Opinion: પરીક્ષાઓમાં થતી ગેરરીતિ કેમ અટકે?

NEET UG 2024ની પરીક્ષા પ્રશ્નોના વંટોળમાં ફસાઇ છે. સરકાર સહિત NTA પર ઉઠાવાતા પ્રશ્નો વિદ્યાર્થીના વિશ્વાસ પર પાણી ફેરવવા સમાન દેખાઇ રહ્યા છે. પરીક્ષાના નામ ફરે છે, વર્ષ ફરે છે, પણ લાખો વિદ્યાર્થીઓને નસીબના માથે દોષનું પોટલું બાંધી દેવાની સ્થિતિ નથી ફરી રહી. આમ વારંવાર પરીક્ષા તો લેવાય છે. પણ વારંવાર ગેરરીતિ, કૌભાંડ અને ભરતી રોકી રાખવી જેવી પરિસ્થિતિનો સામનો વિદ્યાર્થીઓને કેમ કરવો પડે છે?

સવાલ અનેક છે પણ જવાબ એક જ દેખાઇ રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરનાર સિસ્ટમ, શું ફેરફારની જરૂર છે સિસ્ટમમાં?

આ અઠવાડિયાના ઓપિનિયન વિભાગમાં આ મુદ્દાને લઇને જાણો, લોકો શું કહે છે?

યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા

સ્પધાર્ત્મક પરીક્ષા બે સ્તરોમાં વહેંચવામાં નહીં આવે, ત્યાં સુધી આવી ગેરરીતિનો સામનો કરતા રહેવું પડશે. સરકારી પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતા પણ પેપર કેમ પ્રાઇવેટ પ્રિંન્ટિગ પ્રેસમાં છપાઈ છે? સરકાર જ્યારે સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં બજેટ પ્રિન્ટ કરે છે જે કોઈ દિવસ લીક થતું નથી. ઓનલાઈન કે ઓફલાઈન સિસ્ટમમાં સુધારો નહીં આવે ત્યાં સુધી કોઈ ફરક પડવાનો નથી. NTA મોટાભાગની પ્રોસેસ આઉટ સોર્સિંગથી કરી રહી છે. જ્યારે આઉટ સોર્સિંગથી કાર્ય કરવું હોય ત્યારે સરકારે પોતાના નામ હટાવી દેવું જોઈએ. જ્યારે એક વખત NTA દ્વારા ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું, તો પછી ફરી ગ્રેસિંગ પરત ખેંચવામાં કેમ આવ્યું?  ગ્રેસિંગ માર્કનો બેનિફિટ ન હોવો જોઈએ. આ ઉપરાંત ઓનલાઈન પરીક્ષા પ્રણાલી બદલાવી જોઈએ. ઓનલાઇન પરીક્ષામાં સાયબર ફ્રોડ થવાની શક્યતા વધી જાય છે.

ભાવિક સોલંકી, રાષ્ટ્રીય સંયોજક, NSUI

પરીક્ષામાં સર્જાતી ખામીને લઈ ઓનલાઈન પારદર્શીતા જાળવવી જોઈએ. હવે આગળની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓને મહેનત નિષ્ફળ નહીં જાય તેવી વિશ્વસનીયતા અપાવવી જોઈએ. પરીક્ષા પ્રણાલી એ રીતે ગોઠવવી જોઈએ, જેથી વચેટિયાઓને પેપર બનવાથી લઈ પેપર ચેકિંગ સુધી કોઈ પણ માહિતી પ્રાપ્ત ન થાય. NEET કૌંભાડ પર સ્પષ્ટ અને અડગ અભિપ્રાય છે. કે NEETની પરીક્ષા ફરીથી લેવી જોઈએ. આ સ્પષ્ટ પણ દેખાઇ રહ્યું છે કે સિસ્ટમમાંથી જ ગેરરીતિ આચરવામાં આવી રહી છે.

સમર્થ ભટ્ટ, પ્રદેશ સચિવ, ABVP ગુજરાત

NTA હેઠળ થતી પરીક્ષાનું સેન્ટર પ્રાઈવેટ કોમ્પ્યુટર લેબમાં આપવામાં આવે છે, તેની જગ્યા પર સરકારી કોલેજ કે સંસ્થામાં સોંપવામાં આવવું જોઈએ. સરકારી પરીક્ષાઓ બ્યૂરોક્રેસીના હાથમાં સોંપી દેવામાં આવી છે. આ તંત્રમાં NEET જેવી પરીક્ષાના અનુભવી લોકોનો સમાવેશ કરવો જોઈએ. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના કમ્પ્યુટર હેક થવાની સંભાવના વધી જાય છે. જ્યારે આખા દેશની નજર ચૂંટણી પરિણામ પર હતી, ત્યારે NEET પરીક્ષાના પરિણામ જાહેર કરવાનું શું કારણ? NTA એક સંસ્થા છે, જે પૂર્ણપણે ખોટી નથી, પરંતુ સંસ્થાના અંદર રહેલા દુષણોને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે. જ્યારે આપણી સિસ્ટમ ફૂલ પ્રૂફ ના હોય ત્યાં સુધી MCQ હોય કે વર્ણનાત્મક પરીક્ષા કોઈ મોટો ફરક નથી પડતો.

 

સોનલ પંડયા, કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગ (ગુજરાત યુનિવર્સિટી)ના પ્રોફેસર અને હેડ

વિદ્યાર્થીઓના ભવિષ્યની દોરી સરકારે પ્રામાણિક લોકોના હાથમાં મુકવી જોઈએ, કેમ કે વારંવાર પેપર ફૂટે તો પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓનો વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય. જેથી આપણે પરીક્ષાની પ્રણાલીમાં પ્રમાણિકતા લાવવી જોઈએ. જ્યારે અમે ગુજરાત યુનિવર્સિટી સાથે કાર્યકાળ શરૂ કર્યો હતો. તે સમયમાં યુનિવર્સિટીના પેપર ફૂટવાની કોઈ સંભાવના રહેતી ન નહીં. પેપર યુનિવર્સિટી પ્રેસમાં જ છપાતા. મોટાભાગની પરીક્ષામાં MCQ પ્રશ્નો જ પૂછવાની પ્રથા પણ બદલવાની જરૂર છે.અનિવાર્ય જણાય તે જગ્યા પર વર્ણનાત્મક પ્રશ્નો પુછવા જોઈએ. આ મુદ્દો ગ્રેસ માર્કસ સાથે શરૂ થયો છે. જ્યારે ગ્રેસ માર્કસ પદ્ધતિ રાખવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓને આગોતરી માહિતી આપવી જોઈએ. પરીક્ષાની પ્રક્રિયા પારદર્શી  હોવી જોઈએ. આટલી મહત્વની પરીક્ષા લેવા માટે તટસ્થ નિષ્પક્ષ માળખું  ઊભું કરવું પડે. જે બાહોશ અને પ્રામાણિક માણસ દ્વારા સંચાલિત હોય.

તુષાર પારેખ, ઝોનલ ડાયરેક્ટર, નારાયણ ગ્રુપ ઓફ એજ્યુકેશન

 

આ પ્રકારની પરીક્ષા જરૂરી છે. ત્યાં લગભગ 22-23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય છે. જેમાંથી લગભગ 75000 જેટલા લોકોને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે. જ્યાં બાકી લોકોને પ્રાઇવેટ કોલેજો વિકલ્પ પસંદ કરવો પડતો હોય છે. અને સરકારી કોલેજમાં એડમિશનની લાલચમાં લોકો ગેરરીતિનો સહારો લેતા હોય છે. ઓનલાઈન સિસ્ટમને કારણે ગેરરીતિ આંશિક ઓછી થશે. સાયબર ફ્રોડ એ જગ્યામાં થાય ત્યાં માનવ નો સમાવેશ થાય છે. જે ટેકનોલોજીમાં માણસનું ઈનપુટ ઓછું હોય ત્યાં ગેરરીતિ ઓછી થવાની સંભાવના હોય છે. આવી સ્પર્ધાતમક પરીક્ષા હંમેશા MCQ મોડમાં જ કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીના માર્કસ સાથે કોઈ ચેડાં ન થાય. આ ઉપરાંત પરીક્ષા ને વધુ મુશ્કેલી બનાવવી જોઈએ, જેથી હાથમાં પેપર હોવા છતા પણ જવાબ શોધવો મુશ્કેલ બને.

 

(તેજસ રાજપરા-અમદાવાદ)