ભારતના તમામ રાજ્યના પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષવામ કુદરતી સૌંદર્યથી ભરપૂર નદી, સરોવર, પર્વતો, સમુદ્ર અને ઐતિહાસિક સ્થળો બતાવવાનો પ્રયત્ન કરે છે. એમાંય વેકેશન ગાળો આવે એટલે દેશ વિદેશના પ્રવાસન સ્થાનો પર ગુજરાતીઓ અવશ્ય જોવા મળે. પણ આજે અહીં ગુજરાતના એવા કુદરતી સૌંદર્ય સ્થળની વાત કરવાની છે, જેનાથી એની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ અજાણ છે.
જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. હિંમતનગરથી ગાંભોઈ , ભિલોડા તરફ જતાં અંતરિયાળ વિસ્તારના માર્ગ પરથી પસાર થાઓ એટલે નાના નાના ડુંગરા જોવા મળે. આ ડુંગરા, ચોમાસા પછીની વનરાજી અને ગ્રામ્ય જીવન જોતા હોવ ત્યાંજ એક ‘ડેમ સાઈટ’ દેખાય.
હાથમતી નદીનો જ એક વિશાળ વિસ્તાર ઈન્દ્રાસર સરોવર ચોમાસા પછી છલકાઈ જાય ત્યારે સુંદર પર્યટન સ્થળ બની જાય છે. વરસાદી પાણીથી ઈન્દ્રાસર સરોવરમાંતો સુંદરતા સર્જાય આ સાથે પથ્થરીયા ડુંગરો પણ લીલોતરીથી ખીલી ઉઠે. કેટલીકવાર સિક્સલેન કે ફોરલેન વાહનોથી ધમધમતા હાઈવેની અંદરના સાંકડા અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામ્ય જીવન, વન્યજીવન અને કુદરતી સૌંદર્યની સમીપે જવાનો મોકો મળી જાય છે. જેવી રીતે ભિલોડાની એકદમ નજીકનું હાથમતી નદીનું ઈન્દ્રાસર રિઝર્વ અંતરિયાળ પણ અદભુત છે. એમ ગુજરાતમાં અનેક સ્થળો કુદરતને માણનારાઓને મોજ પાડી દે એવા છે..!
(પ્રજ્ઞેશ વ્યાસ)