આજના સમયમાં પ્રિ-વેડિંગ કાઉન્સિલિંગ માટે માતા-પિતા પણ આગળ આવી રહ્યા છે, કારણ કે તેઓ સમજે છે કે લગ્ન માત્ર એક સંબંધ જ નહીં, પણ જીવનભરનો સંયોગ છે. એમના સંતાનો લગ્નજીવન કેવી રીતે સંભાળવું, એક બીજાની અપેક્ષાઓ અને જવાબદારીઓ કેવી રીતે સમજવી એ જાણવું ખૂબ જરૂરી છે. આજે મોટાભાગે લોકો ફક્ત આર્થિક સ્થિરતાને મહત્ત્વ આપે છે. બંનેને સારી આવક છે. એટલું ધ્યાનમાં રાખવામાં આવે છે.પરંતુ પારંપરિક મૂલ્યો, સંસ્કાર, પરિવારની જવાબદારી અને સંબંધો પર વધારે ધ્યાન આપવામાં નથી આવતું. પરિણામે, લગ્ન પછી નાની-નાની બાબતો મોટી સમસ્યામાં પરિણમી શકે છે, અને ડિવોર્સ જેવા નિર્ણયો લેવાના સંજોગો સર્જાય છે. ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, માતા-પિતાની જવાબદારી, પરિવારના ભવિષ્ય માટે કરેલા આયોજન જેવી બાબતો પર પહેલા થી જ સ્પષ્ટતા થવી જોઈએ. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ, બંનેમાં એક સરખા પડકારો હોય છે. જો લગ્ન પહેલા જ આ બાબતો પર ખુલ્લી ચર્ચા કરવામાં આવે, તો સંબંધ વધુ મજબૂત અને સુખમય બની શકે.”
સંબંધ માટે આદરભાવ હોવો જરૂરી
પ્રિ-વેડિંગ કાઉન્સેલિંગ આમ તો દરેક યુગલ માટે ફાયદાકારક હોઈ શકે છે, ખાસ કરીને જે લગ્નજીવન માટે માનસિક, આર્થિક, લાગણીશીલ અથવા પરિવાર સાથે સંબંધિત નવી પરિસ્થિતિ માટે સારી રીતે તૈયાર થવા માંગે એ યુવાનો માટે આ સારો વિકલ્પ છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મૈત્રી ચોહાણ કહે છે કે, “સગાઈ પછી અને લગ્ન પહેલાં, અથવા કોઈપણ સંબંધને નામ આપતા પહેલા, એ સંબંધ માટે મનમાં આદરભાવ હોવો ખુબ જરૂરી છે. ઘણીવાર, લાગણીવશ લેવામાં આવેલા નિર્ણય પછી ખોટા સાબિત થઈ શકે છે. ફક્ત વાતોથી જીવન ન ચાલે. જો આ વાતને ગંભીરતાથી સમજવામાં ન આવે અને ફક્ત સમાજ, કુટુંબ કે ‘લોકો શું કહેશે’ની ભાવનાથી લગ્ન કરો તો એ બંને વ્યક્તિ માટે જીવનનું સૌથી મોટું નુકસાન છે. લવ મેરેજ હોય કે પછી એરેન્જ મેરેજ એકબીજાને સમજવા છતાં અનેક મતભેદો હોય છે. લગ્ન પછી જીવનશૈલી અને સંસ્કૃતિ અલગ હોય છે, ત્યાં વધારે જાગૃતિની જરૂરી છે. જ્યારે જીવનના આ અગત્યના નિર્ણય પર વિચારતા હોઈએ, ત્યારે એ માત્ર એક સાથીની પસંદગી નથી. પરંતુ એના સ્વભાવ, લાગણી, વર્તમાન અને ભવિષ્ય સાથે પણ જોડાવવાનું હોય છે. જો લગ્ન પહેલા જ એકબીજાના સંબંધો પર ધ્યાન આપવામાં આવે તો અને ગહન અભિગમ અપનાવો, તો જ એક મજબૂત અને સકારાત્મક સંબંધની શરૂઆત થઈ શકે.”
પ્રિ-મેરેજ કાઉન્સીલીંગ કેમ જરૂરી?
પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ એ લગ્ન પહેલાં આપવામાં આવતું માર્ગદર્શન છે, જે દંપતીને સુખદ અને સમજદારીભર્યું જીવન જીવવા માણાવ ઓછો થાય. એ નાણાકીય સંચાલન, સંસ્કૃતિઓની ભિન્નતા, ધાર્મિક માન્યતાઓ અને પરિવારો વચ્ચેનો સમન્વય સમજવા પણ ઉપયોગી બને છે. કાઉન્સેલિંગથી માનસિક, ભાવનાત્મક અને ભવિષ્ય સંકળાયેલી ટે મદદરૂપ થાય છે. આ કાઉન્સેલિંગ દ્વારા સંચાર કુશળતા, પરસ્પર સમજણ, જીવનની હકીકતો અને જવાબદારીઓની સમજ આપવામાં આવે છે. લગ્ન જીવનમાં ઘણી વખત મનમેળ ન થવાથી વિવાદ થાય છે, જે ખોટા સંચાર કે ગેરસમજના પરિણામે થાય છે. કાઉન્સેલિંગ દંપતીને સાંભળવાની અને સમજવાની ક્ષમતા વિકસાવવાનું શીખવે છે, જેથી તચર્ચાઓ સરળ બને છે. લગ્ન પછી નોકરી, સંતાન કે રહેવાની જગ્યાને લગતા નિર્ણયો બંને મળીને કેવી રીતે લઇ શકે એનો માર્ગદર્શક રૂપ પણ ભજવે છે. એકંદરે, પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ એક સારો સંબંધ બાંધવા માટે અગત્યનું પગથિયું છે. |
લાખો રૂપિયામાં થયેલા ભવ્ય લગ્ન થોડા સમયમાં તૂટી જાય છે, જે દંપતી સાથે પરિવાર અને સમાજ માટે પણ દુઃખદ છે. જો લગ્ન પહેલા જ જવાબદારીઓ અને અપેક્ષાઓ અંગે ખુલીને ચર્ચા થાય, તો આવા સંજોગો ટાળી શકાય. માટે આજના સમયમાં પ્રિ-વેડિંગ કાઉન્સીલીંગ અંગે જાગૃતિ જરૂરી છે.
હેતલ રાવ
